છૂટાછેડાનો શાનદાર પ્રસંગ – વલ્લભ મિસ્ત્રી 

હાસ્યરસના અમારા એક કાર્યક્રમમાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો : 

‘છૂટાછેડાના પ્રસંગને શાનદાર બનાવવા માટે શું કરવું જોઈએ ?’ અચાનક જ ફેંકાયેલા બમ્પર પ્રશ્નને નીચા નમી પાસ-ઑન કરી દેવામાં અમારી ઈજ્જતનો સવાલ હતો, હુક કરીને બાઉન્ડ્રી બતાવવામાં જોખમ એ હતું કે હૉલમાં બાઉન્ડ્રી લાઈનમાં ખુરશીમાં બેસીને ફિલ્ડિંગ ભરી રહેલી મારી પત્ની ‘હુપ’ કરતાં કૂદીને અમને કેચ-આઉટ જ કરી નાખે ! 

‘ભાઈ, તમે પરણેલા છો ?’ બમ્પર પ્રશ્ન સામે મેં સ્પીન બેટિંગ કરી. 

‘કાચો…કુંવારો છું.’ 

‘વાંધો નહીં, પરણ્યા પછી કાચા-પાક્કા થઈ જશો, પરંતુ એ સમજાતું નથી કે લગ્ન-પહેલાં જ છૂટાછેડાનો સુવિચાર કેમ આવ્યો ?’ 

‘શું કરું ? પાણી આવતાં પહેલાં પાળ તો બાંધવી પડે ને ?’ 

‘તો લગ્ન પછી ઘોડિયુંય બાંધવું પડે તેનો પણ વિચાર કર્યો જ હશે ને ! ખેર, જવા દો એ વાત. મૂળ વાત એ છે કે, અમારા લગ્નજીવનનાં ત્રીસ વર્ષમાં છૂટાછેડા તો શું, તેનું નાટક પણ ભજવ્યું નથી.’ 

‘તો શું થયું ? સાચા-ખોટાનું અનુમાન તો કરી શકો ને ? કદાચ એ તમને ભવિષ્યમાં મદદરૂપ થાય પણ ખરું !’ 

બસ, હવે અમે સ્ટેજની પીચ પર સેટ થઈ ગયા હોવાથી દે અનુમાન ધનાધન કરી દીધે રાખવાનું ચાલુ કરી દીધું. સૌપ્રથમ તો જે ગોર મહારાજે લગ્નનું શુભ મુહૂર્ત કાઢી આપ્યું હોય તેની જ પાસે છૂટાછેડાનું અશુભ મુહૂર્ત કઢાવવું ! વધુ દાન-દક્ષિણા આપી લગ્નપ્રસંગનાં જે તારીખ-સમય હતાં તે જ રખાવવાં (યાદ રાખીને જે સાલ ચાલતી હોય તે રાખવી). અને હા, કદાચ ગોર મહારાજ સ્વર્ગે સિધાવી ગયા હોય તો તેમના કાયદેસર વારસદાર ચાલશે. લગ્ન સમયે જે હૉલ, વાડી કે પાર્ટીપ્લોટમાં લગ્ન થયાં હોય તે જ રાખી લેવાથી પિત્તળમાં ગંધ ભળશે ! 

પ્રસંગના આ બે મુખ્ય પાયા ખોદી છૂટાછેડાની ઈમારતની ઝલક રૂપે કંકોત્રી પ્લાન છપાવવો, જે લગ્નના પ્લાન કરતાં પણ હટ કે હોવો જોઈએ ! લગ્નપ્રસંગે આવેલા ચાંલ્લા-યાદીની નોંધપોથી ઘરના ખૂણે-ખાંચરેથી શોધવી. ઊધઈ….ઈયળ ચઢી ગઈ હોય તો પેસ્ટ-કંટ્રોલરના પાંચ-દશ રૂપિયા ખર્ચી નાખવા ! જેમણે લગ્ન-પ્રસંગે ચાંલ્લો કર્યો હોય કે ભેટ-સોગાદ આપી હોય તેમને જ છૂટાછેડાનું અશ્રુભીનું આમંત્રણ પાઠવવું. ત્યારબાદ લગ્ન પછી હનીમુન કરવા જે ખાડા-ટેકરા મતલબ કે પર્વત પર કે દરિયાકિનારે ગયાં હોવ ત્યાં ફકત સજોડે જ પહોંચી ગયા પછી, અંદરો-અંદર ઉગ્ર બોલાચાલી, ઝઘડો કરી છૂટાછેડા માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવું. હનીમુનના બદલે છૂટાછેડાનાં છાજિયાં ગાતાંગાતાં ઘર ભેગાં થયા પછી છૂટાછેડાની પૂર્વતૈયારીમાં લાગી જવું… 

