कृतार्थः स्वामिन द्रेष्टि कृतदारस्तु मातरम्

जातापत्य पति द्रेष्टि गतरोगश्चिकित्सकंम 

અર્થ પ્રાપ્તિ પછી સેવક સ્વામીનો દ્વેષ કરે છે .
પત્ની મળ્યા પછી પુત્ર માતાનો દ્વેષ કરેછે
સંતાન પ્રાપ્તિ પછી સ્ત્રી પતિનો દ્વેષ કરે છે
 
અને 

રોગનિવૃત્તિ પછી રોગીઓં વૈદ્યનો દ્વેષ કરે છે 

જીવન સંગીત પ્રગટે છે જીવન માધુર્યમાંથી . જીવન માધુર્ય ફેલાય છે સુમધૂર સંબંધોમાંથી .સુમધૂર સંબંધોની આધારશીલા છે ભાવસભર લાગણીઓનું ખળ ખળ વહેતુ ઝરણુ . ભીની ભીની લાગણીઓની છાલકો ની આહલાદકતા નો જે અનુભવ કરાવી શકે છે તેજ અસ્તિત્વ નો ઉત્સવ ઉજવી શકે છે. પરંતુ આજ આપણે ઊંધા માર્ગે છીએ, માર્ગ થી ભટકી ગયા છીએ, માર્ગની ખબર જ નથી. કદાચ ઉતાવળા થયા છીએ, બેબાકળા થયા છીએ , અસ્તિત્વનો ઉત્સવ ઉજવવા માટે , પણ ઉજવી શકતા નથી . અસ્તિત્વના ઉત્સવની પૂર્વશર્ત ને આપણે મરોડી નાખી છે . ભીની ભીની લાગણીઓથી ભીંજાવું તો છે પણ ભીંજવવાનો પ્રયત્ન કરવો નથી. સુમધૂર સંબંધોની વાંસળીમાંથી રેલાતા સુરો માં લીન તો થવું છે પણ જવાબદારી નથી લેવી .અહં ..ના.. ના જરા.. પણ.. નહિ. થોડી અમથી પણ નહી.શ્વાસ પણ નથી લેવો . એક મિનીટ રોકાવું પણ નથી .મોકો પણ ચૂકવો નથી . તુરત ઘા કરી દેવો છે , સામા પક્ષે . સુમધૂર સંબંધોના દરિયામાંથી ઉછળતા મોજામાંથી ઉઠતી છોળો માં ભીંજાવું હોય તો એક અને માત્ર એક શર્ત છે સ્વીકાર. સંપૂર્ણ સ્વીકાર. સામા પક્ષ નો પણ અને જવાબદારી નો પણ. અહિયાં પ્રશ્ન એ પણ ઉઠે છેકે સંપૂર્ણ સ્વીકાર એટલે શું ? કોઈ પણ વ્યક્તિ નો તેના ગુણ અને અવગુણ સાથે સ્વીકાર !જયારે આપને કોઈ ના પ્રેમમાં હોઈએ ત્યારે આપણે તે જ જોવા ની કોશિશ કરીએ છીએ કે જેનાથી આપણી તેના પ્રત્યે ની પ્રેમ ની લાગણી ને પુષ્ટિ મળે . અહી આપણે સિલેક્ટિવ બનીએ છીએ .અહી આપણે મનગમતા પાસા દ્વારા આપણી પસદગી ને યોગ્ય ઠરાવવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. કોઈ પણ શ્રેષ્ટ વ્યક્તિ ને પણ ખરાબ પાસું હોઈ છે અને ખરાબ વ્યક્તિ માં પણ શ્રેષ્ટ પાસું હોય છે . સંબંધો એ વિરોધાભાષી વિકલ્પો નો સરવાળો છે. દરેક સુખ ની પાછળ દુ:ખ જોડાયેલું છે અને દરેક દુ:ખ સાથે સુખ જોડાયેલું છે. સંબંધો એ બે કિનારા વરચે વહેતી નદી જેવા છે. સંબંધો એક કિનારાથી વહી ના શકે! એ અલગ વાત છે કે આપણને બીજો કિનારો ન દેખાય ! અથવા તો આપણે બીજો કિનારો જોવા ન માંગતા હોઈએ પણ એ હકીકત છે કે જયારે તમે એક કિનારા થી કંટાળી જશો ત્યારે બીજા કિનારે આપ ઉભા હશો એ નિશ્ચિત છે . જયારે આપણે સૌન્દર્યને પ્રાથમિકતા આપીએ છીએ ત્યારે આપણે એક કિનારા નો વિકલ્પ સ્વીકારીએ છીએ.એક દિવસ આપણે સૌન્દર્ય થી થાકી જશું. આપનું મન જે મળે તેના થી એક ને એક દિવસ ભરાઈ જાય છે , ધરાય જાય છે .ત્યારે આપણે કંટાળવા માંડીએ છીએ ..અને જે વિકલ્પ આપણે છોડ્યો હોય , જે વિકલ્પ પ્રત્યે આપણે બેધ્યાન હતા , જે વિકલ્પ આપણ ને મુદ્દલ ગમતો ન હતો તે વિકલ્પ હવે આપણ ને પ્રિતીકારક લાગે છે . તે વિકલ્પ ઉપર આપણે પસંદગી નો કળશ ઢોળિયે છીએ . કાલ સુધી જેના માટે આપણું હૃદય તડપતુ હતું તે આજે દુશ્મન લાગવા માંડે છે .કાલ સુધી શ્રદ્ધા અને વિશ્વાસ ના કસમ જેના નામ પર લેતા હતા તેના પ્રતિ શ્રદ્ધા નો છાંટો શોધવો મુશ્કેલ બની જાય છે. કાલે આપણે કહેતા હતા કે તારા વગર મારું જીવન શક્ય નથી ,આજ તેનો અવાજ સંભાળવો પણ મુશ્કેલ બનીજાય છે . 

