પિતા તરીકે પોતાની પુત્રીનું કન્યાદાન કરવા માટે તો દરેક માણસ તૈયાર હોય, પણ જુવાનજોધ દીકરાને ગુમાવ્યા બાદ વિધવા પુત્રવધૂને ધામધૂમથી પરણાવી રંગેચંગે વિદાય કરવાની હામ કેટલા લોકોમાં હોય?

કુંદનલાલે જ્યારે હાર ચડાવેલી તસવીર જોઇ, ત્યારે જુવાનજોધ દીકરાને ગુમાવી બેઠેલા સુમનરાયનો ધીરજનો બંધ તૂટી પડ્યો અને એ મિત્રને વળગી ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યાં. 

પોતાના અનંત સામ્રાજ્યને સંકેલી રવિરાજ અસ્તાચળ પર ચાલ્યા ગયા હતા. મધરાત વીતી જવા છતાં ઊંચા ઉષ્ણતામાનના સામ્રાજ્યની અસર બેંગલુરુ શહેરની સર્વે માનવવસાહત પર વર્તાતી હતી. બબ્બે માળના હારબંધ રચાયેલા આધુનિક બંગલાઓમાં માનવવસાહત પર નિદ્રાદેવી માતૃતુલ્ય હાથ પસવારી રહી હતી. વહેલી પરોઢે નિસ્તબ્ધ રસ્તાઓ આળસ મરડીને બેઠા થવાની તૈયારીમાં હતા, પરંતુ સોસાયટીના ખૂણે આવેલા ‘સુમન’ બંગલામાં આધેડ વ્યથિત સુમનરાય પર નિદ્રાદેવીએ કામણ પાથર્યા નહોતાં. નિદ્રા જાણે વેરણ બની ગઇ હતી!

સુમનરાય છેલ્લા કેટલાક માસથી સુખચેનથી નિદ્રા માણી શક્યા નહોતા. તેમના જીવને શાંતિ નહોતી. ઘરના માણસોની નિદ્રામાં ખલેલ ન પહોંચે એ રીતે તેઓ અગાસી પર જઇ બેસતા, તો થોડી વાર પછી બીજા મજલાની ગેલેરીમાં આવીને ઊભા રહેતા, તો વળી પાછા પોતાના શયનકક્ષમાં આવી પથારીમાં પડતું મૂકતા. સાઠ વટાવી ચૂકેલા સુમનરાયને વહેલી સવારના માંડ આંખ મળી હશે... ત્યાં હંમેશાં પોતાના ઓશિકા નીચે સાચવતા મોબાઇલની ઘંટડી રણકી. ઓચિંતા આવેલા મોબાઇલથી સુમનરાય પ્રથમ તો ડઘાઇ જ ગયા. 

તેઓ પથારીમાં બેઠા થઇ ગયા, પરંતુ રિસીવ કરે એ પહેલાં તો રિંગ પૂરી થઇ ગઇ હતી. ઊભા થઇ તેમણે પ્રકાશના આછા અજવાળે મિસકોલ જોયો. એ મિસકોલનો નંબર ડાયલ કરે એ પહેલાં ફરીથી રિંગ વાગી અને તેમણે જિજ્ઞાસુ વિદ્યાર્થીની જેમ કોલ રિસીવ કર્યો. ‘હેલ્લો! સુમનરાય!’ સામેથી ભાવવાહી અવાજ સંભળાયો. સુમનરાયને અવાજ અજાણ્યો જણાયો. તે ગડમથલમાં પડી ગયા. 

ક્ષણ વાર તેઓ ચૂપ રહ્યા, ત્યાં ફરીથી અવાજ કાને અથડાયો, ‘હેલ્લો! મિસ્ટર સુમનરાય!’‘તમે કોણ બોલો છો, ભાઇ?’ સુમનરાયે નમ્રતાથી પ્રશ્ન કર્યો. ‘મને ના ઓળખ્યો, સુમન?’ સામેથી હવે ‘તું’કારવાળો અવાજ સંભળાયો. ‘આઇ એમ સ્પીકિંગ ફ્રોમ અમેરિકા, યોર ફ્રેન્ડ કુંદનલાલ!’ અને અચાનક સુમનરાયને પોતાનો બાળસખો કુંદનલાલ સ્મૃતિપટ પર આવી ગયો. ઘણા વર્ષે આમ ઓચિંતા મોબાઇલથી સુમનરાયને મહાઆશ્ચર્ય થયું હતું. ‘ઓહ કુંદન! હાઉ આર યુ?’ ભાવવાહી અવાજે સુમનરાયે બોલ્યાં.

