રાષ્ટ્રીય દંભઃ ભ્રષ્ટાચાર કરતા જવું અને બધા ચોર છે, બિકાઉ છે, રોટલીના ટુકડા તો ફેંકવા પડે તેવી હૈયાવરાળ ઠાલવતા રહેવાનીસ્વયંશિસ્ત, જાગૃતિ, મતદાન અને ભ્રષ્ટ તત્ત્વોને ખુલ્લા પાડવાની હિંમત જ ઉકેલની પ્રક્રિયા કહી શકાય 

ભ્રષ્ટાચાર સામેની અણ્ણા હઝારેની લડત આવકાર્ય છે. પણ, આખરે તો આ ભ્રષ્ટાચારની સીસ્ટમનો કાં તો આપણે ભરપૂર ફાયદો ઉઠાવીએ છીએ કે પછી તે જાણે એક શિરસ્તો જ હોય તેમ તેમાં સામેલ થઈ જતા હોઈએ છીએ. રાજા પ્રજામાંથી જ આવતો હોય છે. રાજાના ભ્રષ્ટાચાર માટે પણ આપણે જ જવાબદાર છીએ. ''આ તો હવે રૃટિન છે. આટલા જંગી અને બજેટનો વહિવટ થતો હોય તો થોડુ ઘણું તો આઘું-પાછું થાય'' તેવી માનસિકતા આપણે કેળવી લીધી છે. 

અંદરખાનેથી આપણે પોતે જ ભ્રષ્ટ હોઈ ખુમારીપૂર્વક તેની સામે લડી નથી શકતા. તંત્ર પોતે જ અંદરથી ઈચ્છતું હોય છે કે તમે ભ્રષ્ટ બનો. પ્રજા ભ્રષ્ટાચારીઓને ખૂલ્લા પાડે અને પોતે તેનાથી દૂર રહે તો જ આ સમસ્યાનો ખરા અર્થમાં ઉકેલ આવી શકે તેમ છે. 

પ્રજામાં એવી ફેશન થઈ ગઈ છે કે ભ્રષ્ટાચાર કે સીસ્ટમની ટીકા કરતા રહેવાની. બધાને ચોર કહેતા રહેવાનું અને પોતે પણ દંભી બનીને ભ્રષ્ટાચારનો સહારો તો લેવાનો જ. અગાઉ આવી ચૂકેલ A to Z ની આ અનોખી રીતે બનાવેલ જનમાનસની ઝલક અણ્ણાની આંધી અને પ્રજાના ઉન્માદના ઘોડાપુર વખતે ફરી યાદ કરી આત્મમંથન કરવા જેવું છે. 

A says : આ પોલીસો પણ જોકર જેવા છે. રેડ લાઈટ ચાલુ હતી અને હું રસ્તો ક્રોસ કરતો હતો ત્યારે મને અટકાવ્યો. હું પણ સ્માર્ટ છું. મેં પોલીસને રૃા. ૫૦ની નોટ પકડાવી દીધી. મને ભારે આદરની લાગણી સાથે જવા દીધો. આ પોલીસો પણ બધા ચોર છે. 

B says : મેં મારા ભાઈ સામે સાત વર્ષ પહેલા ખોટી રીતનો પ્રોપર્ટી કેસ દાખલ કર્યો હતો. પણ વારંવાર મારો વકીલ ફી ઉઘરાવતો હતો. સાત વર્ષથી કોઈ ચૂકાદો જ નથી આવતો. બંને પક્ષના વકીલોએ કેસ લંબાવવાનું તરકટ રચ્યું લાગે છે. આ વકીલો બધા જ ચોર છે. 