હમણાં મારે શાલીની ( નામ બદલેલું છે ) સાથે વાત થઇ તેને લાગતું હતું કે તેના મિત્રએ તેનો દુરુપયોગ કર્યો છે. વાત વાત માં તેને જણાવ્યું કે તેને છેલ્લા ઘણાય વર્ષો થી સુમધુર સંબંધો હતા . મેં તેને પુછુયુ તકલીફ ક્યાં આવી ? દુ:ખ સાથે તેણે કહ્યું કે “મને લાગે છે કે તેને મન મારી ઉપયોગીતા ખતમ થઇ ગઈ છે” ! “મેં તેને મારું સર્વસ્વ આપ્યું પણ તેણે મારી કદર ના કરી” . વાત નો દોર આગળ ધપાવતા મેં પૂછ્યું આપે શા માટે આપનું સર્વસ્વ આપ્યું ? કોઈ વિશેષ કારણ ? ખરેખર કહું” હું તેને દિલોજાનથી ચાહતી હતી . અને આજે પણ ચાહું છું “. આખરે મેં પૂછીજ નાખ્યું કે જો તમને લાગતું હોય કે તેને તમારા સંબંધ નો દુરુપયોગ કર્યો છે તો આજે ચાહવાનું કોઈ કારણ ? એણે ગળગળા સ્વરે કહ્યું ”અમે સાથે ગાળેલો સમય એ મારા માટે જીવનમૂડી છે અને તે હું ભૂલી નહિ શકું “ તો સૌથી મહત્વ નો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પછી દુરુપયોગ કેવી રીતે ? 
અહી મન માં પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે જયારે સાથે હતા ત્યારે જો એ શ્રેષ્ઠ સમય હતો તો છુટા પડતાજ દુરુપયોગ કેવી રીતે થઇ ગયો ? અહી આપણું મેલું મન કામ કરવા લાગે છે . આપણે નિષ્ફળતાની જવાબદારી સ્વીકારવાને બદલે સામા ને જવાબદાર બનાવવા માંગીએ છીએ. અહીથી તકલીફો ની શરૂઆત થાય છે. આપણી વ્યાખ્યાઓં બદલાવા માંડે છે . વ્યક્તિ એજ છે , સંબંધો એજ છે , ઘટના એજ છે પણ ફર્ક જો હોય તો, તે આપણા દ્રષ્ટીકોણ નો છે. દ્રષ્ટીકોણ નું ખુબ મહત્વ છે સંબંધો માં. કોઈપણ સંબંધને જોવા ની આપની દ્રષ્ટિ બદલાય એટલે સ્વાભાવિક છે કે તેની સંબંધ ઉપર અસર દેખાવા માંડે છે . આઓ આપને એક ઉદાહરણથી તેને સમજવાનો પ્રયાસ કરીએ 

