બિલ્ડર આલોકની પત્ની સોના પતિની સાથે ઉગ્ર ઝઘડો કરી રહી હતી, ‘બસ? આજના દિવસે પણ આઠ હજારનો જ ડ્રેસ અપાવ્યો? આટલી સસ્તી ગિફ્ટ? જવેલરી લઇ આવવાનું ન સૂઝે?’ 

આજના આ શુભ દિવસે આખું વિશ્વ રોમાન્સના હિલ્લોળે ચડીને સેલ્લારા મારી રહ્યું છે ત્યારે આને પણ એ વિશે થોડી ઘણી સમજ આપવી જ જોઇએ. 

‘જો, ભાઇ! આજે વેલેન્ટાઇન ડે છે. એટલે કે બહારના દેશો માટેનો એક મોટો તહેવાર. આપણી દિવાળી જેવો. પણ આ પ્રેમનો તહેવાર છે. છોકરાઓ અને છોકરીઓ, ભાયડાઓ ને બાઇડીઓ એકબીજાને પ્રેમનાં કાર્ડ્ઝ આપે, હાથમાં હાથ પરોવીને ઘૂમે, મસ્તી કરે, એકમેકને ભેટ સોગાદો આપે, આવું બધું! 

બિલ્ડર આલોક શાહે ઓફિસમાં આવીને પહેલું કામ એરકન્ડિશનર ચાલુ કરાવવાનું કર્યું. પછી એણે ‘બેલ’મારી, પણ પટાવાળો ન આવ્યો એટલે જાતે ઊભા થઇને બારણું ઉઘાડ્યું, બહાર આવીને મોટેથી બૂમ મારી, ‘લખુડા...આ....આ...! લખ્ખુડો...! કોણ જાણે ક્યાં મરી ગયો...?’ લખુડો તો ન આવ્યો, પણ ફ્લેટ્સની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કામ કરી રહેલા મજૂરોમાંથી એક આદિવાસી યુવાન દોડી આવ્યો. એનું નામ રૂમાલ ઠાકોર.‘અલ્યા, રૂમાલિયા! આ લખુડો કેમ દેખાતો નથી?’ ‘બીડી લેવા જયો સ. અબ્બી હાલ આવતો જ હોસ્સે. કામ બતાવો ને! ઊં કરી આલેહ!’ 

રૂમાલની તત્પરતા જોઇને આલોકે હા પાડી દીધી. પાર્ક કરેલી હોન્ડા સિટીકારની દિશામાં તાકીને રિમોટ કીની ચાંપ દબાવી. સંગીતમય અવાજ સાથે ગાડીનું લોક ખૂલી ગયું. આલોકે સૂચના આપી, ‘રૂમાલ, પાછળની સીટ ઉપર એક થેલી પડેલી છે. એ બહાર કાઢી લે અને સામે આપણો બંગલો દેખાય છે ત્યાં જઇને તારી શેઠાણીને આપી આવ.’ 

રૂમાલે સૂચનાનું પાલન કર્યું, પછી બંગલા તરફ પગ ઉપાડતાં પહેલાં પૂછી લીધું, ‘મારા બુનને કંઇ કે’વાનું સે?’‘હા, એને કહેજે કે સાહેબને આવતાં મોડું થશે. લંચ માટે મારી રાહ ન જુએ.’ રૂમાલ તો પણ ઊભો રહ્યો, ‘ને આ થેલીમાં સું ઓહે? બુન પૂસે તો મારે સું કે’વાનું?’આલોક બોલ્યો, ‘તારી શેઠાણીને એટલું કહેજે કે આ થેલીની અંદર એક ‘ગિફ્ટ પેકેટ’ છે.’ 

‘ગિફ...?!’ રૂમાલની જીભ અટકી પડી. ‘રહેવા દે! હું તને સાદી ભાષામાં સમજાવું. ‘ગિફ્ટ’ એટલે ભેટ અને ‘પેકેટ’ એટલે પેકેટ...યાર! તું સમજતો કેમ નથી? ટૂંકમાં આ થેલીની અંદર તારી શેઠાણી એટલે કે સોનલ સુંદરી માટે સુંદર ભેટ સમાયેલી છે. વેલેન્ટાઇન ડેની ભેટ!’ 

