બાળવાર્તા 

ખુશી અને દીપ. બંને ભાઈ-બહેન. ખુશી ચોથામાં ને દીપ પહેલાં ધોરણમાં ભણે. ખુશી અંગ્રેજી મિડિયમમાં ભણતી હતી પરંતુ હવે તેને ગુજરાતી પણ ઠીકઠીક વાંચતા આવડી ગયું હતું. તેના માટે પપ્પા મોટા અક્ષરવાળી રંગીન, સચિત્ર ચોપડીઓ લાવ્યા હતા. ખુશી તે હોંશે હોંશે મોટેથી વાંચે ને દીપ સાંભળે. 

એકવાર પપ્પા ગણેશની આવી સચિત્ર ચોપડી લાવ્યા. ચોપડી પર ગણપતિનું રંગીન મોટું ચિત્ર જોઈ ભાઈ-બહેન રાજીના રેડ થઈ ગયાં. નવાઈ પામી ચિત્ર જોવા લાગ્યાં. હાથી જેવી લાંબી સૂંઢ, સૂપડા જેવા મોટા કાન, ગાગર જેવડું પેટ, દાદાને ચાર તો હાથ હતા. બાજુમાં ઉંદર બેઠેલો હતો. આગળ તાસકમાં લાડુ હતા. 

ખુશી તરત જ ચોપડી લઈ વાંચવા બેસી ગઈ. દીપ સાંભળવા બેઠો. એમણે ગણેશાની કાર્ટૂન ફિલ્મ જોઈ હતી તેથી કથામાં રસ પડવા લાગ્યો. 

રજાનો દિવસ હતો. બપોરે મમ્મી નવરી પડી. એટલે બંને ભાઈબહેન મમ્મીની અડખે-પડખે ગોઠવાઈ ગયાં. 

ખુશીએ કહે,’મમ્મી, ગણપતિ બાપાનું માથું આવું કેમ?’ 

મમ્મીએ પૂછયું,’તે આ ચોપડી વાંચી?’ 

‘હા, વાંચી. એમાં લખ્યું છે કે માતા પાર્વતી એકવાર સ્નાન કરવા બેઠાં હતાં. ત્યાં બહારથી શંકર ભગવાન આવ્યા. ગણેશે તેમને રોક્યા. શંકર ગુસ્સે થયા ને ત્રિશૂળથી ગણેશનું માથું ઉડાડી દીધું.’ 

‘હં... બરાબર. ને તે છેક ચંદ્રલોકમાં જઈને પડયું. પછી?’ 

‘પછી પાર્વતીએ બધી વાત કરી ત્યારે શંકરને જાણ થઈ કે ગણેશ એમનો જ પુત્ર છે. પાર્વતી કહે મારા પુત્રને સજીવન કરો. પણ માથું તો જડે નહિ. હવે શું કરવું? શંકરે પાર્ષદોને આજ્ઞા કરી કે નીચે જે સામે મળે એનું માથું કાપીને લાવો. પાર્ષદો 

ગયા ને...’ 

મમ્મી કહે,’ને પાર્ષદોને સામે હાથીનું બચ્ચું મમદનિયું મળ્યું. તેનું માથું કાપીને લાવ્યા ને ગણેશના ધડ પર ફીટ કરી દીધું. ગણેશ જીવતા થયા.’ 

‘મમ્મી, પાર્વતીને આવો પુત્ર ગમે ખરો?’ ખુશીએ પૂછયું. 

‘ન ગમે. એમણે દલીલો કરી પરંતુ શંકરે કહ્યું કે તારા પુત્રને આખું જગત પૂજશે. શુભ કાર્યમાં લોકો સૌ પ્રથમ ગણેશનું સ્થાપન કરશે. તે વિઘ્નહર્તા દેવ કહેવાશે. આવું સાંભળી પાર્વતીજીને આનંદ થયો.’ મમ્મીએ બાળકોને વિગતે વાત સમજાવી. 

બાળકોએ બીજા પણ પ્રશ્નો પૂછયા. મમ્મીએ એના યોગ્ય ઉત્તરો આપ્યા. 

થોડા દિવસ પછી ગણેશચતુર્થીનો તહેવાર આવ્યો. તે દિવસે શાળામાં રજા હતી. દીપ અને ખુશી ઘરે જ હતા. 

સવારે મમ્મીએ કહ્યું,’દીપ-ખુશી, આજે ઝટપટ નાહીધોઈ તૈયાર થઈ જાઓ.’ 

‘કેમ મમ્મી? આજે તો રજા છે.’ ખુશી બોલી. 

‘પણ આજે શેની રજા છે તે ખબર છે?’ મમ્મીએ પૂછયું. 