C says : આ ડૉક્ટરો હવે ચીરવા જ માંડયા છે. કોઈ ચેકઅપ કે દવાના કોર્સની જરૃર નહોતી તો પણ મને રૃા. ૫૦૦૦૦ના ખાડામાં ઉતારી દીધો. હું કંઈ ઓછો સ્માર્ટ નથી. મેં ડૉક્ટરને વધુ મોટુ બીલ બનાવવાનું કહીને વધુ રકમનો મેડીકલેમ મેળવી લીધો. મેં અને ડૉક્ટરે પછીથી થોડી લેતી-દેતી કરી લીધી. આ ડૉક્ટરો બધા ચોર છે હોં. 

D says : જૂઓને, આ શહેરી વિકાસ એસોસિએશન કઈ જાતનું પ્રાણી છે ! મેં મારા ફલેટના ધાબા પર વધારાનો એક રૃમ અને ગેલેરી ખેંચાવી છે. કુટુંબ મોટું થાય તેમ ઝાડ કાપીને જગા તો કરવી જ પડે ને. શહેરી વિકાસ મંડળના અધિકારીની પોતાની જગા ક્યાં પડાવી છે ? ગઈકાલે જ તોડફોડ કરવાની ધમકી સાથે આવ્યો હતો. એક લાખમાં પતાવટ કરી ગયો. આપણા દેશનો ઉધ્ધાર ક્યાંથી થાય ? આ બાંધકામ અધિકારીઓ બધા સાલા ચોર છે. 

E says : મારા બંગલા નજીક પૂરતી માત્રામાં પાણી નહોતું આવતું. મેં મોટર પંપ લઈને નજીકની સોસાયટીમાં જતી પાણીની પાઈપ લાઈનમાંથી પાણી ખેંચી લીધું. તેમાં તો વોટર બોર્ડના અધિકારીના પેટમાં તેલ રેડાયું. રૃા. ૫૦૦૦ સ્ટાફના નાસ્તા-પાણી માટે લઈ ગયો. આપણી પાણીની સમસ્યા ક્યારેય ઉકેલાવાની જ નથી. આ વોટર બોર્ડવાળા બધા ચોર છે. 

F says : આપણા શહેરો આમને આમ તો પાછળ રહી જશે. આટલી ગરમી છતાં ઇલેકટ્રીક સપ્લાય જ વારંવાર ખોરવાઈ જાય છે. મેં તો ૭.૫ હોર્સ પાવરનું જનરેટર જ મુકી દીધું છે. હવે એ.સી. ફુલ બ્લાસ્ટમાં ચલાવું છું. વિદ્યુત બોર્ડના એક એન્જીનિયર પાસે ઓછું બિલ આવે તે રીતે મીટર સેટ કરી દીધું છે. તેને પણ ખુશ તો રાખવા જ પડે ને. આ ઇલેકટ્રીક કંપની ચોર છે. 

G says : મેં મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ ટેક્સ પ્લાનરને કહી દીધું છે કે ઓછામાં ઓછો ટેક્સ ભરવો પડે તેવું ગોઠવી આપો. સરકાર આપણને શું આપે છે કે ટેક્સ ભરીએ પણ, આ ટેક્સ પ્લાનરો પણ કંઈ ઓછું નથી ખંખેરતા. આ સરકાર અને કન્સલટન્ટો બધા સાલા ચોર છે. 

H says : મારે એક મેન્યુફેકચરિંગ કંપની છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડયુટી ઘટાડી છે પણ મારો હરિફ તો એક્સાઈઝ ડયુટી ભરતો જ નથી. મારા કરતા સસ્તા ભાવે માલ વેચે છે. મેં પણ મારા ધંધામાં નડતા તમામ કૂતરાઓને ટુકડા ફેંકવાનું શરૃ કરી દીધું. સાલા સબ કે સબ ચોર હૈ ! 

I says : હું કાચો માલ આયાત કરું છું. તેની સાચી કિંમત જાહેર કરૃ તો પણ કસ્ટમવાળા સ્વીકારવાના નથી. તેના કરતાં મેં મારા C & F એજન્ટ દ્વારા આ બધા ચોરોના મોં બંધ કરી દીધા છે. બધા ચોર હોય ત્યારે આપણું કામ આસાન બને. 

