(01)એક સાધુએ જાહેરમાં નિખાલસતાથી કબુલ્યુ હતું, “શરુઆતમાં નિર્જળા એકાદશી કરતો ત્યારે બીજા દિવસે દર્શન કર્યા સિવાય પાણી ન પીવાનો નિયમ હોવાથી મંદિરના આરસના પગથિયા મને બરફીના ટુકડા જેવા લાગતા ને એને બટકુ ભરવાનું મન થતું.” 

(02)માણસ બીજાને ‘કેમ છો’ પુછે તો આખી દુનિયા એનો પ્રતિભાવ આપવા ઉતાવળી છે પરંતુ ‘મને કોઈ ‘કેમ છો’ – એવું પુછે છે?’ એની રાહ જોવામાં આખો દિવસ જતો રહે એવું બને. 

(03)FRIENDSHIP FOR PROFIT માં સ્વાર્થ છે, FRIENDSHIP FOR PLEASURE માં તટસ્થતા છે, FRIENDSHIP FOR PRINCIPLES માં લુખ્ખાશ છે જ્યારે FRIENDSHIP FOR DEVOTION માં (SELFLESS LOVE) દિવ્ય પ્રેમની મીઠાશ છે. 

(04)જૈન, બૌદ્ધ, અને ચાર્વાક દર્શન ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા નથી. ચાર્વાક તો કહે છે: यावत जीवेत सुखम जीवेत, ऋणम कृत्वा घृतम पीबेत. भस्मीभूतस्य देहस्य, पुनरागमनम कुत: દેવું કરીને પણ ઘી પીઓ(આજના યુગમાં: દારુ પીઓ), મરી ગયા પછી ફરી આવવાનું નથી. છતાં આ બાબતને દર્શન – તત્વજ્ઞાન કક્ષાની સ્વીકૃતિ મળી છે. આપણે ત્યાં બૌદ્ધિક સ્વતંત્રતાનો કેટલો બધો સ્વીકાર છે. 

(05)પરાશર સાથેના શરીરસંબંધથી લગ્ન કર્યા વિના વેદવ્યાસને જન્મ આપનારી સત્યવતીએ શાંતનુ સાથે લગ્ન કરતા પુર્વે શરત કરી કે શાંતનુથી પોતાને થનારા પુત્રને રાજગાદી મળે અને શાંતનુની પ્રથમ પત્ની ગંગાના પુત્ર દેવવ્રતે આજીવન કુંવારા રહેવું. સ્થિતિ એ આવી કે શાંતનુથી થયેલા પોતાના દીકરા વિચિત્રવીર્યને સંતાન ન થયું તો તેની પત્નીઓ સાથે સંબંધ કરીને વંશને ચલાવવા, પરાશર સાથેના સંબંધથી જન્મેલા પોતાના દીકરા વેદવ્યાસને વિનંતી કરવી પડી. સ્વાર્થી નિર્ણયો કેટલા ભુલભરેલા હોય છે ! 

(06)ગણપતિ બાપા મોરયા. ‘મોરયા’ એટલે (1)નમસ્કાર. ગણપતિબાપાને નમસ્કાર. (2)તેઓના મોરેશ્વર ભટ્ટ નામના ભક્તનું નામ ગણપતિ સાથે જોડાઈ ગયું. (જેમ તુકારામનું નામ વિઠ્ઠલનાથ ભગવાન પાંડુરંગ સાથે જોડાઈ ગયું તેમ.) 

(07)હિન્દી ફિલ્મોમાં પુજારી, ગોરમહારાજની મશ્કરી થાય તેમજ હિન્દુ છોકરીઓ ‘પ્રેમ’ નામના શબ્દથી ભોળવાઈ જાય એવી ફિલ્મી વાર્તાઓ લખાય છે. ન્યુઝ ચેનલ્સને હિન્દુ ધર્મગુરુઓને ભ્રષ્ટ ચીતરવા બદલ અઢળક ફાયનાંસ મળે છે. કોઈ ભારતીય ઉદ્યોગપતિને સત્ય શોધનની પ્રવૃત્તિ માટે એક ચેનલને ફાયનાંસ કરવાનું સુઝતુ નથી. 