છૂટાછેડાના સમારંભમાં આવનાર દરેક મહેમાનનું, દરવાજે બાવળિયાનો કાંટો આપી સ્વાગત કરવું…અને હા, સાથેસાથે તેમની આંખોમાં ગ્લીસરીન નાંખવાનું ભૂલતા નહીં. શું છે કે, તેમની આંખોમાંથી ટપકતાં આંસુને લીધે પ્રસંગમાં થોડી વાસ્તવિકતા આવશે ! પ્રવેશદ્વારની અંદર પગ-પેસારો કરી ચૂકેલા મહેમાનોની આંખે ઊડીને વળગે તેવું નાનું છતાં મોટા અક્ષરોમાં સૂચના-બોર્ડ મૂકેલું હોવું જોઈએ જેથી તેઓ વાંચી શકે કે, ‘આગળ વધતાં પહેલાં સામેના ટેબલ પર મળીને જ જવું, લાભ થશે !’ એ સાથે દિલનો નહીં, ટેબલની દિશા દર્શાવતો એરો મારવો. સૂચના મુજબ મોટા લાભની આશાએ ટેબલ પાસે આવનાર વ્યક્તિનું નામ પૂછી, લગ્નપ્રસંગે તેણે કેટલો ચાંલ્લો કર્યો હતો તે નોંધપોથીમાં જોઈ-તપાસી, આવેલ ચાંલ્લાની રકમમાંથી ત્રીસ ટકા ઘસારો (depreciation) બાદ કરી, બાકીની રકમ ચેક કે ક્રેડિટ કાર્ડ દ્વારા નહીં પણ રોકડા ગણીને ગણતરીના ખુલાસા સાથે ખેલદિલીપૂર્વક ‘થેન્ક યુ’ કહી પાછી આપવી. 

‘વાહ ક્યા પ્રસંગ હૈ !’ કહી ખુશ થઈ એ વ્યક્તિ આગળ વધે તે પહેલાં, ‘બમ્પ એ હેડ’ બની તેને રોકી લેવી. ‘રુકાવટ કે લિયે ખેદ હૈ’નો શબ્દ-વિવેક કર્યા પછી ટકોર કરવી કે, ‘અરે….ભાઈ, આમ હરખપદુડા થઈને ક્યાં ચાલ્યા ? હજુ તો હિસાબ કરવાનો બાકી છે !’ 

‘હવે શેનો હિસાબ ?!’ એ વ્યક્તિ પ્રશ્ન પૂછે તે પહેલાં ફરજ ખાતર ચોખવટ કરી દેવી કે, ‘લગ્નપ્રસંગે તમે જમ્યા હતા તેની એક થાળી દીઠ પડતર પચાસ રૂપિયા થઈ હતી. તેમાં પૂરા સો નહીં પણ પંચોતેર ટકા મોંઘવારી ઉમેરી જે રકમ થાય છે તે એકસો બાર રૂપિયા ને પચાસ પૈસા ને રાઉન્ડ ઑફ કર્યા પછી પૂરા એકસો અગિયાર રૂપિયા તમારે પાછા આપવા પડશે. રોકડા ના હોય તો ચેક, ક્રેડિટ કાર્ડ સ્વીકાર્ય છે. હિસાબ કોડીનો, બક્ષિસ લાખની….!’ 

