જનસંખ્યાનો બોજો : વિશ્વની વસતી અત્યારે ૬.૯૧ અબજ છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વની વસતી ૯.૧૫ અબજ થઇ જશે.સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ મુજબ આ જ ગતિ રહેશે તો આગામી ૪૦ વર્ષમાં ૧૦માંથી માત્ર એકને જ ભરપેટ ભોજન મળી શકશે.

તપતી ભૂમિ: ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીનું તાપમાન ૧૮૮૦ પછી આશરે એક ડિગ્રી વધી ગયું છે. તેનું મુખ્ય કારણ કાર્બન ઉત્સર્જન છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નવેમ્બર ૧૯૫૮માં ૩૧૩.૩૪ પાર્ટ્સ/મિલિયન હતું, જે ૨૦૦૯માં આશરે ૨૦ ટકા વધીને ૩૮૭.૪૧ થઇ ગયું.

પીગળતા ગ્લેશિયર : પૃથ્વીનું તાપમાન વધવાથી બરફના ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યાં છે. આર્કટિક ધ્રુવ પર હવે માત્ર ૨૭ ગ્લેશિયર બાકી રહ્યા છે. જ્યારે ૧૯૯૦માં ૧૫૦ હતા. તેથી આ સદીના અંત સુધીમાં સમુદ્રનાં પાણીનું સ્તર ૭થી ૨૩ ઇંચ વધી જશે. કાંઠાનાં ઘણાં ક્ષેત્રો ડૂબી જશે.

પાણી વગર : યુએન સ્ટેટમેન્ટ ઓન વોટર ક્રાઇસિસ મુજબ વિશ્વમાં છેલ્લા ૬ દાયકામાં પીવાનાં પાણીની માગણીમાં પાંચ ગણો વધારો થયો છે. આજે આશરે એક અબજ લોકો એવા છે જેમને પીવા માટે સ્વચ્છ પાણી મળતું નથી. વર્ષ ૨૦૫૦ સુધીમાં આશરે ત્રણ અબજ લોકો પાણી વગર અથવા ઓછા પાણીથી જીવન ગુજારશે.

ઘટી રહેલાં જંગલ : અર્થ ઓબ્ઝર્વેટરી નાસા મુજબ વર્તમાનમાં દર વર્ષે આશરે ૩.૫ કરોડ એકર જંગલો કાપવામાં આવી રહ્યાં છે. જંગલ કપાવાથી ફળ, ફાઇબર, કાગળ, તેલ, મીણ, રંગ, દવાઓ વગેરેના ભાવ વધી રહ્યા છે. તેનાથી ભારતને દર વર્ષે આશરે ૪ લાખ કરોડનું નુકસાન થાય છે.

વેરાન જમીન : ઓન્ટારિયો ઇન્સ્ટિટયૂટ ઓફ પેડોલોજી મુજબ માટીના ઉપરનો પડ દર વર્ષે ૨૫ અબજ ટન ઘટી રહ્યો છે. એ જ જમીનને ફળદ્રુપ બનાવે છે. તેમાં ૧૩ મહત્વનાં પોષક તત્વો હોય છે, જે પાણીમાં ભળી ગયા બાદ વૃક્ષો-છોડ અને પાક વિકસિત કરે છે. તેનો નાશ થવાથી જમીન વેરાન બની જાય છે.

રણ પ્રદેશ : જંગલ કપાવા અને ઝડપથી જમીન વેરાન થવાથી સમગ્ર વિશ્વમાં રણપ્રદેશ વધી રહ્યો છે. એક અનુમાન મુજબ હાલમાં વિશ્વમાં ૨૦ ટકા જમીન વેરાન થયા બાદ રણ પ્રદેશના સ્વરૂપમાં ફેરવાઇ ગઇ છે.

સંસાધનો ખતમ : ભૂગર્ભમાંથી ઓઇલ, ગેસ, કોલસા જેવા સંસાધન સતત ખતમ થઇ રહ્યા છે. વિશ્વમાં અત્યારે દર વર્ષે આશરે ૮.૧ કરોડ બેરલ ઓઇલનું ઉત્પાદન થાય છે. વર્ષ ૨૦૩૦ સુધી ઓઇલ ઘટીને આશરે ૩.૯ કરોડ બેરલ વાર્ષિક રહી જવાની સંભાવના છે.

પ્રદૂષણ : વર્ષ ૧૯૫૦માં વિશ્વભરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ૫૦ લાખ ટન થતો હતો, જે આજે આશરે ૯૦ કરોડ ટન છે. ચાર પૈડાંનાં વાહનો પ્રદૂષણનું મોટું કારણ છે. વર્ષ ૧૯૫૦માં વિશ્વમાં ૫૦ લોકો માટે એક કાર હતી. વર્તમાનમાં આ આંકડો ૧૨ લોકો માટે એક કાર થઇ ગયો છે.

સ્વાસ્થ્ય સંકટ : પૃથ્વી પર અત્યારે વિભિન્ન જીવ-જંતુઓની આશરે એક કરોડ પ્રજાતિઓ છે. તેમનામાંથી આગામી ૨૦ વર્ષમાં અડધા જ બચશે. તેમના સ્થાને બદલાતી મોસમ, વધી રહેલું તાપમાન, પ્રદૂષણ વગેરેથી કેટલાક અજ્ઞાત જીવ-જંતુઓ પેદા થઇ શકે છે. આ જીવ-જંતુઓ માનવીના સ્વાસ્થ્ય માટે મોટી સમસ્યા હશે

Posted By : pankaj shridhap on gujarati

Categories:

Leave a Reply