દુઃખનો જીવનમાં જ્યારે કોઈ ભાર હોય છે, મારા ઉપર મને જ અધિકાર હોય છે. 

દુઃખની દશામાં એક અનુભવ થયો ‘ઇજન’,જેઓ મને મળે છે, સમજદાર હોય છે.

- ઇજન ધોરાજવી 

આધિપત્ય જમાવવું એ માણસનો સ્વભાવ છે. દરેકને આધિપત્ય જોઈએ છે. જગ્યા, વસ્તુ, સત્તાથી માંડી દરેક ઉપર માણસને અધિકાર જમાવવો છે. મારો પ્રભાવ રહેવો જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, મારો બોલ તમે ઉથાપી જ કેમ શકો! અધિકારનો નશો માણસને અંધ બનાવી દે છે. તમારે કંઈ પકડી રાખવું છે? તો સૌથી પહેલાં તેને છોડતા શીખો!

‘અટેચ’ થવું એ આવડત છે અને ‘ડીટેચ’ થવું એ આર્ટ છે. સંબંધોમાં આ વાત ખાસ લાગુ પડે છે. સંબંધમાં આધિપત્ય ન હોય! દરેક સંબંધની એક બોર્ડર લાઈન હોય છે, એને ક્રોસ કરવા જઈએ તો સંબંધ તૂટે છે. માણસ સંબંધોમાં પણ આધિપત્ય ઇચ્છે છે અને સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ એ જ છે.

એક પતિ-પત્ની હતાં. દરેક પતિ-પત્નીની જેમ તેની જિંદગીમાં પણ સવાલો આવતા, સમસ્યાઓ ઊભી થતી અને ઝઘડા પણ થતા. પતિનો મિત્ર દરેક વખતે જજ હોય એ અદાથી બંનેની વચ્ચે આવી જતો અને શું સાચું, કોણ સાચું અને હવે શું કરવાનું છે એનો નિર્ણય સુણાવી દેતો. એ મિત્ર પોતાને ડાહ્યો જ સમજતો. એક દિવસ પેલા ભાઈએ મિત્રને કહ્યું કે, “પ્લીઝ, અમે ન કહીએ ત્યાં સુધી તું અમારી જિંદગીમાં દખલ ન કર. એ વાત સાચી કે તું અમારું ભલું ઇચ્છે છે પણ તારી ચાવીથી અમારું તાળું ખૂલે એ જરૂરી નથી.” 

દરેક માણસને તેની સમસ્યાઓ ઉકેલવાનો અધિકાર છે અને એ અધિકાર ક્યારેય છીનવવો ન જોઈએ. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણે કોઈ સંબંધમાં એન્ક્રોચમેન્ટ તો નથી કરતાંને? સંબંધોમાં અતિક્રમણ જોખમી હોય છે. કોઈ ઉકેલ કદાચ આપણી નજરે વાજબી ન હોય, છતાં દરેકને પોતાનો ઉકેલ મેળવવા દેવો જોઈએ. કોઈ સલાહ માંગે ત્યારે આપણે પૂછીએ છીએ કે તું શું ઇચ્છે છે? આપણે મોટાભાગે આપણી ઇચ્છા જ ઠોકી બેસાડતાં હોઈએ છીએ! 

એક કલાકાર હતો. રોજ નાટકમાં કામ કરે. એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછયું કે નાટકમાંથી તમે તમારી જિંદગીમાં શું શીખ્યા? નાટકના એ કલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે, “નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે!” આપણે કંઈ છોડતાં નથી એટલે જ દુઃખી થઈએ છીએ. આપણને ઘણી વખત તો ખબર જ નથી પડતી કે આપણો રોલ ક્યાં પૂરો થાય છે! આપણો રોલ પૂરો થાય પછી પણ આપણે જો ન ખસીએ તો બીજા કલાકારોને એવું જ લાગે કે આપણે નડતરરૂપ છીએ. 

દરેક સંબંધમાં આ વાત લાગુ પડે છે. તમારો રોલ પૂરો થાય એટલે ખસી જાવ. નાના હોઈએ ત્યારે રમકડાંનો શોખ અને મોહ હોય છે. આપણે રોજ આપણાં રમકડાં સાચવીને મૂકી દઈએ છીએ. મોટા થઈએ એટલે એ રમકડાં આપોઆપ છૂટી જાય છે. એક ઉંમરે આપણને પોતાને સમજાઈ જાય છે કે આપણે હવે રમકડે રમવા જેવડાં નથી! મોટા થઈએ પછી કેમ આપણાથી રમકડાંની જેમ કંઈ છૂટતું નથી? 

‘ઇન્વોલ્વ’ થયા પછી ધીમે ધીમે ‘વીડ્રો’ થતાં પણ શીખવું જોઈએ. જનરેશન ગેપ એ બીજું કંઈ નથી, પણ વીડ્રો ન થવાની અણઆવડત હોય છે. સંતાનોને તમે કયા નિર્ણયો લેવા દો છો? દીકરો કે દીકરી ગમે એવડા મોટા થઈ જાય તોપણ આપણે એવું જ ઇચ્છતાં હોઈએ છીએ કે એ આપણે કહીએ એમ જ કરે! જો તમે કહો એમ જ કરવાનું હોય તો એને જે કરવું હોય એનું શું? સંતાનોની જિંદગીમાંથી પણ એક સમયે વીડ્રો થઈ જવું જોઈએ. 

એક બાપ-દીકરાને ઝઘડો થયો. પિતા બીજું કંઈક કહેતા હતા અને દીકરાને બીજું કંઈક કરવું હતું. એક વખત દીકરાની માતાએ પોતાના પતિને કહ્યું કે “એને જે કરવું છે એ કરવા દેજો.” પતિએ કહ્યું કે “પણ એણે જે નિર્ણય લીધો છે એ મને સાચો નથી લાગતો.” પત્નીએ ત્યારે એટલો જ સવાલ કર્યો કે “તમારી જિંદગીમાં તમે જેટલા નિર્ણયો લીધા છે એ બધા સાચા હતા? દીકરાનો નિર્ણય સાચો છે કે ખોટો એ નક્કી કરનાર તમે કોણ? એ ભૂલ કરતો હોય તો એને ભૂલ કરવાનો પણ અધિકાર છે!” 

દરેક વ્યક્તિ સમજુ છે. તેને અણસમજુ સમજીને તમારી સમજણ એની ઉપર ઠોકી બેસાડવા જેવું અસમજુ કામ બીજું કોઈ નથી. સૌથી વધુ ડાહ્યો માણસ એ જ છે જે પોતાનું ડહાપણ બીજાની માથે ઠોકી બેસાડતો નથી. કોઈના નિર્ણયમાં ઘૂસણખોરી કરવા જેવું પાપ બીજું કોઈ નથી. તમારે તમારા સંબંધોમાં આધિપત્ય જમાવવું હોય તો એક વાત યાદ રાખો કે કોઈના પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ ન કરો. સંબંધો જેટલા મુક્ત હશે એટલા જ ગાઢ રહેશે. દરેક સંબંધની એક સીમા હોય છે, એ સીમાનું સન્માન નહીં કરો તો અપમાન સહન કરવાનો વારો આવશે... 

છેલ્લો સીન 

બુદ્ધિના અતિરેકથી બુદ્ધિશાળી માણસ મૂર્ખ થઈ જાય છે.

Posted by : Brijesh Patel On Gujarati

Categories:

Leave a Reply