નોંધ :  જમવામાં જમવા સીવાય પણ ઘણું હોય છે ! પ્રોફેસરનું ઘર આ વાતે નમુનો છે....ઘણા લાંબા સમયના વીરામ બાદ આજે “પ્રોફેસર–કથા”નો સત્તરમો અંક સૌ વાચકોને પીરસવાનો આ એક પ્રયત્ન છે. આશા છે ગમશે. પાછલા અંકો વાંચવા માટે અહીં –


  સળંગ વાર્તા ‘પ્રોફેસરકથા’નાં પાછલાં પ્રકરણો


  – જુગલકીશોર.

------------------------------------------------------------------------------------------------------------------------------

પ્રોફેસરના ઘેર, ખાસ કરીને સાંજના ટાણે બધાં જમવા માટે ભેળાં થાય એટલે ડાઈનીંગ ટેબલ જીવતું થઈ જાય. 

પ્રોફેસર અને તેમનાં પત્નીશ્રી, ત્રણ પુત્રો, બે પુત્રવધુઓ અને બન્ને પુત્રોની એક એક દીકરી એમ બધાંનો સમાવેશ એક ટેબલ પર થવામાં મુશ્કેલી પડવાની શરુ થયા બાદ બધાંએ નીચે જમીન પર જ બેસવાનું ગનીમત માન્યું હતું. એમાંય ખાસ કરીને નાની દીકરી સમજણી થઈ ત્યારથી જ એણે પણ પોતાની અલગ થાળીનો અત્યાગ્રહ રાખીને મમ્મીને જમવામાં સુવીધા કરી આપેલી. થાળી–વાટકાઓનો તો ઘરમાં તોટો નહોતો. વહુઓ પીયેરથી આણામાં સારાં એવાં વાસણો લાવેલી...પણ ડાઈનીંગ ટેબલની બાબતે એ શક્ય (અને વહેવારીક પણ) નહોતું. 

વચલા પુત્રના લગ્ન પછી જમવાના ટેબલ પર સંકડાશ જોકે નહોતી થઈ, ને બન્ને પુત્રો સામસામે સજોડે બેસતા તે દૃષ્ય પણ મજાનું લાગતુ. કહેવાની જરુર ભાગ્યે જ હોય કે પ્રોફેસર અને એમનાં તેણીશ્રી લંબચોરસ ટેબલના સામસામેના ભાગે બેસતાં તે મધ્યસ્થસ્થાનનો મોભો સાચવવા કરતાંય વીશેષ તો પ્રોફેસરની બાજુમાં તેણીશ્રી બેસે તે દીવસ પુરતું પ્રોફેસરને બચાડાને બહુ ભારે પડી જતું તે મુદ્દો મહત્ત્વનો હતો ! પ્રોફેસરની જમવા બાબતની અનેક પ્રકારની ચીઈઈઈઈકણાઈ તેણીશ્રીથી સહન થાય નહીં ને તેણીશ્રીના ઉપહાસોથી આખા ટેબલનો સ્વાદ કડવો બની જતો એટલે એ બન્નેને માનભર્યાં સ્થાનોએ, એટલે કે ‘સામસામે’ બેસાડીને એક કાંકરે બે ફળો પાડી દેવામાં આવ્યા હતાં. 

પરંતુ નાનો પુત્ર હજી બેવડાયો નહોતો, ને એને બુફેના વહેમમાં ચાલતાં ચાલતાં કે પછી ઘરમાંની કોઈ પણ બેઠકે થાળી ખોળામાં રાખીને જમવાનો શોખ હતો. વળી બાળકીઓએ અવતરીને હજી ઘરને ‘ભર્યુંભાદર્યું’ કર્યું નહોતું એટલે બધાંને જમીન પર બેસવાને હજી વાર હતી. વળી મોટીને ઘેર પારણું બંધાયું ત્યારથી એનું જમવાનું ઘોડીયાની બાજુમાં થયું, નાનાએ એની મોટીભાભીની જગ્યા લીધી ને એમ એય લાંબો સમય ચાલ્યું...પણ છેવટે જ્યારે બીજી લક્ષ્મીએ પણ પધરામણી કરી કે સૌનું જમવાનું ભુમી પર આવી ગયું. રસોડુંય વળી ઘરના મોટા રુમની બાજુમાં જ પડતું એટલે વચમાં ભોજન પદાર્થોને રાખીને ગોળ કુંડાળું વળીને બેસવાનું સૌને ગમી ગયેલું. (પ્રોફેસર તથા તેણીશ્રી તો અહીં પણ ‘આમનેસામને’ જ બેસતાં...અસ્તુ.) 