(08)સ્વામી વિવેકાનંદ, ગાંધીજીએ કર્યું તે પહેલા ટ્રેનમાં બેસીને ભારતભ્રમણ કરી ચુક્યા હતા. તમામ પાંચસો રાજાઓ તેઓથી પ્રભાવીત થયા હતા. વિવેકાનંદે શ્રેષ્ઠતાની દૃષ્ટિએ વડોદરાના રાજા સયાજીરાવને પ્રથમ અને ખેતડીના રાજવી ખેતસિંહને બીજો નંબર આપ્યો હતો. લીમડીના બાવાઓએ મેલી વિદ્યા સાધવા માટે અખંડ બ્રહ્મચારીનું સ્ખલન કરાવવા વિવેકાનંદને એક મકાનમાં કેદ કર્યા હતા. લીમડીના રાજવીએ તેઓને છોડાવ્યા હતા. 

(09)આપણે જેને ત્યાં જઈએ છીએ તેના ખબર-અંતર પૂછીએ છીએ અને આપણા વિશે જણાવીએ છીએ. ભગવાનના મંદિરે(તેના ઘરે) તેને મળવા જઈએ છીએ ત્યારે કોઈ દિવસ તેના કુશળ સમાચાર પૂછીએ છીએ ખરા? કે “ભગવાન તમે કેમ છો? તમારી બનાવેલી દુનિયામાં તમે મજામા તો છો ને!” આપણી પાસે તો માગણીનું લિસ્ટ અને ફરિયાદોની લાંબી યાદી હોય છે અને પોતાને ભગવાનના ભક્ત ગણાવીએ છીએ. 

(10)”ઈફ નો મની કેશ તો છોની-મોની બેસ” – જગતના વ્યવહારમાં સંસારીઓની સાથે-સાથે કહેવાતા ત્યાગીઓને પણ આ નિયમ જડબેસલાક લાગુ પડે છે. તેથી બધા ‘મની’ પાછળ પાગલ બનીને ભાગે છે. 

(11)સહુની પ્રેમ મેળવવાની-આપવાની ભાવના સદા યુવાન રહે છે પરંતુ પ્રેમ કરવાવાળો ઘરડો થઈ જાય છે. કૃષ્ણ એક માત્ર એવા પ્રેમી છે, જેઓ પોતાના હૃદયની સાથે-સાથે પોતે પણ આજીવન યુવાન રહ્યા હતા. 

(12)હવે તો નાનપણથી જ બાળકો પોતાની રીતે જીવન જીવતા થઈ ગયા છે. મા-બાપ તો માત્ર તેઓની પસંદગીના કપડા-ચોપડા તેમજ ભોજનની વ્યવસ્થા પૂરી કરનારા સેવકો જ બની ગયા છે. ભવિષ્યની કલ્પના, સામાજિકતા વગેરે અંગે તેઓ જલ્દી સ્પષ્ટ થઈ જાય છે. ચર્ચા કરીને તેઓના વિચારો પર અસર પાડી શકીએ તો વાત જુદી છે બાકી આપણે કહીએ એમ તેઓ કરે – અરે, રામ-રામ કરો. 

(13)જેનું શરીર કુદરતી ઠંડી-ગરમી કે વરસાદને સહન નથી કરતું તેની રોગપ્રતિકારક શક્તિ તેમજ પ્રજોત્પાદન ક્ષમતા ઘટી જાય છે. આથી આપણે ત્યાં આદિવાસી, વણઝારા, ભરવાડ, ખેડૂત વગેરે જાતિઓમાં જન્મનું પ્રમાણ વધુ છે, તેની સામે એ.સી.માં રહેનારાઓની પ્રજોત્પાદકતા ખુબ ઓછી છે. 

(14)જગતભરના કહેવાતા આધુનિક સ્ત્રી-પુરુષો દ્વારા જાણ્યે-અજાણ્યે એવો પ્રયત્ન થઈ રહ્યો છે કે લગ્નપ્રથા રહે તેનો વાંધો નહિ પરંતુ કોઈ સ્ત્રી કે પુરુષના શરીર અને મન પર કોઈનો એકાધિકાર ના રહેવો જોઈએ. તેઓ માને છે કે ભ્રષ્ટાચારની જેમ પ્રેમના લેબલ હેઠળ વ્યભિચાર પણ સર્વસ્વીકૃત થઈ જવો જોઈએ. 

