-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને બીજા ધોરણમાં ચડાવવામાં આવ્યા હતા -ગાંધીજીએ મેટ્રિકની પરીક્ષા અમદાવાદથી આપી હતી -લંડન યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા બીજા પ્રયત્ને ડૉ. રીઝવાન કાદરીપાસ કરી હતી 


તા. 21-25 નવેમ્બર, 1887ના રોજ મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીક્યુલેશનની પરીક્ષાનો પાંચ કેન્દ્રો પરથી પ્રારંભ થયો હતો. એ સમયે અમદાવાદ પણ એક કેન્દ્ર હતું. અમદાવાદ કેન્દ્ર પરથી 18 વર્ષનો એક દુબળો પાતળો કાઠિયાવાડી યુવાન બેઠક ક્રમાંક નંબર-2275થી પરીક્ષા આપી રહ્યો હતો. મેટ્રિકની પરીક્ષાનું પરિણામ આવ્યું. જેમાં આ યુવકે અંગ્રેજીમાં 89/200, ગુજરાતી 45.5/100, ગણિત 59/175, ઇતિહાસ, વિજ્ઞાનમાં 54/150 કુલ 247.5/625 એટલે કે 39.6 ટકા પ્રાપ્ત કર્યા હતા! આ સમાન્ય યુવાન ભારતનો ભાવિ યુગાવતાર બનશે તેની કોઇને કલ્પના પણ ન હતી; પણ સમયે નિર્ધાર્યું હતું. મુંબઇ યુનિવર્સિટીમાં મેટ્રિકની પરીક્ષામાં કુલ 824 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા. જેમાં 404 ક્રમાંકે પાસ થનાર આ શરમાળ યુવકને હાઇસ્કૂલના 1લા ધોરણમાં અંગ્રેજીમાં 00 (શૂન્ય) ગૂણ હતા! અને એ જ વિદ્યાર્થી પાછળથી કડકડાટ અંગ્રેજી બોલતો થયો. તેણે નિરાશા અને ગ્લાનીને ખંખેરી નાખી હતી. આ યુવકને હાઇસ્કૂલના બીજા ધોરણમાં ઉપર ચડાવવામાં આવ્યા હતા. 


લંડન યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશનની અઘરામાં અઘરી ગણાતી પરીક્ષામાં તે લેટીનમાં નાપાસ થયો. તે યુવાનને ઘણી દીલગીરી થઇ, પણ બેવડા ઉત્સાહથી બીજી વખત પ્રયત્ન શરૂ કર્યા. અને બીજી ટ્રાયલે તે સફળ થયો. લંડનમાં રહીને બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી. અશક્યને શક્ય બનાવનાર એ યુવક હતા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. એક નજર ગાંધીજીની શૈક્ષણિક કારકિર્દી પર. 


2જી ઓક્ટોબર, 1869ના રોજ પોરબંદરમાં જન્મેલા ગાંધીજી પાંચેક વર્ષની ઉંમરે વીરજી કામદારની શાળામાં બેસાડવામાં આવ્યા હતા. માસ્તરને પગમાં ખોડ હોવાથી તેઓ પોરબંદરમાં 'લૂલિયા માસ્તર' તરીકે ઓળખાતા અને તેમની શાળાની ઓળખ પણ એ માસ્તરના 'ઉપનામ' સાથે થતી. ગાંધીજીએ આ પ્રસંગના લગભગ પચાસેક વર્ષ પછી લખેલી આત્મકથા 'સત્યના પ્રયોગો'માં માસ્તર ઉપરાંત શાળાના સંસ્મરણો અને અન્ય યાદગાર પ્રસંગો વિગતે લખ્યા છે. જે દર્શાવે છે તેમની કુશાગ્ર બુધ્ધિ અને યાદશક્તિ. 