J says : હું તો બધી ઇલેકટ્રોનિક્સ ચીજવસ્તુઓ અને ડીવીડી સુદ્ધા ચાઈનીઝ અને પાઈરેટેડ બજારમાંથી જ લઉં છું. કંપનીના શો રૃમવાળા તો લૂંટી જ લેતા હોય છે. પણ આ ચાઈનીઝ બજારવાળા દિલ્હીના ઠગના પણ બાપ છે. વસ્તુ કેટલી ચાલે તેની ગેરંટી નહીં. બિલ વગરનો માલ ખરીદો તો થોડા નુકશાનની તૈયારી રાખવી પડે. 

K says : આ મ્યુનિસિપાલીટીની બસ સર્વિસ સાવ ભંગાર થઈ ગઈ છે. બસ પણ જુઓને કેવી હાડપિંજર જેવી છે. કંડકટર ભીડ ભેદીને ટિકીટ લેવા આવે તે પહેલાં જ સ્ટેન્ડ આવે ત્યારે ઊતરી જઉં છું. આવા ઠોઠામાં બેસવાના શું પૈસા આપવાના હોય. અને આ રીક્ષાવાળા તો મારા પણ બાપ છે. મીટર જોડે ચેડા કરે છે. ભગવાન બચાવે. જ્યાં જુઓ ત્યાં ચોર જ નજરે પડે છે. 

L says : જુઓને આપણી અણઘડ અને ગામઠી જેવી પ્રજાને ટ્રાફિક સેન્સ જ નથી. ગરમીમાં આ પ્રદૂષણ કેવી હાલત કરી નાંખે છે. હું તો કાર ડ્રાઇવ ના કરતો હોઉં તો પણ એન્જીન અને એસી ચાલુ રાખીને આરામ ફરમાવું છું. આપણે કમાઈએ છીએ શેના માટે. આમ જુઓ તો ટ્રાફિક, પ્રદૂષણ અને પેટ્રોલના ભાવ આપણને અને આપણી ઇકોનોમીને ખતમ કરી નાંખશે. 

M says : શું કામ ફલેટનો મેઈન્ટેનન્સ ચૂકવું. અમારા ઘરની ટાઈલ્સ તૂટી ગઈ છે તો પણ કોઈ સાંભળતું નથી. લીફટ, પાણીના ઠેકાણા નથી. (કોઈ મેઈન્ટેનન્સ ભરતું નહીં હોઈ) કમિટિ તો પૈસા ઉઘરાવવાનું કામ કર્યે રાખે. એમ કંઈ થોડા મફતમાં સેવા કરતા હશે. 

N says : BSNL પણ ભંગાર ડબલામાં સર્વિસ છે. બીલ ભરવામાં પંદર દિવસ મોડા પડયા તેમાં તો બદમાશો લાઈન કાપી ગયા. હવે પ્રાઈવેટ ફોન જ લેવો છે. ઉઘરાણી કરવા ઘેર માણસને તો મોકલે. 

O says : આના કરતા તો કોચિંગ કલાસનો ધંધો કરવો સારો. મારા બ્લેકના રૃપિયા પણ વટ કે સાથ પેમેન્ટ તરીકે સ્વીકારે છે. હવે તો પુત્ર જ તેના મોંઘા મોજશોખના રૃપિયા માંગતા રોફથી કહે છે કે પપ્પા, બ્લેકમાંથી આપી દો ને ! સાલો શુ જમાનો આવ્યો છે. 

P says : માત્ર પુત્રના એડમિશન માટે શિક્ષણ સંસ્થાના ટ્રસ્ટીએ સાવ નફ્ફટાઈથી ફી ઉપરાંત રૃા. પાંચ લાખ લઈ લીધા. હવે મારે મારા ગ્રાહકોને ચીરવા પડશે. વસૂલાત તો કરવી જ પડે. આ શિક્ષણ જગત છે કે લૂંટનો ગોરખધંધો ? 

