એકધારી રોજિંદી જિંદગીથી થોડા સમય માટે દૂર જવાનું વિચારતા હોવ અને રંગો, રોમાંસ અને સંગીતની લહેરખીઓમાં ખોવાઇ જવા માગતા હોવ તો તરણેતર મેળામાં આવવાનું ન ચૂકશો. 

દ્રૌપદીના સ્વયંવર થયો હોવાનું મનાય છે, એ સ્થળે વર્ષમાં એક વાર ગુજરાતનાં લોક-નૃત્યો, સંગીત, રિવાજો અને કલાઓ ખીલી ઊઠે છે. આ મેળામાં ગ્રામીણ યુવતીઓ અને યુવકો પોતાના જીવનસાથીને મળવા આવે છે. જેમને પોતાના જીવનસાથીને શોધવામાં રસ નથી તેને પણ અહીંનું રોમાંસ અને ઉત્તેજનાથી ભરપૂર વાતાવરણ જરૂર આકર્ષે છે. દર વર્ષે મેળામાં આવનાર લોકોનો વધારો જ થતો જાય છે. ગુજરાતના લોકો તો ઠીક પણ ભારતના અને વિદેશના લોકો પણ આ મેળો માણવા માટે અહીં આવી પહોંચે છે. 

લોકો રંગીન વસ્ત્રો, ચમકતાં આભૂષણોમાં સજજ હોય છે અને તેઓ જયારે લોકનૃત્ય કરે છે ત્યારે જે દૃશ્યો સર્જાય છે, તે આજીવન યાદગીરી બની રહે છે. નાચનારાઓ ગોળ ગોળ ફરે છે અને ઢોલ-નગારાના તાલે સૌ સાથે નાચ્યા કરે છે. નાચનારાઓનાં જૂથો બદલાતાં જાય છે પણ ઢોલ-નગારા તો સતત વાગતાં જ રહે છે. જાત જાતનાં લોકનૃત્યો અહીં જોવા મળે છે, જેમાં સૌથી લોકપ્રિય છે - રાસ. રાસમાં નાચનારાઓના હાથમાં બે નાની નાની લાકડી હોય છે, જેને દાંડિયા કહે છે, જેને એકબીજાના દાંડિયા સાથે ટકરાવવામાં આવે છે. એક જ વર્તુળમાં સો-બસો સ્ત્રીઓ રાસડો લે છે ત્યારે એક સાથે ઢોલ પર ચાર તાલ વાગે છે અને જોડિયા પાવા સૂરો રેલાવતા હોય છે. તમે લોકોને હુડો લેતા પણ જોઇ શકો છો. 

ઝાલાવાડ પ્રદેશની રબારી મહિલાઓ વર્તુળમાં કરવામાં આવતું નૃત્ય રાહડો કરે છે. તેમનાં વસ્ત્રોના આધારે તેમના લગ્ન થઇ ગયાં છે કે નહીં, તેનો ખ્યાલ આવી જાય છે. કાળું ઝીમી (સ્કર્ટ) પહેર્યું હોય તો સમજવાનું કે તે પરિણીત છે અને જો તેણે લાલ રંગનું ઝીમી પહેર્યું હોય તો સમજવાનું કે તેની સગાઇ થઇ નથી અને તે કુંવારી છે અને પતિની શોધ ચાલી રહી છે. લગ્નવાંચ્છુક યુવક રંગીન ધોતી કે ચોરણો પહેરે છે, કેડિયું પહેરે છે અને માથે ફાળીયું બાંધેલું હોય છે. યુવક ભાંતીગળ ભરતગૂંથણ અને કાચથી મઢેલી છત્રીને ફેરવીને તે જાહેરાત કરતો ફરે છે કે પોતે કુંવારો છે અને યોગ્ય યુવતીની તલાશમાં છે. 

અનેક સાધુ-સંતો અને ભજન મંડળી પણ મેળામાં રંગ જમાવે છે. તેઓ લોકવાદ્યોના સંગાથે ભજન-ગીતો-દોહાઓ લલકારે છે. 

તરણેતર મેળો તરણેતર ગામનો બહુ મોટો હિસ્સો રોકી લે છે, જેમાં મોટી સંખ્યામાં સ્ટોલ ઊભા કરવામાંઆવે છે, જેમાં સ્થાનિક બનાવટની ચીજવસ્તુઓ અને ભાત ભાતનાં ઘરેણાંઓ વેચાય છે, જે બીજે ભાગ્યે જ જોવા મળે છે. દેવી-દેવતાઓની મઢેલી તસવીરો અને મૂર્તિઓ પણ ત્યાંથી ખરીદી શકાય છે. બાળકોને આકર્ષતા ચકડોળ પણ હોય છે. ફોટોગ્રાફર સ્ટોલ, જાદૂના ખેલ તથા છૂંદણા પાડી દેનારા કલાકારો પણ ત્યાં હાજર હોય છે, જે મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે. 

ગુજરાત પ્રવાસન કચેરી દ્વારા ઓફર કરતાં ખાસ પેકેજ અને ટેન્ટમાં રહેવાની મજા ચૂકવા જેવી નથી.