‘ફાઇન!’ કુંદનલાલે પણ એ જ રીતે પૂછ્યું, ‘હાઉ આર યુ?’ ‘ફાઇન!’ અને મીઠો ઠપકો આપ્યો, ‘તું તો મને ભૂલી જ ગયો, યાર! જાણે મારી સાથે નાતો જ તોડી નાખ્યો!’ ‘એ બધું તો ઠીક... બધું કેમ ચાલે છે?’ ‘ખૂબ સરસ!’ ‘તારું કેમ ચાલે છે?’ ‘વેરી ગુડ!’ સુમનરાયે જણાવ્યું, ‘હવે તો તારા સંતાનો પણ મોટા થઇ ગયા હશે!’ 

‘હા...’ ‘તારે સંતાનોમાં શું છે?’ ‘એક દીકરો અને એક દીકરી!’ ‘નામ?’ ‘કંદર્પ અને કેવિના!’ ‘તારે સંતાનમાં?’ ‘બે દીકરા!’ સુમનરાયે નામની સ્પષ્ટતા કરી, ‘કર્દમ અને મોહિત.’ ‘દીકરી?’ ‘નથી... નો ડોટર.’ ‘તારા સંતાનો હાલમાં શું કરે છે?’ ‘જોબ.’ ‘મેરેજ કર્યા છે કોઇના?’ ‘ના.’ ‘કેમ?’ ‘ઇન્ડિયામાં લગ્ન કરવાની મારી ગણતરી છે.’ ‘કોઇ ઠેકાણું શોધી રાખ્યું છે?’ ‘નો!’ કુંદનલાલે નકાર ભણી દીધો, ‘એ બધી તારી જવાબદારી છે!’ ‘તારા બંને દીકરા શું કરે છે?’ ‘જોબ.’ ‘કોઇના મેરેજ કર્યા છે?’

‘હા, એકના!... પણ...’ સુમનરાયને ડૂમો ભરાઇ ગયો. ગળું ખોંખારી વાત આગળ ચલાવી, ‘બોલ, ઇન્ડિયા ક્યારે આવવું છે?’ ‘આ વાત તને પણ લાગુ પડે છે!’ કુંદનલાલે જણાવ્યું, ‘હું ઇન્ડિયા આવું છું! એટલે તો તને યાદ કર્યો! સવારના ૯-૩૦ની ફ્લાઇટ છે. તારો જ મહેમાન થવાનો છું.’ કુંદનલાલે તેમના આગમનની જાણ કરી. ‘સેલ્ફિશ!’ સુમનરાયની જીભ પર શબ્દો રમી રહ્યા, પરંતુ વાત બદલી નાખી, ‘એમાં પૂછવાનું હોય! તારું જ ઘર છે! એકલો ન આવીશ. વિથ ફેમિલી આવવાનું છે!’ ‘સ્યોર... સ્યોર...’ કુંદનલાલે સંમતિ આપી. ‘આઇ એમ કમિંગ વિથ ફેમિલી.’ ‘વેલકમ.’ ‘એરપોર્ટ પર રિસીવ કરવા આવીશ?’ ‘નો!’ સુમનરાયથી ઉતાવળે બોલાઇ ગયું. ‘મારા દીકરા મોહિતને મોકલીશ.’

‘થેંક યુ વેરી મચ, ફ્રેન્ડ!’ અને ટેલિફોનિક વાત પૂરી થઇ. સુમનરાયે પોતાના બીજા નંબરના દીકરા મોહિતને જરૂરી સૂચના આપી અને કુંદનલાલના ફેમિલીને રિસીવ કરવા જવાનું જણાવી દીધું. મોહિત તૈયાર થઇ કુંદનલાલને રિસીવ કરવા ઉપડી ગયો.સાથે ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, ક્યારેય અલગ ન પડતાં બે દિલોજાન મિત્રો ધંધાર્થે વિખૂટા પડી ગયા હતા. કુંદનલાલ લગ્ન પછી તરત જ અમેરિકા ઉપડી ગયા અને ત્યાં જ સ્થાયી થયા હતા. 

જ્યારે સુમનરાય બેંગલુરુની પ્રસિદ્ધ કંપનીમાં જનરલ મેનેજર હતા. બંને મિત્રો પોતપોતાના કાર્યક્ષેત્રમાં એટલા ગળાડૂબ રહ્યા કે સંપર્ક જ કપાઇ ગયો હતો. આજે સુમનરાય નિવૃત્ત જીવન ગાળતા હતા, તો કુંદનલાલના બંને સંતાનો હવે ઉંમરલાયક થયા હતાં. તેમના લગ્ન ઇન્ડિયામાં જ થાય એવી કુંદનલાલની ગણતરી હતી અને એ જવાબદારી સુમનરાયને માથે ઢોળી દેવામાં આવી હતી! એટલે તો સુમનરાય યાદ આવ્યા હતા!

