એ યુવાનનું નામ અવસર હતું. બસ પછી તો અવસરે હનુમાનજીની સેવા સાથે સાથે ધર્મશાળામાંય સાફસુફીને આંગણામાં ઝાડવાંઓને પાણી પાવાનું કામેય ઉપાડી લીધું. રહેતા રહેતા એણે ધર્મશાળાના ટ્રસ્ટી મંડળનું દિલ જીતી લીધું. મંડળે એને ધર્મશાળામાં જ દેખરેખ રાખનાર તરીકે નિયુક્ત કરી લીધો. સામે અવસરે પણ જાતમહેનત કરીને ધર્મશાળાની કાયાપલટી નાખી. આંગણામાં બગીચો જમાવી દીધો. એનાં માનપાન વધી ગયાં... 

બાવીસેક હજારની વસ્તીવાળા ડુંગરપુર ગામની ધર્મશાળા પાસેની બાલા હનુમાનની દેરીએ છેલ્લા દસેક દિવસથી એક યુવાને ધામા નાખ્યા હતા. લઘરવઘર મેલાં કપડા, ગૌર ચમકતા ચહેરા પર કાળી ભમ્મર કરકરી દાઢી, ચમકદાર માંઝરી આંખો અને ઓછા બોલકો એ યુવાન દેરીની આસપાસનો ઓટલો વાળીચોળીને ચોખ્ખો રાખતો હતો. 

આથી આજુબાજુમાં રહેતા લોકોની કુણી લાગણીનો એને લાભ મળતો. એ લોકો જે કાંઈ ખાવાપીવાનું એને આપતા તેનાથી પેટ ભરીને યુવાન એ દેરીના ઓટલે જ પડ્યો રહેતો હતો. 

હવે એ સમયે ચોમાસાની આહલેક પોકારતા જેઠ મહિનાનાં દિવસો હતા. હંમેશ આકરો તાપ અને અસા ભેજભર્યો બફારો થતો. એમાં એક દિવસ સમી સાંજે હવામાન બદલાયું. એકાએક વાવળ ચડી, આકાશમાં કાળા વાદળો ઉમટી પડ્યા અને આકાશ ગોરંભાઈ ગયું. વીજળી લબકારા લેવા માંડી ને ચોમાસાનો પહેલો વરસાદ તુટી પડ્યો. ગામ લોકોય હર્ષમાં આવી ગયા. 

ત્યારે ગામનાં ચારપાંચ સેવાભાવી સજ્જનોને પેલો યુવાન બાદ આવ્યો. તેમણે એ જોયું તો એ હનુમાનજીની નાની દેરી પાસે બેઠો બેઠો વરસાદમાં ભીંજાઈ રહ્યો હતો. ગામાના લોકોને દયા આવી. એટલે એ લોકોએ યુવાનને સમજાવીને ધર્મશાળામાં આવી જવાનું કહ્યું. ત્યાં ધર્મશાળામાં ચોકીદારની ખાલી ઓરડામાં યુવાને આશરો લીધો. 

એ યુવાનનું નામ અવસર હતું. બસ પછી તો અવસરે હનુમાનજીની સેવા સાથે સાથે ધર્મશાળામાંય સાફસુફીને આંગણામાં ઝાડવાંઓને પાણી પાવાનું કામેય ઉપાડી લીધું. રહેતા રહેતા એણે ધર્મશાળાના ટ્રસ્ટી મંડળનું દિલ જીતી લીધું. 

મંડળે એને ધર્મશાળામાં જ દેખરેખ રાખનાર તરીકે નિયુક્ત કરી લીધો. સામે અવસરે પણ જાતમહેનત કરીને ધર્મશાળાની કાયાપલટી નાખી. આંગણામાં બગીચો જમાવી દીધો. એનાં માનપાન વધી ગયાં. 

આમ રહેતા રહેતા થોડા મહિનાઓ પછી એક દિવસ અવસરે ગામનાં મંડળને પોતાને આવેલા એક સ્વપ્નની વાત કરતા કહ્યું, ‘મને રાત્રે અવારનવાર એક સ્વપ્નું આવે છે. જેમાં ભગવાની એક મૂર્તિ દેખાય છે. પણ એ મૂર્તિ આ ધર્મશાળાની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં ઉભેલા પીપળાનાં ઝાડ પાસે જમીનમાં દટાયેલી છે. એ મૂર્તિને જોતા મને એવું લાગે છે કે એ જમીનમાં અકળાઈ રહી છે એને પ્રગટ થવું હોય તેમ લાગે છે.’ 

બસ પછી તો આ વાત ડુંગરપુરનાં ભોળા લોકોનાં ઘરે ઘરે પહોંચી ગઈ અને સૌનું કહેવું એમ થયું કે એક વાર તપાસ કરવામાં શું વાંધો છે. સાચું હશે એ બહાર તો આવશે. 