તરણેતરનો મેળો હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા સુદ ચોથ, પાંચ અને છઠ, એમ ત્રણ દિવસ માટે દર વર્ષે યોજાય છે. (ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં મેળો યોજાય છે) 


તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢથી આઠ કિલોમીટર દૂર ભરાય છે. થાનગઢ રેલવે સ્ટેશન અમદાવાદ-હાપા બ્રોડગેજ લાઈન પર આવેલું છે. સડક માર્ગે પહાચવા માટેનું બીજું નજીકનું શહેર ચોટીલા છે, જે થાનગઢથી પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે. ચોટીલા નેશનલ હાઈવે પર આવેલું છે, જયાંથી રાજકોટ (૭૫ કિમી), જામનગર (૧૬૨ કિમી), અમદાવાદ (૧૯૬ કિમી), પોરબંદર (૨૫૨ કિમી) પહોંચી શકાય છે. ભાવનગરથી થાન પહોંચવું હોય તો રાજકોટ થઇને આવો તો ૨૬૪ કિલોમીટર અને ટૂંકા રસ્તે બોટાદ થઇને આવો તો ૧૯૦ કિલોમીટર અંતર કાપવું પડે છે. ચોટીલા, થાનગઢ અને તરણેતર વચ્ચે એસટીની અને અન્ય વાહનવ્યવહારની ઘણી સારી સુવિધા છે. નજીકનું એરપોર્ટ રાજકોટમાં આવેલું છે, જે ૭૫ કિલોમીટર દૂર છે. 

ખાનગી બસ કંપનીઓ પણ તરણેતરના મેળામાં પહોંચાડવાની સેવા પૂરી પાડે છે, જેની તપાસ તમે Tarnetar.com પર કરી શકો છો.


તરણેતર એ સૌરાષ્ટ્રનો સૌથી અગત્યનો અને મોટો મેળો છે, જેમાં ૫૦,૦૦૦થી વધુ લોકો આવે છે. અહીં ખાસ કરીને કોળી, રબારી, ભરવાડ, ખાંટ, પટેલ, કાઠી, ચારણ, દલિત અને દેશ-રબારી જાતિના લોકો મોટી સંખ્યામાં આવે છે. આ મેળાની ખ્યાતિ વધતી જાય છે, તેમ ભારતના અન્ય પ્રદેશો અને વિદેશોમાંથી પણ લોકો આ મેળાને માણવા માટે આવે છે.


સૌરાષ્ટ્રના કોળી જાતિના લોકોએ ભરત ભરેલી છત્રીઓનો રિવાજ શરૂ કર્યો. આ આકર્ષક છત્રીઓ સુંદર રીતે શણગારેલી હોય છે. દરેક પર અનોખું ભરત-ગૂંથણ કામ કરવામાં આવેલું હોય છે. છત્રીને નીચેથી લઇને ઊપર સુધી કાપડ અને ભરતથી મઢી લેવામાં આવી હોય છે. યુવાનો આખું વર્ષ પોતાની છત્રીને શણગારવામાં ગાળતા હોય છે. પોતાની કળા, વસ્ત્રો અને છત્રીની ટોચની બનાવટ થકી તેઓ પોતાનું કૌશલ્ય બતાવીને યુવતીઓને આકર્ષવા-ઈમ્પ્રેશ કરવાની કોશિશ કરે છે, જેથી યુવતી લગ્ન માટેનો પ્રસ્તાવ સ્વીકારે. મેળો પતે એ પહેલાં તેમને પોતાનો જીવનસાથી મળી જાય, તેની અહીં જરાય નવાઇ નથી. 


કહેવાય છે કે આ મેળો આદિકાળથી અહીં યોજાતો આવ્યો છે. આ મેળાનો ઉદભવ દ્રૌપદી સ્વયંવરની ઘટના સાથે થયો હોવાનું કહેવાય છે, જેમાં અર્જુને માથે ફરતી માછલીનું નીચે પાણીમાં પ્રતિબિંબ જોઇને લક્ષ્ય સાધવાનો પડકાર ઝીલીને સ્વયંવર જીતી લીધો હતો અને પાંડવોએ દ્વૌપદી હાંસલ કરી હતી. 

ઐતિહાસિક રીતે એવું કહેવાય છે કે આ મેળાની શરૂઆત આજથી બસો - અઢીસો વર્ષ પહેલાં થઇ હતી. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આ મેળો યોજાય છે. ત્રિનેત્રેશ્વરનો અર્થ થાય છે, ત્રણ આંખોવાળા શિવજી. જૂનું મંદિર તો નાશ પામ્યું હતું, પરંતુ વડોદરાના ગાયકવાડ રાજાએ ૧૯મી સદીમાં તેનો જિર્ણોદ્ધાર કરાવ્યો અને હવે તે આ મેળાનું કેન્દ્રબદુ છે. મંદિર નદીના વહેણના કાંઠે છે અને ત્યાં એક પૌરાણિક સુંદર કુંડ પણ છે. સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે ઈતિહાસમાં કોઇ જમાનામાં ગંગા નદી અહીંથી વહેતી હતી. લોકો માને છે કે આ કુંડમાં નહાવાથી પવિત્ર ગંગામાં નહાવા જેટલું જ પુણ્ય મળે છે. 


તરણેતરથી સાવ નજીકમાં સુરેન્દ્રનગર આવેલું છે, જે ૫૯ કિલોમીટર દૂર છે, રાજકોટ ૭૫ કિલોમીટર અને જામનગર ૧૬૨ કિલોમીટર દૂર થાય છે. અહીંથી કચ્છમાં જવાનું આયોજન પણ સહેલાઇથી કરી શકાય એમ છે.Categories: ,

Leave a Reply