માગણી મુજબની રકમ મને-ક-મને પાછી આપી એ વ્યક્તિ આવા શાનદાર પ્રસંગને અધવચ્ચે છોડી ભાગવાની કોશિશ કરે તે પહેલા તેના મોંમાં પાણી લાવી દેતાં હૈયાધારણ આપવી કે છૂટાછેડાનું જે ભોજન છે તે વિદેશી ફાસ્ટફૂડ કંપનીઓ તરફથી સ્પોન્સર થયું હોવાથી આજે તો શું ભવિષ્યમાં પણ તેનો ચાર્જ વસુલ કરવામાં નહીં આવે ! 

સત્કાર-સમારંભનું જે સ્ટેજ બનાવવામાં આવે તેમાં વચ્ચે ભારત-પાકિસ્તાન સરહદ વચ્ચે ખેંચવામાં આવેલી અંકુશરેખાની જેમ આડી નહીં, પણ ઊભી અંકુશ દીવાલ રાખવી – જેની એક બાજુ વરરાજા ને બીજી બાજુ કન્યાને ઊભાં રાખવાં. વરપક્ષના લોકો સ્ટેજ પર તે સાઈડે જઈ અફસોસ-શુભેચ્છા પાઠવે, ને કન્યાપક્ષના લોકો કન્યા તરફી ખરખરો કરે. આ દરમ્યાન જે લોકોએ લગ્નપ્રસંગે ભેટ આપી હોય તે જ ભેટ ભલે ને ગમે તેવી હાલતમાં હોય તે પરત કરવી. 

છૂટાછેડાની માસ્ટર-બ્લાસ્ટર શાસ્ત્રોક્ત વિધિમાં શાહી ખુરશીમાં બેઠેલાં વરકન્યાને ઊભાં કરી દેવાં. ઓલવાયેલ (બુઝાયેલ) અગ્નિકુંડ ફરતે ઊંધા ફેરા લેવડાવી લગ્નબંધનની ગાંઠને છોડી નાંખવી. હસ્તમેળાપ વખતે ચોંટી ગયેલા વર-કન્યાના હાથને જાહેરમાં પ્રેમ-ગોષ્ઠી કરવાની સજા રૂપે છૂટા પાડી દેવા. કંસારના કોળિયાને કંકાસ સમજી એ કોળિયો પાછો ખેંચી લેવો. ગોર મહારાજનો ‘કન્યા પરત લઈ જાવ….સાવધાન !’નો પડકાર સાંભળી મામીએ કન્યાને ઘર ભેગી કરવી. જમાઈની પગપૂજા કરવાને બદલે ટાંટિયા ખેંચી, મોં બગાડી, સાસુ-સસરાએ ઊભાં થઈ જવું. પોંખવા આવેલી સાસુએ જમાઈનું નાખ ખેંચવાને બદલે ફેંટ પકડવી અને સાળીઓએ જીજાજીને ધક્કા મારતાં મારતાં મંડપ-બહાર હડસેલી દેવા. છેલ્લે આલ્બમમાં લગાવેલા લગ્નપ્રસંગના ફોટા ઉખાડીને ફેંકી દેવા અને તેના સ્થાને છૂટાછેડાના ફોટા ચિપકાવી દેવા. 

અમારી અનુમાન-કથા પૂરી થતાં જ તાળીઓના ગડગડાટ વચ્ચે મારાં શ્રીમતી ક્યારે સ્ટેજ પર આવી પહોંચ્યાં તેની ખબર જ ન પડી ! હું કંઈ પૂછવા જાઉં તે પહેલાં તો અમારા હાથમાંથી માઈક ઝૂંટવી લઈ સહર્ષ જાહેર કરી દીધું કે, ‘જો છૂટાછેડાનો આવો સરસ શાનદાર પ્રસંગ ઊજવાતો હોય તો છૂટાછેડા માટે પહેલ કરવા હું તૈયાર છું !’ અનુમાન કરવામાં તો અમારા કરતાંય એક ડગલું આગળ વધી ગઈ હતી ! 

તો મિત્રો, તમે છૂટાછેડાનો શાનદાર પ્રસંગ ક્યારે ઉજવો છો ? 

વલ્લભ મિસ્ત્રી 

Categories:

Leave a Reply