‘વે...વેલે... વેલેન્ટન ડે?’ રૂમાલની જીભ ફરી પાછી ડચકાં ખાવા માંડી. આલોકને એક ક્ષણ માટે તો થઇ આવ્યું કે એ રૂમાલને કહી દે કે ‘રહેવા દે! આ બધું તારા કામનું નથી. ચૂપચાપ તને કીધું એટલું કામ કરી નાખ, પણ બીજી પળે એને વિચાર આવ્યો કે બાપડો રૂમાલિયો અભણ, ગરીબ, ગામડિયો છે એટલે શું થઇ ગયું? આજના આ શુભ દિવસે આખું વિશ્વ રોમાન્સના હિલ્લોળે ચડીને સેલ્લારા મારી રહ્યું છે ત્યારે આને પણ એ વિશે થોડી ઘણી સમજ આપવી જ જોઇએ. 

‘જો, ભાઇ! આજે વેલેન્ટાઇન ડે છે. એટલે કે બહારના દેશો માટેનો એક મોટો તહેવાર. આપણી દિવાળી જેવો. પણ આ પ્રેમનો તહેવાર છે. છોકરાઓ અને છોકરીઓ, ભાયડાઓ ને બાઇડીઓ એકબીજાને પ્રેમનાં કાર્ડ્ઝ આપે, હાથમાં હાથ પરોવીને ઘૂમે, મસ્તી કરે, એકમેકને ભેટ સોગાદો આપે, આવું બધું!’રૂમાલ વિચારમાં પડી ગયો, ‘સેઠ! આદમી એની ઘરવાળીને ભેટ આપે ઇનો અરથ ઇ થાય કે બેયની વચ્ચે બૌવ પ્રેમ સે?’ ‘હાસ્તો! જેમ ભેટ વધારે કિંમતી એટલો પ્રેમ પણ વધુ ગણાય.’ આલોકે પોતાની સમજણ મુજબનો જવાબ આપી દીધો. 

રૂમાલ માટે આટલું જ્ઞાન પૂરતું હતું. એ હાથમાં થેલી પકડીને શેઠના બંગલા તરફ ચાલી નીકળ્યો. એના દિમાગમાં સમય કરતાંયે વધુ ગતિથી ઊડતાં વિમાનના એન્જિન જેવો ધમધમાટ ચાલુ થઇ ગયો હતો. એ પોતાની જાતને પૂછી રહ્યો, ‘આ પૈસાદાર લોક કેવા ભાગ્યશાળી સે! આવા તહેવારના દિને પોતાની બાયડીની હાટુ કેવું-કેવું લાવી સકે સે? મારા જેવો ગરીબ મજૂર સું આલે? નહીંતર મારી બૈરી રેશમડી કંઇ મને ઓછી વા’લી ન મળે! પણ અમે તો બેય ધણી-ધણિયાણી દી’ આખો પાણા તોડીયે ને માટી ઉલેચીયે. રાત પડે સો-સોની બે નોટ પાડીયે. એમાંથી બે ટંકના રોટલા-સાક કાઢીયે. એમાં પાસો અમારો ઝીણકો! આમાં હું રેશમડીની હાટુ સું લઇ સકું?’ 

ક્યારે બંગલો આવી ગયો ને ક્યારે કામ પૂરું થઇ ગયું એની પણ રૂમાલને સૂધ ન રહી. એ અફસોસના તરાપા ઉપર બેસીને વિચારોનાં ઝોકાં ઉપર તરતો-તરતો પાછો રસ્તા પર ફેંકાઇ ગયો. એની નજર સામે આવેલા એક જાણીતા ડિપાર્ટમેન્ટલ સ્ટોર ઉપર પડી. અવશપણે એના પગ એને સ્ટોરની અંદર ખેંચી ગયા. અંદર તો ગ્રાહકોનો જાણે મેળો જામ્યો હતો! ‘ગમે ઇ થાય, મારી રેશમડી હાટુ મારે કાં’ક તો લેવું જ સે.’ આવું બબડીને રૂમાલે એની ગોઠણ લગીની ધોતીની આંટમાં ભરાવેલા રૂપિયા બહાર કાઢ્યા. ગણ્યા તો બસો રૂપિયા થયા. એને ખબર ન પડી કે આટલા રૂપિયામાં શું ખરીદી શકાય. 