એક વખત બસ માં પિતા અને તેના બે બાળકો સફર કરી રહ્યા હતા . સવાર નો સમય હતો ઘણા લોકો પોતાની વાત માં મશગુલ હતા તો ઘણા ન્યુઝ પેપર વાંચવા માં ! અચાનક જીદે ચડેલા બાળકે કોઈના હાથમાંથી પેપેર ઝૂટવી લીધું ને ફાડી નાખ્યું ! અને મોટે મોટે થી ઘાટા ઘાટ કરવા માંડ્યો.ઘણા સહપ્રવાસી વિચારવા માંડ્યા કે આ તોફાની બાળકો ને સંસ્કાર જેવું કઈ નથી ! તેના માં બાપે તેને સભ્ય રીતે વર્તન કરતા શીખવાડ્યુંજ નથી ! સહન કરવાની પણ એક હદ હોય ! બીજા સહપ્રવાસી તેના પિતા સમક્ષ આશા ભરી નજરે જોવા લાગ્યા . પિતા ને વાત સમજાઈ ગઈ. તેણે સહ પ્રવાસીયોની માફી માંગી અને જણાવ્યું કે હું ખુબજ દિલગીર છું મારા બાળક ના અસભ્ય વર્તન થી પણ દુર્ભાગ્યે આજ તેમણે તેમની માં ઘુમાવી છે અને અમે તેમની માં ની અંતિમ ક્રિયા પતાવીને ઘરે જઈ રહ્યા છીએ ! જે લોકો તે બાળકોને ધ્રુણા ની નજર થી જોતા હતા તેમની, તેમને મુલવવાની દ્રષ્ટી બદલાઈ ગઈ ! તે હવે હમદર્દી ભરી દ્રષ્ટિ થી તે બાળકો ને જોવા લાગ્યા !! 

સંબંધ નો અર્થ સમ +બંધ એટલે કે સરખું બંધન એવો થાય છે જેમ કે વૃક્ષ અને વેલ, જેમ કે મીન અને જળ! સંબંધો લાગણી અને ઉષ્માના ઘૂઘવતા મહાસાગર જેવા હોવા જોઈએ,સંબંધોમાં એક જબ્બર તાકાત રહેલી છે, તે કાળમીંઢ પત્થરને પણ પીગળાવી શકે છે . સંબંધો શક્તિના વરસતા ધોધ જેવા છે. સંબંધ વગરનું માનવ જીવન કલ્પીતો જુઓં ! અરે જે પશુમાં શક્ય નથી તે માનવીમાં કેવી રીતે સંભવી શકે ? પરંતુ એ પણ હકીકત છે કે , જે સંબંધોમાં લાગણીની કુમાશની કમી મહેસૂસ થવા માંડે, જે સંબંધોમાં ઉષ્મા, દૂધમાં આવેલા ઉભરાની જેમ સમવા માંડે, જે સંબંધો દિનપ્રતિદિન શંકાઓ ના વાદળથી સતત ઘેરાતા રહેતા હોય , જેમાં એક બીજા પર હાવી થવાની હોડ લાગી જાય, જયારે સંબંધો સમ હિત ને બદલે સ્વ હિત પર કેન્દ્રિત થઇ જાય ત્યારે તેનું નીતરી જવું સ્વાભાવિક નથી લાગતું ? 