દરમિયાન, એરપોર્ટ પરથી બંગલે પહોંચેલા કુંદનલાલે ઘરમાં નજર કરી તો પત્ની માયાબહેન, પુત્ર મોહિત અને પુત્રી નહોતી, છતાં પુત્રીને જોઇ! કુંદનલાલને આશ્ચર્ય થયું. તેમને પૂછવાનું મન થઇ આવ્યું, ‘સુમન! તારે દીકરી નથી, તો આ દીકરી કોની?’ પુત્રીના ચહેરા પર ન કોઇ ઉમંગ, ન કોઇ ઉત્સાહ, ન તરવરાટ, ઊંડી ઉતરી ગયેલી આંખોમાં સૂકાયેલાં આંસુ જોઇ કુંદનલાલ વિહવળ બની ગયા. ગ્લાનિમય ચહેરા વિશે જાણવા તે બહાવરા બની ગયા, પરંતુ તે ખામોશ રહ્યા. 

પુત્ર કંદર્પ અને પુત્રી કેવિના પશ્ચિમી સંસ્કૃતિથી સંપૂર્ણ રંગાયેલાં હતાં. પત્ની મનોરમા સંપૂર્ણ ભારતીય નારી જ હતાં! કુંદનલાલ ભારતીય તરીકે પર્સનાલિટીમાં જરાય ઓછા ઉતરે તેમ ન હતા! સુમનરાય તેમના દિલોજાન મિત્રને આરામ કરવા માટે બીજા ઓરડામાં લઇ ગયા. ઓરડામાં પ્રવેશતાં જ કુંદનલાલની નજર ટી.વી. સ્ટેન્ડની બાજુમાં રહેલી હારવાળી તસવીર પર પડી. તેમને હૃદયમાં ફાળ પડી. તેમણે એ તસવીર હાથમાં લીધી. હસતા ચહેરાવાળો એ યુવાન કુંદનલાલને આવકારી રહ્યો હતો. 

કુંદનલાલે તસવીરની નીચે ‘સ્વ. કર્દમ’ વાંચ્યું. તેમને પરિસ્થિતિનો તાગ મળી ગયો. પાછળ જોયું તો સુમનરાયની આંખમાંથી અશ્રુ ખરી રહ્યાં હતાં. એ પુત્રી નહીં, પુત્રવધૂ હતી! કુંદનલાલથી ડૂસકું મુકાઇ ગયું, ‘વ્હોટ ઇઝ ધીસ?’ અને સુમનરાયથી પણ ઠૂઠવો મુકાઇ ગયો! આક્રંદ પર કાબૂ મેળવી સુમનરાય માંડ બોલી શક્યા, ‘અમારી તો જિંદગી ઝેર બની ગઇ!’

સુમનરાયને ખભે હાથ મૂકી કુંદનલાલે સાંત્વન આપ્યું, ‘તું ભાંગી પડીશ, તો કેમ ચાલશે! તારે કઠણ બનવું પડશે. તું ઢીલો પડી જઇશ તો ભાભી, મોહિત અને આ પુત્રીને કઇ રીતે સંભાળીશ? જીવનમાં સારા-માઠા પ્રસંગો આવશે. વ્યવહારો સાચવવા પડશે.’ કુંદનલાલ ગળગળા અવાજે બોલ્યા.

સુમનરાય નતમસ્તકે કુંદનલાલની વાત સાંભળી રહ્યા હતા. ‘સુમન! આ બધું કેમ કરતા બની ગયું?’ સ્વસ્થ થતા સુમનરાયે જણાવ્યું, ‘કર્દમ કંપનીના કામે જતો હતો, ત્યારે રસ્તામાં કાળદૂત બનીને આવેલા ટ્રકે કર્દમની કારને કચડી નાખી...’ કુંદનલાલના હોઠ ખુલ્લા રહી ગયા. 

સુમનરાય ભગ્નહૃદયે બોલ્યા, ‘થવાનું હતું તે થઇને જ રહ્યું!’ દરમિયાન, ઓરડામાં આવેલા સૌથી રડી પડાયું. કોણ કોને છાનું રાખે? વાતાવરણમાં માતમ છવાઇ ગયો. પુત્રવધૂ સારંગીનું કરુણ આક્રંદ સૌના હૃદયને હચમચાવી ગયું. સુમનરાયે જ કઠણ બનીને નાછુટકે બાપની જેમ સારંગીને બથમાં લીધી. તેને માથે હાથ ફેરવતાં બોલ્યા, ‘બેટા! તું જ મારો કર્દમ છે. 

