સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઈ ગઈ,


બિસ્તર કેરી ચાદર જાણે, બાળવિહોણી થઈ ગઈ;


શાંત ઊભેલા પડદાને હું મારા ફરતે વીંટું છું,


ખોવાયેલાં વર્ષોને હું મારા ઘરમાં શોધું છું.

આખો'દિ ઘર આખાને બસ માથે લઇને ફરતો'તો,


વસ્તુ ઘરની ઊલટી-સીધી, અમથી-અમથી કરતો'તો,


પેન લખોટી ચોકના ટુકડા, ખિસ્સામાંહે ભરતો'તો,


જૂના પત્તાં રેલટિકિટને મમતાથી સંઘરતો'તો;


લાદી ઉપર સૂતો તોયે આંખો મારી ઢળતી'તી,


મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી'તી.

ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયાં મેં કીધાં'તાં,


મારા કપડાં મારા હાથે ભીંજવી મેં તો દીધાં'તાં;


સાગર કેરા ખારાં પાણી કૈંક વખત મેં પીધાં'તાં,


કોણે આવા સુંદર દિવસો બચપણમાંહે દીઠા'તાં.

કયાં ખોવાયું બચપણ મારું? કયાંકથી શોધી લાવો,


મીઠાં મીઠાં સપનાંઓની દુનિયા પાછી લાવો;


મોટર બંગલા લઇ લો મારા, લઇ લો વૈભવ પાછો,


પેન લખોટી ચોકના ટુકડાં, મુજને પાછા આપો.

સૂના પડ્યા છે ઘરના ખૂણા, શાંત ઊભા છે દ્વારના પડદા;


બંધ પડ્યા છે મેજના ખાના, રોઇ રહ્યાં છે સઘળા રમકડાં.

- કૈલાશ પંડીત

posted by :- PRASHANT SHAH on GujaratiCategories: ,

Leave a Reply