સન 1887-88માં ગાંધીજી રાજકોટની ગામઠી શાળામાં ગુજરાતી પહેલી અને બીજી ચોપડી ભણ્યા હતા. બીજા ધોરણમાં બધા વિષયોમાં પાસ ન થવાથી ત્રીજા ધોરણ માટે ચડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજકોટની 'પરાની નિશાળ'માં ત્રીજું ધોરણ 41 ટકા સાથે, ચોથું ધોરણ 53.5 ટકા સાથે ઉત્તિર્ણ થયા હતા. આમ તેમની પ્રગતિમાં ક્રમશ: સુધારો થયો. તા. 18મી નવેમ્બર, 1880ના રોજ કાઠિયાવાડ હાઇસ્કૂલની પરીક્ષા આપી. જેમાં 257/400 ગુણ પ્રાપ્ત કર્યા. તે પછી 1લી ડિસેમ્બર, 1880ના રોજ કાઠિયાવાડ હાઇસ્કૂલના 1લા ધોરણમાં 11 વર્ષ, 2 માસ અને 2 દિવસના ગાંધીજીએ પ્રવેશ લીધો. દરમિયાન છ માસિક પરીક્ષા થઇ. જેમાં ઇતિહાસ, ભૂગોળ તેમજ અંગ્રેજીમાં 00 (શૂન્ય) ગૂણ આવ્યા! દરમ્યાનમાં મે,1881માં ગાંધીજીના કસ્તૂરબા સાથે વિવાહ થયા. બીજા સત્રમાં પરિણામ સુધર્યું, 63 ટકા ગુણ મેળવી બન્ને વર્ગોમાં છઠ્ઠો ક્રમાંક આવ્યો. 


ત્યાર બાદ 1882માં હાઇસ્કૂલના બીજા ધોરણમાં ગાંધીજીએ સરેરાશ ગુણ જાળવ્યા. પરંતુ પિતાની માંદગીને કારણે સહકુટુંબ પોરબંદર સ્થળાંતર કરવાથી ભણતર પર અસર થઇ અને એક વર્ષ બગડ્યું. સન 1883માં ગાંધીજીએ હાઇસ્કૂલમાં પુન:પ્રવેશ મેળવી 68 ટકા ગુણ સાથે સફળતા પ્રાપ્ત કરી. 1884માં તેમના શિક્ષક મોરારજી પંડ્યાએ પોતાના વિદ્યાર્થીની તેજસ્વીતા પીછાણીને એક વર્ષમાં બે-બે ધોરણની પરીક્ષા આપવાની દરખાસ્ત કરી. જે દરખાસ્ત મંજુર થતાં 1884ના પ્રથમ સત્રમાં ગાંધીજીએ હાઇસ્કૂલના ત્રીજા ધોરણમાં 68 ટકા ગુણ મેળવ્યા અને ચોથા ધોરણનો અભ્યાસ પણ સાથે ચાલુ રાખ્યો. જો કે ચોથા ધોરણની પરીક્ષામાં ગણિતમાં નાપાસ થયા. કેમ કે ચોથા ધોરણથી અભ્યાસક્રમ અંગ્રેજીમાં ભણાવવામાં આવતો હતો. અહીંયા ગાંધીજીની મુશ્કેલીમાં એકદમથી વધારો થયો પરંતુ તેમણે ચીવટ અને ખંતથી બગડેલા વર્ષનો બદલો વાળી દીધો. 


તા. 4થી સપ્ટેમ્બર, 1888ના રોજ 19 વર્ષના યુવાન ગાંધીજી સ્ટીમર 'ક્લાઇડ'માં ઈંગ્લેન્ડ જવા નીકળી પડ્યા. તા 27મી સપ્ટેમ્બરે તેઓ લંડન પહોંચ્યા. એકદમ નવો જ દેશ. દેશની એકદમ જુદી જ સભ્યતા, રહેણીકરણી, રીતરિવાજો, ખાન-પાન છતાં તેઓ અડગ રહ્યા. બેરિસ્ટરના અભ્યાસની સાથે લંડન યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા આપી. જેમાં નાપાસ થયા અને જુલાઇ, 1890માં બીજા પ્રયત્ને મેટ્રિકની પરીક્ષા પસાર કરી. આ પરીક્ષામાં કુલ 849 પાસ થયા હતા, જેમાં એક માત્ર ભારતીય ગાંધીજી હતા. ઇનર ટેમ્પલમાંથી 1891માં બેરિસ્ટર થયા. 


આમ એક સમયે જેને અંગ્રેજી બોલવામાં લોચા થતા હતા તે જ યુવાન લંડન યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં સફળ થયો; બેરિસ્ટર બન્યો. તેની પાછળનું પ્રેરકબળ ''આત્મવિશ્વાસ'' હતો. ડૉ. રીઝવાન કાદરી

Categories:

Leave a Reply