(15) USE WORDS AS CASH VALUE. રુપિયાની જેમ શબ્દો વાપરો – એટલે કે રુપિયા ખર્ચ કરતી વખતે રાખીએ છીએ એવી કાળજી બોલતી કે લખતી વખતે રાખવી. આ રીતે બોલાયેલા કે લખાયેલા શબ્દો ઉત્તરોત્તર રુપિયા-સોનુ-હીરા-પારસમણી જેવા અધિક ને અધિક મુલ્યવાન બનતા જાય છે. પ્રસુતિની પીડા ભોગવીને જન્મેલા બાળકની જેમ શબ્દનો જન્મ થાય અને અપાયેલો શબ્દ બરાબર પળાય ત્યારે તેની કિંમત વધે છે. 

(16)પાકીસ્તાનમાં અમેરિકાએ જે કર્યું એ કૃષ્ણ-કર્મ જ ગણાય. એક જ રાત્રીમાં હજારો કિલોમીટર દુરના દેશમાં, એના તમામ રડાર-યંત્રોને ઠપ્પ કરીને ઘુસી જવું, જડબેસલાક સુરક્ષા-વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરીને દુ:શ્મનને ઠાર મારવો, એ જ દેશની સરકાર પાસે પોતાના દુ:શ્મનને છુપાવ્યાની કબુલાત લેવી અને દુનિયાને કોઈ પુરાવા આપવાની પરવા કર્યા વિના એનો નિકાલ કરીને તાતકાલિક એ બેધડક જાહેર કરવું – શું એકે-એક પગલામાં કૃષ્ણ-કર્મની ખાસિયત નથી જણાતી! 

(17)જગતના ઉત્તમ પદાર્થોને પણ તુચ્છ ગણનાર મહાન ઋષિમુનિઓ ભગવાન શ્રીરામના ચરણોમાં પરમ સ્વાદનો અનુભવ કરતા. આથી આશ્ચર્ય પામતા મોટી ઉંમરના રામ પોતાના ચરણને ચાખવા જાય તો તેઓનું એવું વર્તન જોઈને લોકો ચમકી જાય. માટે તેમણે કૃષ્ણ-જન્મ લઈને બાળપણમાં જ પોતાનો અંગુઠો મુખમાં મુકીને ચાખ્યો – આવી અદ્ભુત કલ્પના કરીને કવિએ ગાયું: करार विन्देन पदार विन्दम . . . 

(18)ઓફિસેથી ઘરે જતો માણસ રેસ્ટોરંટમાં ચા શા માટે પીવે છે? એનો અહમ પોષાય છે તેથી એને સારું લાગે છે. “એક કપ ચા.” એવો ઓર્ડર કરે એટલે વેઈટર, “જી” કહીને તરત ચા લઈ આવે. કાઉંટર પર બેઠેલો કેશીયર વગર કહ્યે પંખો ચાલુ કરી આપે. ઘરવાળીને એ ચા મુકવાનું કહે તો “ઉભા રો’, મુકું છું. મારે હજી ઘણા કામ પડ્યા છે.” એવું સાંભળવા મળી શકે. 

(19)ખિસ્સાકાતરુ પકડાય એટલે પાકીટના માલિકની સાથે-સાથે આસપાસના લોકો પણ ચોરને મારીને પોતાના હાથ સાફ કરી લે. એ સમયે ચોરના ખિસ્સામાં પોતાનું પણ ચોરાયેલું પાકીટ દેખી રહેલો બીજો માણસ એ પાકીટ પડાવી લેવાને બદલે એને પાછું આપવાની માત્ર સુચના આપતો હોય તો એવા મુર્ખ માણસ વિશે શું કહેવું? પાકીસ્તાને ચોરેલા બે પાકીટ એટલે લાદેન અને દાઉદ. 