સાંજનું જમણ સામાન્ય રીતે પ્રોફેસરના આયુર્વેદના વીશેષ જ્ઞાને કરીને હળવું રહેતું. ખીચડી ઘરમાં સૌને ભાવતી. શાક અને દુધ તો હોય જ પણ ભાખરી અને રોટલી વચ્ચે પસંદગી બાબતે રકઝક રહેતી. ભાખરી દરરોજ ખાવાથી આંતરડાં લાંબે ગાળે ચૉકઅપ થતાં જાય છે તેવી સામાન્ય સમજણ ઉપરાંત પ્રોફેસર બધાંના કોળીયાના ચાવવાની ગણતરી સુદ્ધાં રાખતા જોવા મળે તેથી પણ, ભાખરીનો વીકલ્પ રોટલીનો રહેતો. ખીચડીનો વીકલ્પ થુલી હતી. 

સાંજનું જમવાનું આયુર્વેદની દૃષ્ટીએ તો ખરું જ, બધાંના મુડની દૃષ્ટીએ પણ “હળવું” રહેતું, ને આખા દીવસનો થાક બધાં અહીં સાગમટે ઉતારતાં ! જમતી વેળા પ્રોફેસર પોતે તો આયુર્વેદનો સીદ્ધાંત પાળતા અને ચાવવા તરફ વધુ ધ્યાન આપવા ઉપરાંત સૌની વાતો સાંભળતા. તેણીશ્રીને બોલવાનો વારો બહુ આવતો નહીં કારણ કે પુત્રોની વાતોમાં તેઓ લાગણીસભર રહેતાં. વહુઓ જમવા ઉપરાંત પીરસવામાં, છોકરીઓની થાળી, બગડતાં રહેતાં ઝભલાં, આજુબાજુ વેરાતી જણસોમાં ધ્યાન આપતી. પુત્રોના ત્રણેયના સ્વભાવ અને રસના વીષયો ત્રીકોણના ત્રણ ખુણા જેવા એટલે બરાબરની જામતી. વહુઓને પોતાનો પતી જીતે તોય મજા પડતી ને હારે તોય વાંધો આવતો નહીં. દેરાણીજેઠાણીને એકબીજી સાથે બહુ ફાવતું એટલે તેઓ તો આ ગામગપાટાનો આનંદ જ માણતી. હા, ક્યારેક વચવચમાં મોટી પોતાના અંગ્રેજી જ્ઞાનનો વહેમ પીરસવા મથતી ત્યારે સાસુનો કોળીયો આઘોપાછો થઈ જતો ખરો. નાની છોકરીઓની ચેષ્ટાઓને પણ આ ‘માસ્તરઘર’માં માનભર્યું સ્થાન રહેતું એટલે તેઓની ચેષ્ટાઓ પણ સાંજના વાળુની હળવાશને શણગારી મુકતી. 

દરરોજ હળવાશભર્યા વાતાવરણમાં જમતું પ્રોફેસરનું આ ઘર આજે એકાએક એક ગંભીર વીષય તરફ ખેંચાઈ ગયું. જેમનો બોલવાનો વારો ભાગ્યે જ આવતો તેવા પ્રોફેસરે આજે જમવાના ટેબલ પર જ ક્લાસરુમ ખોલી નાખ્યો ! આજે સાંજે ઘેર આવતાં વચેટ પુત્ર પીતાશ્રીને માટે મોંઘા ભાવનો રેડીમેઈડ ઝભ્ભો ખરીદી લાવેલો. પીતાશ્રીએ નાપસંદગી જેવું મોં કર્યું હશે એટલે વચેટ અને તેને પક્ષે વધુ ઝુકતી માતુશ્રીએ આ વાતને વાળુટાણાનો વીષય બનાવી મુકી.

–––––––––––––––––––––––––––––--------------------------------------------------------------------
જીવનમાં ‘વીવશતા’ એ પણ પ્રેમનો જ પડઘો હોય છે એ વાત હવે પછીના હપતાનો વીષય ગણીને આપણે અહીં અટકીશું...

Posted By:- Jugalkishor

Categories:

Leave a Reply