ધર્મ નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે.

વિવેકાનંદ હિન્દુસ્તાનથી અમેરિકા જતા હતા. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદા માના આશીર્વાદ લેવા ગયા. એ સમયે રામકૃષ્મ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. વિવેકાનંદજીએ આવીને કહ્યું, ‘મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું.’

શારદા માએ પૂછ્યું, ‘અમેરિકા જઇને શું કરશો?’

‘હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ.’

શારદા માએ કોઇ પ્રતિભાવ ન આપ્યો. ચૂપ રહ્યાં. થોડી પળ પછી પોતાનું કામ કરતાં કરતાં બોલ્યાં, ‘પેલી શાક સુધારવાની છરી મને આપશો?’

વિવેકાનંદજીએ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદજીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદજીના હાથમાંથી છરી લેતાં બોલ્યાં, ‘જાઓ, મારા આશીર્વાદ છે તમને’.

હવે વિવેકાનંદજીથી ન રહેવાયું.

‘મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબંધ છે?’

શારદા માએ કહ્યું, ‘હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઇ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના હાથમાં રાખે છે. પણ તમે છરી ઉપાડીને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારા તરફ રાખીને છરી મને આપી. મને ખાતરી છે કે તમે ધર્મનો સંદેશ સફળતાપૂર્વક લોકો સુધી પહોંચાડશો. કારણ કે ધર્મ કે પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. જેમ તમે ધાર તમારી તરફ રાખી અને હાથો મને આપ્યો.’

*** *** ***

સિકંદર હિન્દુસ્તાન આવવા નીકળ્યો. રસ્તામાં તેને સંત ડાયોજિનસ મળ્યા. તેમણે સિકંદરને પૂછ્યું, ‘ક્યાં જાય છે?’

સિકંદર બોલ્યો, ‘પહેલા એશિયા માઇનોર જીતવું છે. પછી હિન્દુસ્તાન જીતીશ.’

‘પછી?’ ડાયોજિનસે પૂછ્યું.

‘પછી આખી દુનિયા જીતીશ.’

‘પછી?’

‘બસ, પછી આરામ કરીશ.’

રેતીના પટ પર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં સૂતેલા ડાયોજિનસ મલકાયા. પોતાના કૂતરાને સંબોધીને બોલ્યો, ‘આ પાગલ સિકંદરને જો, આપણે અત્યારે આરામ કરી રહ્યા છીએ, જ્યારે તે આટલા બધા ઉપદ્રવ પછી આરામ કરશે.’ પછી સિકંદરને સંબોધીને બોલ્યો, ‘આટલા બધા ઉપદ્રવ પછી આરામ જ કરવો છે, તો અત્યારે જ આવીજા આપણે બંને આરામ કરીએ.’

‘ના, અત્યારે હું અડધે રસ્તે છું. પહેલા હું વિશ્વવિજેતા તરીકે મારી યાત્રા પૂર્ણ કરી લઉં. પછી દેશ પાછો ફરી આરામ ફરમાવીશ.’

અને ત્યારે ડાયોજિનસ બોલી ઊઠ્યા, ‘કોની યાત્રા પૂરી થઇ છે તો તારી થશે?’

અને સાચ્ચે જ હિન્દુસ્તાનથી પાછા ફરતા સિકંદર અવસાન પામ્યો. ન તો તે આરામ ફરમાવી શક્યો, ન પોતાની યાત્રા પૂરી કરી શક્યો.

*** *** ***

કૃષ્ણ ભગવાનનો કર્મનો સિદ્ધાંત જીવન કાર્યને મૂલ્ય તો અર્પે છે જ, પણ જીવનકાર્ય પ્રત્યેના અભિગમને ભારણ ન ગણતા, ઉત્સવ માનવા પ્રેરે છે. તેનું એક દ્રષ્ટાંત ઓશોએ આપ્યું છે. એક મંદિર બનતું હતું. અનેક મજુરો ત્યાં પથ્થર તોડવાનું કાર્ય કરતા હતા. એક માણસે એ સ્થળે જઇ એક મજુરને પૂછ્યું, ‘તમે શું કરો છો?’ મજુર આ પ્રશ્ન સાંભળી ગુસ્સામાં બોલી ઊઠ્યો, ‘આંધળા છો? જોતા નથી કે પથ્થર તોડું છું?’ એ જ વ્યક્તિ બીજા મજુર પાસે ગયો અને તેને પણ એ જ પ્રશ્ન પૂછ્યો, ‘તમે શું કરો છો?’ પેલા મજુરે એક નજર એ વ્યક્તિ પર નાખી. પછી હથોડો નીચે મૂકતા કહ્યું, ‘પથ્થર તોડું છું. એ રીતે મારા કુટુંબ માટે રોટલો રળું છું.’ એ જ વ્યક્તિ ત્રીજા મજુર પાસે ગઇ. 

એ મજુર આનંદના સ્વરે ગીત ગાતાં ગાતાં પથ્થર તોડતો હતો. પેલી વ્યક્તિએ તેને એ જ સવાલ પૂછ્યો, ‘તમે શું કરો છો?’ પેલા મજુરે ગીત ગાવાનું અટકાવીને કહ્યું, ‘ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું.’ અને પાછો એ મજુર ગીત ગાતો ગાતો પથ્થર તોડવામાં મગ્ન થઇ ગયો.

આ ત્રણે માનવીઓ એક જ કામ કરતા હતા. પણ ત્રણેનો પોતાના કાર્ય પ્રત્યેનો અભિગમ ભિન્ન છે. ત્રીજો માનવી પથ્થર તોડવાના પોતાના કાર્યને ઉત્સવ સમજી કરી રહ્યો છે. અને એ જ ઇશ્વરે સોંપેલ કાર્ય (કર્મ) કરવાની સાચી દ્રષ્ટિ છે.

Categories:

Leave a Reply