(20)મુંબઈ ત્રાસવાદી હુમલાના હજારો દસ્તાવેજી પુરાવાઓ આપ્યા બાદ પણ, આતંકવાદીઓ પોતાના દેશના હતા એ વાત પાકીસ્તાને કબુલ ના કરી. છતાં ભારત સરકારે (ના)પાક-પ્રમુખને બોલાવીને પોતાની બાજુમાં બેસાડીને એના ખભે હાથ મુકીને વર્લ્ડકપ-2011ની સેમી ફાયનલ મેચની મજા માણી. ભારતમાં ઈસુબાપાની કરુણાની થીયરી ચાલે છે જ્યારે અમેરિકામાં કૃષ્ણનો કર્મયોગ કળા કરે છે. 

(21)ભારતીય તત્વજ્ઞાનમાં ‘પ્રસ્થાનત્રયી’નું મહત્વ છે : ઉપનિષદ, બ્રહ્મસુત્ર અને શ્રીમદ ભગવદગીતા – આ ત્રણ ગ્રંથો પ્રસ્થાનરુપ છે, જેના પર ભાષ્ય લખે એ આચાર્ય ગણાય. પાંચ આચાર્યો : શ્રીમદ આદ્ય શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મહાપ્રભુ વલ્લભાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય છે અને તેઓએ આપેલા સિદ્ધાંતો ક્રમશ: કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત, દ્વૈતવાદ છે. 

(22)વેદ ચાર છે : ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પ્રત્યેક વેદના ચાર વિભાગ છે : સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. સંહિતામાં સ્તુતિ-સ્તોત્રો છે, બ્રાહ્મણગ્રંથોમાં કર્મકાંડ છે, આરણ્યકમાં જ્ઞાનની શરુઆત છે જ્યારે ઉપનિષદમાં ટોચનું જ્ઞાન છે. उप + नि + सद = उपनिषद નજીક + નીચે + બેસવું = ગુરુની નજીક શિષ્યે નીચે બેસવું – સંવાદ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ. 

(23)મહાભારતકાળમાં રાજકીય વારસ મેળવવા પરણેલી સ્ત્રી સમાજના અન્ય શ્રેષ્ઠ પુરુષ સાથે નિયોગ પદ્ધતિથી સંબંધ કરીને ઉત્તમ સંતાન પ્રાપ્ત કરી શકતી હતા. કુંતાના પુત્રો: યુધિષ્ઠીર, ભીમ અને અર્જુન તેમજ વિચિત્રવીર્યની પત્નીઓ સાથે વેદવ્યાસના સંબંધથી થયેલા પુત્રો: ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર આ રીતે જન્મ્યા હતા. 

(24)ફ્રાંસનો બુદ્ધિવાદી તત્વચિંતક ડેકાર્ટ (father of modern philosophy) કહે છે: ” ‘હું વિચારું છું’ તેના પરથી મારું અસ્તિત્વ સિદ્ધ થાય છે.” ફ્રેંચ ભાષામાં એણે કહ્યું, ‘cogito ergo sum’ (કોજીટો અર્ગો સમ) ‘I think therefore I exist.’ તત્વચિંતકોએ ટીકા કરી: ‘આથી તો ‘વિચારવાની ક્રિયા’ નું અસ્તિત્વ સિદ્ધ થાય છે, વિચારકનું નહિ.’ 

(25)બુદ્ધિવાદ અને અનુભવવાદનો ઝઘડો સમાપ્ત કરતા જર્મનીના મહાન સમીક્ષાત્મક તત્વચિંતક ઈમેન્યુઅલ કાંટ કહે છે: “જ્ઞાનની શરુઆત અનુભવથી થાય છે અને જ્ઞાનનો ઉદભવ બુદ્ધિમાં થાય છે. પાંચ ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સામગ્રી સ્થળ અને કાળ રુપી બે દ્વારમાંથી બુદ્ધિમાં પ્રવેશે છે અને બાર categoryમાં તેનું સંયોજન, વિભાજન વગેરે ક્રિયાઓ થઈને જ્ઞાનનો જન્મ થાય છે. 

સંકલન - vicharo.com

Categories:

Leave a Reply