આખરે સૌના કહેવા મુજબ અવસરની સૂચવેલી જગ્યા આસપાસ ખોદકામ શરૂ થયું. લગભગ સાતેક ફૂટ જેવું ખોદાણ થતા સૌની આંખો ચાર થઈ ગઈ. જમીનમાંથી એક પથ્થરની પ્રાચીન મૂર્તિ નીકળી. 

ધાર્મિક લોકો તો અવસરને શ્રદ્ધાની નજરે જોઈ રહ્યા. કેટલાક તો વંદન કરવા લાગ્યા. ભગવાનની મૂર્તિ અને અવસરને ધામધુમથી સામૈયું કરીને ગામમાં ફેરવવામાં આવ્યા. અવસરના માનપાન તે એટલા વધી ગયા કે મૂર્તિ માટે મંદિર બનાવવા ગામમાં ફાળો થવા લાગ્યો. 

જોત જોતામાં ફાળામાં સારો એવો પૈસો એકઠો થયો, ને તાબડતોબ હનુમાનજીનાં ઓટલા પાસે એક મંદિર ઊભું થયું. તેમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ. યુવાન અવસરને પુજારી તરીકે રખાયો એટલે એ અવસર બાપુ બની ગયો. મૂર્તિની સાથે એ પણ આખા ડુંગરપુરમાં પુજાવા લાગ્યો. 

ભગવો ભેખ ધારણ કરીને અવસરબાપુએ મંદિરમાં જમાવટ કરી નાખી. રોજ રાતે સંતવાણી ને સત્સંગમાં લોકોનો મેળો જામવા લાગ્યો. મંદિરમાં દાન દ્વારા આવતા પૈસાની રેલમછેલ થતાં અવસર બાપુએ પોતાની માટે બાજુમાં બે રૂમ બનાવ્યા, ગામમાં એની બોલબાલા થઈ રહી. 

એમાં એકવાર રાત્રે સત્સંગ પૂર્ણ થતા સૌ પ્રસાદી લઈને વિખરાયા એટલે અવસર બાપુ એની રૂમમાં સુવા માટે આવ્યા. ત્યાં એક ગામનાં સેવકે આવીને કહ્યું. 

‘બાપુ... ! આપણા ગામનાં દલીચંદ શેઠના જમાઈ તમને મળવા માગે છે.’ 

‘જમાઈ... ! ક્યાનાં છે...?’ 

‘બાદલપુરના.’ બાદલપુરનું નામ સાંભળતાં જ અવસરબાપુ થોડા ખચકાયા પછી તુરત જ બોલ્યા. 

‘સારું એમને આવવા દે.’ 

સેવક ગયો પણ અવસર બાપુ સહેજ મુંઝાયા. એમને થયું દલીચંદ શેઠનો જમાઈ, બાદલપુરનો એ વળી કોણ હશે..? ત્યાં જ પેલો રૂમમાં પ્રવેશ્યો. 

‘કેમ બાપુ ઓળખાણ પડી...?’ 

‘નહીં તો... અમારે સાધુને તો બસ એક ઈશ્વરની જ ઓળખાણ...’ 

‘બસ અલ્યા અવસર ભુલી ગયો... બાદલપુરમાં આપણે સાથે હાઇસ્કૂલમાં ભણતા... હું રમણિક... બાકી હું તો તને ચાલુ સત્સંગમાં જ ઓળખી ગયો હતો...’ 

‘સી... સ... અલ્યા રમણિક જરા ધીમેથી બોલ...’ 

કહેતા જ અવસરબાપુએ રૂમનું બારણું બંધ કર્યું. રમણિકે પલંગ પર બેસતા કહ્યું, ‘અવસર બાકી તે અહીં જમાવટ કરી છે હવે, તું હજી ખેલ નાંખવાનું ભુલ્યો નથી લાગતો. આ મારા સસરાએ વાત કરી તને સ્વપ્નામાં મૂર્તિ દેખાણી એ બધું શું છે...?’ 

‘એમાં એવું છે ને મારા દોસ્ત...કોલેજમાં ગ્રેજ્યુએટ થયા બાદ નોકરી માટે મેં ખુબ હવાતિયાં માર્યા. પણ નોકરી મળી નહીં. પછી મે કંટાળીને એક યુક્તિ કરી આપણા બાદલપુરની અવાવરું વાવમાંથી એક ગ્રામ દેવતાની મૂર્તિ ઉપાડી અને અહીં ડુંગરપુરમાં આવીને રાત્રે કોઈ ભાળે નહીં એમ ધર્મશાળા પાછળ ખાડો ખોદીને દાટી દીધી. પછી થોડા સમયબાદ સ્વપ્નની વાત મે વહેતી મૂકી. ભલો થઈને આ વાત કોઈને કહેતો નહીં...નહીંતર મારા ખેલ પર પાણી ફરી જશે....’ 

‘વાહ બાકી બુદ્ધિ તો તારા બાપની હો...’ અને બંને દોસ્ત હસી પડ્યા.

Posted By:  jignesh tandel

Categories:

Leave a Reply