મઘ્યમવર્ગનાં મમ્મી-પપ્પા અંગ્રેજી મિડિયમમાં પેઠા તો ભુલભુલૈયામાં જ પડ્યા જાણો! નવી નવી જાળમાં ફસાતા જ જવાનું...

બાબો સ્કૂલે જવા જેટલી ઉંમરનો થયો એટલે એને ક્યાં મૂકવો? અંગ્રેજી મિડિયમ? ગુજરાતી મિડિયમ?
લગભગ આખા દેશમાં અંગ્રેજી મિડિયમમાં બાબા-બેબીઓને ભણાવવાનો ગાડરિયો પ્રવાહ વેગથી વહેતો હતો. અમે ય ગાડરિયામાંના એક હતા. ગુજરાતી મીડિયમ બિચારું બીકણ ગલુડિયાની જેમ ડરતું ડરતું ફરતું હતું.

કેટલાક કેળવણીકારો ગુજરાતી બચાવો, ભાષા બચાવોનો અરણ્યનાદ કરી રહ્યા હતા.

અમને અંગ્રેજી ખાસ આવડતું નહોતું. બી.કોમ. સુધી બે મિડિયમોને સહારે અમે પહોંચ્યા હતા. એટલે અંગ્રેજી કાચીપાકી ખીચડી જેવું અમે પ્રસંગોપાત્ત ફેંકતા હતા.

પણ સ્ટેટસ? કેટકેટલાં મમ્મી-પપ્પાઓ એમનાં બાબા-બેબીને દેખાદેખીમાં સ્ટેટસ માટે અંગ્રેજી મિડિયમની સ્કૂલોમાં મૂકીને પોરસાતા હતા. ગર્વથી જાહેરાત કરતા - અમારો બાબો, અમારી બેબી અંગ્રેજી મિડિયમમાં ભણે છે!

અમે ય અમારા બાબાને અંગ્રેજી મિડિયમની સ્કૂલમાં બલિનો બકરો બનાવી દીધો. અંગ્રેજી મિડિયમ એટલે દેશી પોશાક પરદેશી ગણાય. યુનિફોર્મ, ગળાને ટાઈનું લટકણિયું અને કુમળા કુમળા પગમાં હાઈ પ્રાઈસના બૂટ. અંગ્રેજી મિડિયમમાં બાબાને વધેરીને અમે ય બીજાઓની જેમ અમને હાઈફાઈ ગણવા લાગ્યા. પણ હાઈફાઈ એવું હાઈ થવા માંડ્યું કે ઘરમાં કરકસરનો યુગ શરૂ થયો. બાબાના એડમિશન માટે સીઘું ડોનેશન તો પ્રિન્સિપાલો માગે જ નહિ... અબ્રહ્મણ્યમ્‌ અબ્રહ્મણ્યમ્‌ ! પણ જે ટેબલ ઉપર ના અપાય તે ટેબલની નીચે અપાય. પ્રેમભેટ, એ લાંચના કહેવાય. સરકારી અધિકારીઓ અને એમની રાહે બધી સંસ્થાઓમાં કોઈપણ કામ કઢાવવા માટે પ્રેમભેટ-આપવાની હોય છે. આખા દેશમાં એ રિવાજ પડી ગયો છે. ખુદ પ્રધાનો જ આપણા માર્ગદર્શક છે, પછી ક્યા બાત?

વાત અમારા બાબાની. દસેક હજારની થમણી, અમારી બહુ વિનંતી પછી શાળાના સંચાલકે રીસીટથી નહિ પણ ‘ડિસીટ’થી સ્વીકારી. અમે ખુશ થયા. પચીસ હજારની વાત હતી. પણ કડદા ચાલતા હોય છે, જો કે એની ઉપર પડતા પડી જતા હોય છે.