‘એ ... બુન!’ એણે એક સેલ્સગર્લને જોઇને કાકલૂદી કરી, ‘મારી પાંહે બસેં રૂપિયા સે. મારી બાયડી હાટુ મારે કાંઇક લઇ જવું સે. તમે જ બતાવોને સું મલે?’ગ્રેજ્યુએટ થયેલી સેલ્સગર્લમાં એટલી કોઠાસૂઝ ક્યાંથી હોય કે એ ગ્રાહકનું સામાજિક સ્તર પારખીને એને યોગ્ય વસ્તુ અપાવી શકે? એણે એક દુપટ્ટો કાઢીને કાઉન્ટર ઉપર પાથરી દીધો, પછી માર્કેટિંગ કરવાના પોપટિયાં વાક્યો રટવાનાં ચાલુ કરી દીધાં, ‘આ એક જ પીસ વધ્યો છે. લેવો હોય તો જલદી કરો...’ રૂમાલને બીક લાગી કે જો સહેજ મોડું કરશે તો આ છેલ્લું નંગ પણ વેચાઇ જશે. 

એણે બસો રૂપિયા ચૂકવી દીધા અને દુપટ્ટો મૂકેલી થેલી હાથમાં પકડીને ઝડપથી સ્ટોરની બહાર નીકળી ગયો.સાંજ પડી. ધાબુ ભરવાના કામમાંથી રૂમાલ પરવાર્યો અને તગારા ઊંચકવાની મજૂરીમાંથી રેશમ પરવારી. બેય જણાં ભેગાં થયાં. રૂમાલે સંતાડી રાખેલી થેલી બહાર કાઢી. અંદરથી દુપટ્ટો કાઢીને રેશમની ડોકમાં નાખી દીધો. 

‘અરે પણ...! આ સું લેઇ આવ્યો?!’ રેશમ ચોંકી ઊઠી.‘વેલંટીન ગિફફ!!’‘એટલે?’‘તું અભણ સે. તને નંઇ હંમજાય. આજે ગોરા લોકોનો તહેવાર સે. એમાં આવું બધું આપવાનો રિવાજ સે.’ ‘રૂમાલિયા! રૂમાલિયા! તને સું કઉં? સાવ ભોળિયો સે તું.’ રેશમે હસીને દુપટ્ટા ઉપર હાથ ફેરવ્યો, ‘આ લાવતાં પહેલાં એટલો તો વિચાર કરવો’તો કે કૂતરીની કોટે મોતીની માળા ના સોભે. આ મારી ડોક જો. મારા હાથ-પગ જો. મારો ઘાઘરો ને ઓઢણી જો. હંધુયે સિમેન્ટ ને રેતીથી મેલુંદાટ થઇ ગ્યું સે. આવાં કપડાં ઉપર આવો દુપટ્ટો કેમનો પે’રાય?’ 

રૂમાલનો ચહેરો વિલાઇ ગયો. એને લાગ્યું કે એના રૂપિયા પડી ગયા. કાળી મહેનતના પૈસા કારણ વગરની ચીજમાં વેડફાઇ ગયા. એ સૂનમૂન થઇને ખુલ્લામાં પડેલા એક પથ્થર ઉપર બેસી ગયો. રેશમ સાંજની રસોઇ રાંધવાની તૈયારી કરવા માંડી. એણે ખીચડીનું આંધણ મૂક્યું. બાજુમાં ઝાડની ડાળી ઉપર બાંધેલા ઘોડિયામાં એનો રાજકુંવર સૂતો હતો એને જરાક હિંચોળ્યો. પછી ઢીલા પડી ગયેલા પતિને ખિલવવા માટે એ રૂમાલની દિશામાં ફરી, ત્યાં જ એના મોંમાંથી એક મસમોટી ચીસ નીકળી પડી ‘રૂમાલ...! સમાલ જે...!’ 