Q says : જુઓ, એક જ વરસાદમાં રસ્તા ધોવાઈ ગયા, જાહેર લાઈટો બંધ થઈ ગઈ. ગંદકીએ તો માઝા મૂકી છે. આવી સર્વિસને કારણે જ હું ત્રણ વર્ષથી નોટિસ મળે છે પણ બીલ નથી ભરતો. સેવા કરતા પહેલા જ તંત્રને મેવા ખાવા છે. 

R says : 'આર'એ વળી જુદા પ્રકારનો બળાપો કાઢ્યો. આ ટી.વી. સીરીયલો જુઓ સાસુ-વહુના ઝઘડા સીવાય કંઈ બતાવતા જ નથી. આપણી સંસ્કૃતિને કઈ તરફ લઈ જવા માંગે છે. તમે ફેશન ટી.વી. જુઓ. કેવી આધુનિક દુનિયા અને ફોરેન માલ બતાવાય છે. આવી ટી.વી. ચેનલ માટે પ્રતિબંધની માંગ કરનારા દંભી નથી ? 

S says : ધર્મના નામે પણ કેવો ધંધો ચાલે છે. ધાર્મિક ટી.વી. ચેનલોમાં બધા ગુરૃઓ અને સંપ્રદાયો રાફડાની જેમ ફાટી નીકળ્યા છે. અમારા ગુરુજી અને ભગવાન સીવાય બધા ઢોંગધતિંગ ચલાવે છે. 

T says : હું તો હવે શોપિંગ મોલમાંથી જ ખરીદી કરું છું. સાલાઓ ઉઘાડી આંખે લૂંટ જ ચલાવે છે. પણ આપણે સ્ટેટસમાં રહેવું હોય તો શોપિંગ મોલમાં ટ્રોલી લઈને ફરવું પડે. 

U says : આ બિલ્ડરો હવે તો હદ કરે છે. એક તો બંગલા જેટલા ભાવે નાનો અમથો ફલેટ આપે અને તેમાં પણ ૪૦ ટકા રકમ 'બ્લેક'માં માંગે છે. આ તો સારૃ છે કે આપણે 'બ્લેક'નું બેલેન્સ ધરાવીએ છીએ. બિચ્ચારા સીધો સાદો માણસ કઈ રીતે ઘર ખરીદે ? 

V says : મારી સામેની ફરિયાદ ભલે સાચી હોય પણ, આપણે તો મિનિસ્ટરની ઓળખાણ લગાવીને પોલીસ ફરિયાદ જ ના લે તેવી ગોઠવણ કરી લીધી છે. તો પણ મિનિસ્ટરે કહ્યું કે તમે રાજીખુશીથી જે આપવું હોય તે પોલીસવાળાને આપી દેજો. 

W says : હું તો દર વર્ષે દિવાળીએ વર્ષ દરમ્યાન જેનું કામ પડવાનું હોય તે તમામ અધિકારી અને વ્યક્તિઓને ગિફટ પેકેટ મોકલી દઉં છું. આખું વર્ષ આ પેકેટનું મેજીક કામ કરે છે. 

X says : મેં અમુક લાખ રૃપિયા તો ગરીબો અને ખેડૂતોને ૩૦ ટકા વ્યાજે ફેરવવામાં ફાળવ્યા છે. મદદની મદદ અને થોડી કમાણી પણ થાય. 

Y says : મેં તો જાહેર જગા પર મંદિર બનાવીને પચાવી પાડી છે. 

Z says : મારે હવે કાંઈ કહેવું નથી. હું હવે બધુ જ સમજી ગયો છું. આપણે A to Z સબ સાલે ચોર હૈં.

ભવેન કચ્છી

Categories:

Leave a Reply