સંબંધો માં જયારે અંગત સ્વાર્થ નો લૂણો લાગે ત્યારે સમજવું કે તેના અંત તરફ ના પ્રયાણ ને હવે કોઈ રોકી શકે તેમ નથી ! હવે તેના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે ! કોઈ તેને રોકી નહિ શકે ..ના કોઈ પણ નહિ , ખુદ ઈશ્વર પણ નહિ ! ! જે સંબંધોમાં આપણે ઘેઘુર વડલાની જેમ ચોમેર પ્રસરીને શીતળતા વરસાવે તેવી પરીકલ્પના માં રાચતા હતા, જે સંબંધોની ભીની ભીની ખુશ્બુ શ્વાસે ભરતા હતા, જે સંબંધો આપણા આખા અસ્તિત્વના રોમે રોમમાં પ્રસરી ગયા હતા તે સંબંધો આજ અસ્તિત્વની આખરી લડાઈ લડતા ભાસે છે , આખરી શ્વાસ લેતા દીસે છે ! 

આપણે સ્વીકારવું પડશે કે સંબંધોના ગણિત અને વિજ્ઞાનને સમજ્યા વગર, સમગ્ર માનવ જાતનું અસ્તિત્વ જોખમમાં છે ! જો આપણે અર્થસભર જિંદગી વ્યતીત કરવી હોય, જો આપણે રાતરાણી ની જેમ મહેકવું હોય, જો આપને હિમાલય ની જેમ અડીખમ રહેવું હોય તો , જો આપને લાગણી ના ધસમસતા પ્રવાહ માં તરબોળ સ્નાન કરવું હોય, જો આપણે ગમે તેવા ધરતીકંપો થી આપણને સુરક્ષિત રાખવા હોય તો આપણે સંબંધો ની ગાંઠને વધુ મજબૂત બનાવવી પડશે, તો આપણે લાગણી ના તાર ને જંકૃત કરવા પડશે, તો આપણે મોરલાની જેમ ટહેકવું પડશે .. તો આપણે સંબંધોની સુપ્રભાતે કુકડા ની જેમ બાંગ પોકારવી પડશે ! બીજો કોઈ ઉપાય છે જ નહિ .. 

એક વખત એક ભાઈ ગાય ને દોરી ને જતા હતા કોઈ સૂફી ફકીરે તેને પૂછયું કે તમે ગાય થી બંધાયા છો કે ગાય તમારાથી બંધાયેલ છે ? પેલા એ કહ્યું કે ભાઈ ગાય થી હું કેવી રીતે બંધાયેલો હોઉં ? ગાયને તો મેં બાંધી છે ! તો એક કામ કરો , જો આપણે ગાય ને છોડી દઈએ તો ગાય તમારી પાછળ ભાગશે કે તમે ગાયની પાછળ ભાગશો ? પેલા એ કહ્યું મારેજ ગાય ની પાછળ ભાગવું પડશે ! તો ફકીરે કહ્યું, તો કોણ કોનાથી બંધાયેલું છે ? 
સંબંધો નું પણ કૈક આવું કહી શકાય, એ નક્કી કરવું મુશ્કેલ છે કે સંબંધો થી આપણે બંધાયેલા છીએ કે આપણાથી સંબંધો બંધાયેલ છે ! 

સંબંધો ની મધુરપ ના જામ માણવા હોય તો સંબંધોના ગણિત ને સમજવું પણ અત્યંત આવશ્યક છે ..સંબંધો ને મૂલવવા હોય તો તેને ચાર રીતે વર્ગીકૃત કરી શકાય : 

૧ સ્વાર્થ
૨ પરમાર્થ
૩પરસ્પર સ્વાર્થ
૪ દુશ્મનાવટ 

સ્વાર્થ ના સંબંધો એટલે કે જેમાં અંગત હિત ને ધ્યાન માં લઇ ને સંબંધો નો ઉપયોગ એવી રીતે કરવો કે જેથી અંગત હિત સાધી જાય અને ભલે તે માટે સામા પક્ષે ગમેતેટલો ભોગ કેમ ન આપવો પડે! ક્યારેક તો અંગત હિત સાધવા , સામેના વ્યક્તિ નો ભોગ લેવાની ગણતરીથીજ સંબંધ વિકસાવવામાં આવે છે. આ સંબંધો નું આયુષ્ય હમેશા ભોગ બનનાર વ્યક્તિ ની સહનશક્તિ ઉપર રહેલું હોય છે. આ સંબંધોનું આયુષ્ય હમેશા ટૂંકું જ રહેવાનું અથવા તો કહી શકાય કે આ સંબંધોનું આયુષ્ય મર્યાદિત હોય છે. 

