ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ 

સ્થિર જળ સાથે અટકચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળાં ન કર. 

આજથી ગણ આવનારી કાલને, પાછલાં વર્ષોના સરવાળા ન કર. 
- ખલીલ ધનતેજવી 

પાપ કોને કહેવાય? પુણ્ય એટલે શું? લૂંટ કરવી એ પાપ છે અને દાન કરવું એ પુણ્ય છે. ખોટું બોલવું પાપ છે પણ કોઈના ભલા માટે ખોટું બોલવું એ પાપ નથી. પાપ અને પુણ્ય વિશે આવું ઘણું બધું આપણે સમજણા થયા ત્યારથી સાંભળતા આવ્યા છીએ. પાપ-પુણ્ય, ધર્મ-અધર્મ, પ્રેમ-નફરતની સાચી વ્યાખ્યા શું? અને આ બધી વ્યાખ્યાઓ કોણે બનાવી? દુનિયામાં જે કંઈ પણ છે એની વ્યાખ્યા છે. કોઈ ઉપર હુમલો કરી તેને ઇજા કરવી એ પાપ છે પણ કોઈ તમારા ઉપર હુમલો કરે ત્યારે તેની સામે લડવું એ પાપ નથી, એ સ્વરક્ષણ છે. 

આ અને આવી બીજી બધી જ વ્યાખ્યાઓ સરવાળે તો માણસે જ બનાવી છે. આપણે બધા જ આપણા વડીલો અને ડાહ્યા માણસોની વાતો માનતા આવ્યા છીએ. નાના હોઈએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે આવું ન કરાય, એ પાપ છે અથવા તો આવું કરાય એ પુણ્ય છે. મોટા થયા પછી માણસ વિચારે છે કે મને કહેવામાં આવી છે એ વાત સાચી છે? પછી એ પોતાની સમજણ અને સગવડ મુજબ પાપ અને પુણ્યની વ્યાખ્યામાં બાંધછોડ અને ભાંગફોડ કરતો રહે છે. 

એક માણસ સાધુ પાસે ગયો અને પૂછયું કે મહારાજ, પાપ અને પુણ્ય એટલે શું? સાધુએ કહ્યું કે સાવ સાચું કહું તો મને એ ખબર જ નથી! દરેક ધર્મે તેની વ્યાખ્યાઓ આપી છે, એ સાચી પણ હશે, દરેક વ્યક્તિ એ મુજબ પાપ અને પુણ્યની સમજ કેળવીને જીવે છે. મેં ઘણા ધર્મોનો અભ્યાસ કર્યો. થોડુંક વિચાર્યું અને પછી મેં પાપ અને પુણ્ય વિશે મારી વ્યાખ્યા બનાવી. સાધુએ કહ્યું, જે દિલને ડંખે એ પાપ છે અને જે દિલને ગમે એ પુણ્ય છે. આ વ્યાખ્યા પણ અંતે તો મર્યાદિત જ છે, કારણ કે મારું દિલ જેના માટે ડંખે એ તારા દિલ માટે ન પણ ડંખે! કોઈનું ભલું કરવું એ પુણ્ય છે કે પછી કોઈનું બૂરું ન કરવું એ પુણ્ય છે? જો આવું હોય તો પછી પાપ ન કરવું એ જ પુણ્ય છે! 

દરેક પાસે પાપ અને પુણ્યની પોતાની સમજ અને પોતાની વ્યાખ્યાઓ હોય છે. ઘણા લોકો સમજતા હોય છે કે આને પાપ કહેવાય, છતાં એ કરતાં હોય છે! એક બાળકને ખબર હતી કે તેના પિતા લાંચ લે છે. એ બાળકને સ્કૂલમાં એવું કહેવામાં આવ્યું કે લાંચ લેવી એ પાપ છે. તેણે ઘરે આવીને પિતાને પૂછયું કે પપ્પા શું એ વાત સાચી છે કે લાંચ લેવી એ પાપ છે? અને જો આ વાત સાચી હોય તો તમે પાપી છો? પિતા કંઈ જવાબ ન આપી શક્યા. તેણે એટલું કહ્યું કે તું મોટો થઈને તારી રીતે નક્કી કરજે કે શું પાપ છે અને શું પુણ્ય છે, હું પાપી છું કે નહીં? મને તારા પ્રશ્નોના જવાબની ખબર નથી. બાળક મૂંઝાઈ ગયું. તેને વિચાર આવ્યો કે ટીચર કહે છે એ વાત સાચી છે કે પપ્પા જે કહે છે એ વાત સાચી છે? 

બાળકને તો સાચો જવાબ ન મળ્યો પણ એના પિતાને થોડાં વિચારો આવ્યા. એ પણ નાના હતા ત્યારે કહેવામાં આવેલું કે લાંચ લેવી એ પાપ છે. મોટા થયા પછી બધાને જોઈને એ એવું વિચારવા માંડયા કે આખી દુનિયામાં આમ જ ચાલે છે. બધા જ લાંચ લે છે તો હું શા માટે ન લઉં? પછી તેને વિચાર આવ્યો કે બધા પાપ કરતાં હોય તો મારે પણ કરવાનું? એ દિવસથી એમણે લાંચ લેવાનું બંધ કર્યું. છ મહિના પછી તેણે દીકરાને બોલાવીને કહ્યું કે તેં મને એક પ્રશ્ન કર્યો હતો એનો જવાબ એ છે કે લાંચ લેવી એ પાપ છે. હવે હું એવું નથી કરતો. થોડોક વિચાર કરજો કે તમે અત્યારે જે કરો છો એ જ વસ્તુ તમારો દીકરો કરે તો તમને યોગ્ય લાગે? જો એનો જવાબ ના હોય તો તમે એવું ન કરતા! 