ડોનેશન તો અંગ્રેજી મિડિયમમાં ભણતરનો પહેલો રાઉન્ડ. એ પછી તો અમારે અભિમન્યુની જેમ બીજા કોઠા પાર કરવાના હતા. એડમિશન મળ્યું એટલે ફી... ત્રણ માસના છસો રૂપિયા. અમે ડઘાઈ તો ગયા. પણ સ્ટેટસ માટે ગાલ પર તમાચો મારીને ય ગાલ લાલ રાખવો પડે.

નક્કી કર્યું કે ચીજવસ્તુમાં ક્યાંક કાપ મૂકીશું. પણ બાબો અંગ્રેજી મિડિયમના પ્રવાહમાં તરતો થઈ જશે ને!
વરસના અઢી હજાર નાકે દમ લાવીને ખર્ચી નાખ્યા! ઓ.કે.?

અંગ્રેજીમાં નામ કાઢવું હોય તો દામ કાઢવા પડે. ભલે, ભલે વેલ એન્ડ ગુડ. બાબો આગળ જતાં નામ તો કાઢશેને! મામ મળશે, નામ નહિ મળે.

બાબાનો વટ પડવા માંડ્યો, ભલે આવકમાં કટ! અને તે ય ફટાફટ... કેમ? બાબો આગળ વઘ્યો એટલે બુક્સ (ચોપડી કે પુસ્તકના કહેવાય. બુક્સ! હાવ ફાઈન ઇટ લુક્સ!) ગુજરાતી માઘ્યમવાળા ભલે ચોપડા કહે, શિષ્ટ કહેવાતા એને પુસ્તક કહે. પણ બુક્સ એટલે બુક્સ...

પણ બુક્સ એકલા ના આવે. સાથે એની ઢગલાબંધ સાહેલીઓ - ના, ના ગર્લફ્રેન્ડઝ જેવી નોટ પણ એની સાથે અને બુક્સ મૂકવા માટે દફતર? નો, નો, નો - એવું દેશી ના બોલો. પોર્ટફોલિયો કહો. હજાર બીજા... વેલ એન્ડ ગુડ! દીકરો દમામભેર બુટ, ટાઈ, યુનિફોર્મમાં જાય તો હજારનો ચાંદલો બહુ મોટો ના કહેવાય..

પણ ધીરા રહો.
અંગ્રેજી મિડિયમમાં ભણનારા, એટિકેટ જાળવવો હોય.. તો સ્કૂલની વાનમાં જવું આવવું પડે. અને વાન માટે ખીસાકટ ના કરવો હોય તો પપ્પાના સ્કૂટર પર... પણ મઘ્યમવર્ગનાં મમ્મી-પપ્પા અંગ્રેજી મિડિયમમાં પેઠા તો ભુલભુલૈયામાં જ પડ્યા જાણો! નવી નવી જાળમાં ફસાતા જ જવાનું... દમ મારો દમ! પીછે પડા ઇંગ્લિશ મિડિયમ.

અરે વાત ત્યાં ક્યાં અટકે છે? પ્રિન્સિપાલે અમારા બાબા સાથે નોટ મોકલી. (ચિઠ્ઠી ના કહેવાય. અંગ્રેજી મિડિયમ લાજે.) આપણા બિચારા ગુજરાતી મિડિયમને ચિઠ્ઠી કહો, કાગળ કહો બઘું શોભે.

નોટ અંગ્રેજીમાં હતી. અમે હાઈફાઈ અંગ્રેજી લાઈનોમાંથી એટલું સમજી શક્યા કે બાબો અભ્યાસમાં કાચો છે. એને ટ્યુશનની જરૂર છે.

લગ્નની ચોરીમાં તો સાત પગલાં હોય છે. પણ આ અંગ્રેજી મિડિયમમાં તો કેટલાં પગલાં હશે?

પણ કાંઈ નહિ. બાબો અંગ્રેજી મિડિયમમાં સ્ટડી કરે છે એવું સ્ટેટસ જળવાશે! અરે, અંગ્રેજી પોએમ પોપટની જેમ પઢી જશે તોય અમે ધન્ય!

Categories:

Leave a Reply