પરમાર્થના સંબંધોમાં ભોગ આપનાર સમજદારીપૂર્વક પોતાનો ઉપયોગ થવા દેતા હોય છે . તેને ખબર હોય છે કે આ સંબંધમાં એકજ પક્ષે ફાયદો થવાનો છે, એટલે કે સમા પક્ષે . આ સંબંધોમાં પણ ભોગ આપનાર ની મનસુફી સુધીજ સંબંધો ટકી શકે છે .આ સંબંધો નું આયુષ્ય પણ ટૂંકું જ હોય છે. 

પરસ્પર સ્વાર્થના સંબંધો : સંબંધો માં આ સર્વ શ્રેષ્ઠ સંબંધો માનવામાં આવે છે કારણકે આમાં બંનેનું અવલંબન એકબીજા પર હોય છે. જ્યાં સુધી લાંબા ગાળાના લાભ માટે આ પરિસ્થિતિ સર્વોત્તમ છે કેમ કે આ પરિસ્થિતિમાં બંને પક્ષે સમલાભ હોવાથી તે સંબંધો લાંબા ટકવાની આશા રહેલ છે . જ્યાં સુધી સંબંધો આ પરિસ્થિતિ માં હોય છે ત્યારે બંને પક્ષ આનંદ નો ઉત્સવ મનાવતા હોય છે .બીજા શબ્દોમાં આને પરિપક્વ સંબંધ પણ કહી શકાય કે જેમાં કોઈ એક બીજાના ઉપર હાવી થવા નો પ્રયાસ કરતા નથી. પણ એક બીજાના પુરક બનવાની કોશિશ કરે છે . એકબીજાના સુખ અને દુ:ખ સંપીને વહેંચી લે છે અને દરેક પરિસ્થિતિમાં એકબીજાને હૂફ પૂરી પાડે છે.પણ પરસ્પર સ્વાર્થના સંબંધો અને સ્વાર્થના સંબંધો વરચે ની ભેદ રેખા એટલી પાતળી હોય છે કે ભેળસેળ થતા વાર નથી લાગતી. ઘણીવારે શંકા આવા સંબંધો નું કાસળ કાઢવાને નિમિત બને છે. 

દુશ્મનાવટના સંબંધોની પરિસ્થિતિમાં બંને પક્ષ નું વલણ જક્કી અને જીદ્દી હોય છે . બંને પોતાની વાત બીજા ઉપર થોપવાની ઈચ્છા રાખતા હોય છે . બંને એકબીજાનો મહતમ લાભ લેવા તો ઈચ્છતા હોય છે , પણ કઈ પણ ઘુમાવ્યા વગર ! એક હાથ લંબાવવો તો છે પણ બીજો હાથ પાછળ છુપાવી દેવો છે . 

બચપણમાં સોનાના ઈંડા આપતી મરઘીની વાત તો આપણે બધાયે સાંભળી છે .જેમાં એક ખેડૂતની મરઘી દરરોજ સોનાના ઈંડા આપતી હોય છે .ખેડૂત દરરોજ સોનાના ઈંડા મેળવે છે અને આનંદથી પોતાનો સમય વ્યતીત કરે છે. એક દિવસ કોઈએં એના કાન ભમ્ભેરે છે કે આ રોજ રોજ રાહ જોવી એના કરતા મરઘીને મારીને તેના પેટમાં જેટલા ઈંડા હોય તે લઇ લે ! ખેડૂતને લોભ અને લાલચ જાગે છે અને તે અંત આપણને બધાને ખબરજ છે! 

હવે ઉપરોક્ત વાર્તા ને તાર્કિક રીતે સમજીએ . 

જો ખેડૂત સોનાના ઈંડાની ઉપજ વગર અથવાતો કોઈ પણ જાતની અપેક્ષા વગર મરઘી ને ચણ નાખ્યા કરે તો કેટલા દિવસ તે મરઘીને પાળી શકશે ? 