એક બાપ બની તારી ઉજડી ગયેલી જિંદગીને ફરીથી નવપલ્લવિત બનાવવા દે! મને મારું બાપ તરીકેનું કર્તવ્ય બજાવવા દે, બેટા!’ સારંગી સ્વસ્થ બની. સુમનરાય કુંદનલાલની બાજુમાં ગોઠવાઇ ગયા. કુંદનલાલ આ ર્દશ્ય નિહાળી રહ્યા હતા. સુમનરાય માટે કંઇક કરી છુટવાની ઝંખના હૃદયમાં જાગી. એટલે સીધું જ પૂછી નાખ્યું. ‘હવે તારો ભાવિ પ્લાન શું છે?’ ‘ભાવિ પ્લાન?’ સુમનરાયને કશું સમજાયું નહીં. ‘મારું કહેવું તું સમજયો નથી!’ કુંદનલાલે સ્પષ્ટતા કરી, ‘સારંગી વિશે શું વિચાર્યું છે?’ ‘તો એમ સ્પષ્ટતા કર ને!’ સુમનરાયે મનની વાત જણાવી, ‘અમે સૌએ નિર્ણય કરી લીધો છે કે કોઇ કમાતો-ધમાતો સારો છોકરો મળી જાય-કુટુંબ સંસ્કારી અને ખાનદાન હોય, તો બાપ તરીકે મારી સારંગીના હાથ પીળા કરાવી દેવા છે.’

‘છોકરો તો તારી પાસે જ છે!’ કુંદનલાલ હસ્યા. ‘મારી પાસે?’ સુમનરાયને આશ્ચર્ય થયું. ‘હાસ્તો!’ ‘એ વળી કોણ?’ ‘કેમ?’ કુંદનલાલે પૂછ્યું, ‘તારો મોહિત નહીં!’ ‘નો... નો, પ્લીઝ!’ સુમનરાયે નકારો ભણતા જણાવ્યું, ‘મારે દિયરવટુ વાળવું નથી. તારી ભાભીની ના છે અને એ માટે મોહિત તૈયાર પણ નથી.’ ‘તો પછી? તું સારંગીના રિ-મેરેજ કરવા તૈયાર થયો છે, પણ તેં સારંગીનું મન જાણ્યું છે? તેના મા-બાપની અનુમતિ લીધી છે? તેઓ તૈયાર છે?’ સુમનરાયે જણાવ્યું, ‘સારંગીની ઉંમર નાની છે. 

આમ આખી જિંદગી નીકળે નહીં! અમે સૌએ તેને સમજાવી. કમને તેણે સંમતિ આપી છે. બીજું, મારે દીકરી નથી. મારે બાપ બની મારે ઘેરથી, રંગેચંગેથી વિદાય કરવી છે! કન્યાદાનનો લહાવો લેવો છે! મારો મોહિત એનો જવતલિયો થશે! વાત રહી સારંગીના મા-બાપની! એમને પણ સમજાવી લીધાં છે. સારંગીને પુત્રી તરીકે પરણાવવાની અમારી જવાબદારી છે!’

હવે સુમનરાયે મનની વાત રજૂ કરી. ‘તારે બંને બાળકોને ઇન્ડિયામાં સ્થાયી કરવા છે, ખરું?’ ‘હાસ્તો.’ ‘અને એટલા માટે જ તું ઇન્ડિયા આવ્યો છે!’ ‘હા...’ કુંદનલાલે હકાર ભણ્યો. ‘તો કુંદન!’ સુમનરાય બોલ્યા, ‘મારા મનમાં ઊગ્યું છે કે...’ અને ઇરાદાપૂર્વક વાત અધૂરી છોડી દીધી. કુંદનલાલે વાત ઉપાડી લીધી, ‘તારો મતલબ હું સમજી ગયો છું!’ ‘મોહિત અને કેવિના!’ ‘સારંગી અને કંદર્પ!’ ‘તો કરો કંકુના!’ સુમનરાય હરખાઇ રહ્યા અને પંદર દિવસ પછી સુમનરાયનું આંગણું સાજન-માજનથી ઉભરાઇ રહ્યું. ગોરમહારાજના વેદોચ્ચારથી લગ્નવિધિ સંપન્ન થઇ... અને સુમનરાયે સાચા અંતરથી હષૉશ્રુ સાથે પોતાની પુત્રી સારંગીને ભાવભીની વિદાય આપી. આ સમયે હાજર રહેલા સૌની આંખ ભીની થઇ ગઇ.

સોસાયટીના સભ્યો સુમનરાયના વખાણ કરતા થાકતા નહોતા, ‘માણસ પોતાની પુત્રીને પરણાવે એ તો સમજયા, પણ દિલમાં દર્દ સમાવી યુવાન વિધવા પુત્રવધૂને પોતાની પુત્રી તરીકે સ્વીકારી-તેને સાસરે વળાવનાર સસરો આજે દીઠો!’ અને સુમનરાય એક સાચા બાપ બની રહ્યા! 

પી. જે. જોષી

Categories:

Leave a Reply