રૂમાલે ઊંચે જોયું તો એ પણ ડરી ગયો. જે ઇમારતનું બાંધકામ ચાલતું હતું એના ચોથા માળ પરથી એક મજૂરના હાથમાંથી ઓજારો ભરેલું તગારું છટકી ગયું હતું અને ઊલ્કાની ઝડપે ધરતીની દિશામાં આવી રહ્યું હતું. તગારામાંના ઓજારો જેવા કે પાવડો, હથોડો, ત્રિકમ, લેલું અને છીણી બરાબર નીચે બેઠેલા રૂમાલને નિશાન બનાવીને ધસી રહ્યાં હતાં. ક્યાં જવું એ મૂંઝવણ થઇ પડી. રૂમાલે કૂદકો તો માર્યો, પણ સાવ સલામત રીતે એ છટકી ન શક્યો. ત્રિકમની ધાર એના પગને વીંધી ગઇ. 

‘વોય માડી રે...!’ની ચીસ પાડીને રૂમાલ માટીમાં આળોટી રહ્યો. રેશમ એની પાસે દોડી આવી. રૂમાલના જમણા પગના પંજામાંથી લોહીની નીક વહી રહી હતી. રેશમડી ઝટપટ પોતાનો સાડલો ફાડવા ગઇ, પણ એને લાગ્યું કે એનો સાડલો તો ગંદો છે. ક્યાંકથી જો ચોખ્ખું કપડું મળી જાય તો કેવું સારું? એની નજર ઝૂંપડીની બાજુમાં પડેલી પ્લાસ્ટિકની થેલી ઉપર પડી. એણે દોડીને થેલીમાંથી રેશમી દુપટ્ટો બહાર કાઢ્યો, બે હાથે પકડીને જરા જોરથી ખેંચ્યો, દુપટ્ટો વચ્ચેથી ચિરાઇને પાટો બની ગયો. રેશમે પતિના પગ ઉપરના ઘાવ ઉપર એ પાટો કચકચાવીને બાંધી દીધો. રૂમાલ એકસાથે બબ્બે ‘રેશમ’ને જોઇ રહ્યો, એક રેશમ એની પત્ની હતી, બીજું રેશમ એના પગ ઉપરના પાટામાં હતું. એણે આપવા ખાતર ઠપકો આપ્યો, ‘ગાંડી! બસો રૂપિયાનો દુપટ્ટો આમ ફાડી નખાતો હશે?’ 

રેશમની આંખોમાં આંસુ હતાં, ‘રૂમાલિયા, આ દુપટ્ટો મારે વળી બીજા કયા કામમાં આવવાનો હતો? તું મારા માટે લાવ્યો હતો, મેં તારા માટે વાપરી નાખ્યો. આને જ પેલું વેલંટીન ગિફ્ફ તો નંઇ કે’વાતું હોય!’ અને એ ગરીબ પતિ-પત્ની ખુલ્લા આભ હેઠળ મિલિયન ડોલર જેટલું મોંઘું સાંનિધ્ય માણી રહ્યાં. 

બરાબર એ સમયે સામેના બંગલામાં બિલ્ડર આલોકની પત્ની સોના પતિની સાથે ઉગ્ર ઝઘડો કરી રહી હતી, ‘બસ? આજના દિવસે પણ આઠ હજારનો જ ડ્રેસ અપાવ્યો? આટલી સસ્તી ગિફ્ટ? તમને મારા પ્રત્યે સાચો પ્રેમ હોય તો ડાયમંડની જવેલરી લઇ આવવાનું ન સૂઝે? હે ભગવાન, આ જંગલી પુરુષે તો મારો વેલેન્ટાઇન ડે બગાડી નાખ્યો!’

Categories:

Leave a Reply