તેજ રીતે જો તેને કોઈ પણ જાત નું ચણ આપ્યા વગર ફક્ત સોનાના ઈંડાની અપેક્ષા રાખેતો મરઘી કેટલો સમય ઈંડા આપી શકશે ? 

આપણે સોનાના ઈંડા મેળવવા હોય તો બંને પક્ષે તે જોવાનું રહેશે કે બંને એક બીજાના પુરક બને ! નહિ તો , ના રહેગી બાંસ ના બજેગી બાંસુરી ! 

કોઈ પણ સંબંધમાં સૌથી વિઘાતક અસરવાળા કોઈ પરિબળો હોય તો તે છે ભય ! અને અવિશ્વાસ ! ભય અવિશ્વાસ જગાવે છે અને અવિશ્વાસ ભયને જન્મ આપે છે . ભગવાન મહાવીરે આશરે ૨૦૦૦ વર્ષ પહેલા કહ્યું હતું કે અભય બનો ! અભય એટલે કે ભય રાખવાનું કોઈ કારણ ના રહે તે. અભય અને નિર્ભયના અર્થમાં તાત્વિક ફરક છે . નિર્ભય એટલે ભય વગરનું .સંબંધને અસર કરતુ પરિબળ છે ભય , ડર માનવીને શંકાશીલ બનાવે છે અને શંકા સંબંધની ઘોર ખોદવાનું કામ કરે છે. આ બંને પરિબળો દિવસે ના વધે તેટલા રાત્રે અને રાત્રે ના વધે તેટલા દિવસે વધ્યા કરે છે અને આખરી પરિણામ સંબંધમાં વિચ્છેદ સ્વરૂપે આવે છે : આ વિરછેદને કોઈ આવકારવા માંગતું નથી ! આ વિરછેદનું કોઈને સ્વાગત કરવું ગમતું નથી ! હજી પણ વિકલ્પ છે , હજી મોડું થયું નથી ! જો આપણે સ્વીકારી લઇએ કે નદીને બે કિનારા છે અનેપશ્ચ્યાતાપના પવિત્ર ઝરણાને આપણાં હૃદયમાં વહેવા દઈએ , પ્રાયશ્ચિત રૂપી નદીમાં માથાબોળ સ્નાન કરી નુતન જીવન તરફ આપણે પ્રથમ ડગ માંડીએ. સામાન્ય રીતે આપણે પશ્ચ્યાતાપ અને પ્રાયશ્ચિત ને સમાનર્થી માનતા હોઈએ છીએ પણ બનેમાં તાત્વિક ભેદ છે .પશ્ચ્યાતાપ એટલે કર્મની ભૂલનો સ્વીકાર અને તેમાંથી મુક્તિ માટે તે ભૂલ બદલ માફી માંગવી ! જયારે પ્રાયશ્ચિત એટલે આપણે ભૂલ માટે પોતાને જવાબદાર માનવા , ! જોવું પડશે કે આપણે ક્યાં ઉભા છીએ . આપણે ક્યાંતો આપણાં કર્મો નો દોષ જોઈશું , ક્યાંતો આપણ ને આપણી ભૂલ સમજાય ક્યાંતો બીજાની ભૂલ જોયા કરીશું ! 

જે પોતાના કર્મનો દોષ જોશે તે પશ્ચ્યાતાપ કરશે ! જે પોતાની ભૂલ જોશે તે પ્રાયશ્ચિત કરશે અને જેને બીજાની ભૂલ દેખાય છે તેની પાસે કોઈ વિકલ્પ નથી ! સિવાય કે વિરછેદ !! 

કૈલાશ પંડિતે ખૂબ સરસ લખ્યું છે કે 

કોણ ભલાને પૂછ છે અહી કોણ બૂરાને પુછે છે ? 
મતલબથી બધાને નિસ્બત છે અહી કોણ ખરા ને પુછે છે ? 
અત્તર ને નિચોવી કોણ પછી ફૂલોની દશા ને પૂછે છે ? 
સંજોગ ઝુકાવે છે કે નહિ તો અહી કોણ ખુદા ને પૂછે છે ?

Categories:

Leave a Reply