‘હા મમ્મી, યાદ આવ્યું. ટીચર કહેતા હતા કે આજે ગણેશાની બર્થ ડે છે. તેથી રજા છે.’ દીપની વાત સાંભળી મમ્મી-પપ્પા હસી પડયા. 

‘મમ્મી, ગણેશાની બર્થડે આપણે ઉજવીશું? 

દીપે પૂછયું. 

‘હા, પણ પહેલાં તૈયાર થઈ જાઓ.’મમ્મીએ કહ્યું. 

બંને ભાઈ-બહેન નાહીધોઈને તૈયાર થઈ ગયા. 

મમ્મી કહે, ‘હવે ભગવાનના મંદિર પાસે આવી જાઓ.’ 

મમ્મી ભગવાનના મંદિર સામે બેઠી હતી. દીપને ખુશી ત્યાં દોડતાં ગયાં ને મમ્મીની ડાબી જમણી બાજુ બેસી ગયા. મમ્મી જે ક્રિયા કરતી હતી તે ધ્યાનથી જોવા લાગ્યા. 

પ્રથમ મમ્મીએ ગણેશની મૂર્તિને સ્નાન કરાવ્યું. આ જોઈ દીપ બોલ્યો, ‘હેય... ઘણા દિવસે ગણેશ નાહ્યા! મમ્મી હસી પડી. પછી ગણેશને કોરા કપડાથી સાફ કર્યા. ગણેશને પૂજાના સ્થાને ગોઠવ્યા. તેની સામે દીવો પ્રટાવ્યો. અગરબત્તી સળગાવી. ગણેશને ચાંલ્લો કર્યો. ફૂલ ચડાવ્યા. ધરો પણ ચડાવી. 

‘મમ્મી, આ ઘાસ કેમ ગણેશને આપ્યું? ખુશીએ પૂછયું. 

‘બેટા, એ ઘાસ નથી. ધરો છે. તેને દુર્વા પણ કહે છે. ગણેશને દુર્વા અતિપ્રિય છે તે ચડાવીએ તો એમને ગમે.’ 

ત્યારબાદ હાથ જોડી મમ્મી ગણેશનો શ્લોક બોલવા લાગી. બાળકોને તેમાં સમજ ના પડી. 

‘મમ્મી, ગણેશના બર્થ ડેમાં આવું બધું કરવું પડે? દીપે પૂછયું. 

‘હા બેટા, કરવું પડે.’ મમ્મીએ હસીને કહ્યું. 

પછી આરતી કરવામાં આવી. ઘંટડી વગાડવા બંને જણ ઝઘડવા લાગ્યાં. છેવટે દીપને ઘંટડી આપી. ખુશી થાળી પર પેન વડે વગાડવા લાગી. આરતી પૂરી થઈ. આરતી મમ્મીએ દીપ સામે ધરી. દીપે ફૂંક મારી તે ઓલવી નાંખી. ને ગાવા લાગ્યો,’હેપ્પી બર્થ ડે ટુ યુ ગણેશા હેપ્પી બર્થ ડે ટુ યુ...’ખુશી પણ ભાઈ સાથે ગાવા લાગી. આરતી બૂઝાવી દીધી તેથી મમ્મી ગુસ્સે થઈ હતી પણ પછી તરત હસી પડી. તે બોલી,’ બેટા, આવું ન કરાય. ફૂંક ન મરાય.’ 

‘કેમ મમ્મી, મારા બર્થ ડેમાં મીણબત્તીઓ નથી બૂઝાવતા?’ દીપે દલીલ કરી. 

‘પણ આ તો ભગવાનનો જન્મદિન છે. એમાં એવું ના કરાય.’ મમ્મીએ સમજ પાડી. 

એટલામાં ખુશી રસોડામાં જઈને છરી લઈ આવી. તે કહે,’મમ્મી, હવે લાડુને છરી વડે કાપીએ?’ 

મમ્મી કહે,’એમ કેમ?’ 

‘કારણકે તું બર્થ ડેની કેક નથી લાવી. લાડુ લાવી છે.’ 

મમ્મી ફરી હસી પડી અને બોલી,’બેટા, આપણાં જન્મદિન જેવું ન કરાય. બસ, આરતી કરાય, ધૂન ગવાય ને પ્રસાદ લેવાય.’ 

ને પછી મમ્મીએ આરતી ગવડાવી. 

‘ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોર્યા...’ 

બાળકોને તો ધૂન ગાવાની મજા પડી. પછી તો આખો દિવસ બંને આ ધૂન ગણગણવા લાગ્યા. 

ગણપતિબાપા મોરિયા.... 

નટવર પટેલ 

Categories:

Leave a Reply