પાપ અને પુણ્યની બાબતમાં માણસ છટકબારીઓ શોધતો જ હોય છે અને તેને મળી પણ જાય છે. હું જે જગ્યાએ છું ત્યાં આવું બધું કરવું જ પડે, ન કરીએ તો ન ચાલે! માણસ નક્કી કરી લે છે કે દુનિયા આમ જ ચાલે! કોઈ ક્યારેય વિચારતું નથી કે આ વાત સાચી છે? હું જે માનું છું એના વગર દુનિયા ન ચાલે? 

પાપ અને ગુનામાં ફર્ક છે. માણસ જે કરતો રહે છે એ પાપ હોય તોપણ એ જ્યાં સુધી પકડાતો નથી ત્યાં સુધી એ ગુનો બનતો નથી. અને માણસ જ્યાં સુધી પકડાતો નથી ત્યાં સુધી એ સમજવા કે સ્વીકારવા તૈયાર જ નથી હોતો કે એ જે કરે છે એ પાપ કે ગુનો છે. મજાની વાત તો એ છે કે પકડાઈ ગયા પછી પણ એને એવું તો લાગતું જ નથી કે એણે કંઈ ખોટું કર્યું છે. મોટા ભાગે માણસ બચાવ જ કરતો ફરે છે. એક ભાઈ લાંચ લેતા પકડાઈ ગયા. ધરપકડ થઈ. પછી તેણે કહ્યું કે, બધા જ કરે છે, હું પકડાઈ ગયો, એક વખત પણ એને એવું નહોતું થતું કે મેં ખોટું તો કર્યું જ છે. લાંચ લેવા કરતાં પણ મેં કંઇ ખોટું નથી કર્યું એવી માન્યતા એ વધુ મોટો ગુનો છે. માણસમાં પોતાની ભૂલ અને પોતાનું પાપ સ્વીકારવા જેટલી પણ પ્રામાણિકતા હોતી નથી. 

પોતાનાં પાપ ઢાંકવાં અને પોતાની રીતે જ સાંત્વના મેળવવા માટે માણસ કેવાં કેવાં રસ્તાઓ અપનાવતા હોય છે! એક માણસ ખોટું કરતો હતો. રૂપિયા પડાવતો હતો. એક દિવસ એણે કહ્યું કે હું જે રૂપિયા પડાવું છું એમાંથી અડધી રકમ દાન કરી દઉં છું! મને આવું કરવાથી શાંતિ મળે છે! સવાલ એ થાય કે પુણ્ય કરવાથી પાપ ખતમ થઈ જાય? એક સાધુને આ વિશે એણે પ્રશ્ન કર્યો ત્યારે સાધુએ કહ્યું કે આપણે જેની પાસેથી ઉધાર લીધું હોય તેને જ તેની રકમ પાછી ચૂકવવાની હોય છે. તમે કોઈની પાસે ઉધાર લઈ કોઈને ઉછીના આપી દો કે કોઈને રકમ ચૂકવી દો તો ઉધાર તો ઊભું જ રહે છે. પાંચ પાપ કર્યા પછી પાંચ પુણ્ય કરી દેવાથી હિસાબ સરભર થતો નથી. પાપ અને પુણ્ય એ ગણિત નથી કે તેમાં સરવાળા-બાદબાકી ચાલે! 

ઘણી વખત પોતાની માથે આફત આવે ત્યારે માણસ એવું પણ બોલી ઊઠે છે કે કર્યાં ભોગવવાં તો પડે ને! પણ કરતી વખતે આવો વિચાર નથી આવતો! કારણ કે કરતાં હોઇએ ત્યારે એ કામ ખોટું લાગતું હોતું જ નથી! ખરાબ કરનારાનું ખરાબ ન થાય ત્યારે સારું કરનારને એવા વિચારો આવે છે કે જો એનું ખરાબ નથી થતું તો પછી મારું કેમ સારું થતું નથી? આવા કિસ્સામાં ઘણી વખત એવું હોય છે ખરાબ કરનારા સાથે જે થતું હોય છે અને આપણે જ એવું માની લેતા હોઇએ છીએ કે એને તો મજા જ છે. સારું કરનારે એવું જ વિચારવું જોઈએ કે દુનિયા ગમે તે કરે, હું જે કરું છું એ સારું છે. ખરાબ કરનાર વ્યક્તિનું ખરાબ થાય એની રાહ જોવાની પણ જરૂર નથી. તમે ખરાબ નથી કરતાં એટલે તમે સારા છો. 

તમે જ તમારા પાપ અને પુણ્યની વ્યાખ્યા બનાવો અને તમારું દિલ ના પાડે એવું ન કરો. બાય ધ વે, તમે ક્યારેય વિચારો છો કે તમે જે કરો છો એ સાચું છે કે ખોટું? સારું છે કે ખરાબ? પાપ છે કે પુણ્ય? ધર્મ છે કે અધર્મ? સંસ્કાર છે કે કુસંસ્કાર? વિચારી જોજો અને તમારું દિલ તમને ક્યાંય રોકે તો રોકાઇ જજો...

Categories:

Leave a Reply