તને મારી વાતમાં રસ પડતો ન હોય તો પણ તું મારી વાત સાંભળવા માટે થોડોક સમય તો કાઢજે. યાદ છે તને, જ્યારે તું નાનો હતો ત્યારે તું મને તારાં ટેડી બેર વિશે જે વાતો કહેતો તે હું રસપૂર્વક સાંભળતો?

‘મારા વહાલા દીકરા, હું વૃદ્ધ થયો છું ત્યારે આશા રાખું છું કે તું મને સાચી રીતે સમજશે અને મારા પ્રત્યે ધીરજ રાખશે. હવે મારી નજર કમજોર થવા લાગી છે તેથી જો ક્યારેક મારાથી પ્લેટ તૂટી જાય કે હું સૂપ પીતો હોઉં ત્યારે મારાથી ટેબલ પર સૂપ ઢોળાઇ જાય તો તું મારા પર ગુસ્સે થઇને બરાડા પાડજે નહીં.

કોઇ વૃદ્ધ બાપે એના વયસ્ક પુત્રને લખેલો પત્ર ઇન્ટરનેટ પર વાંચ્યો. એક કાલ્પનિક પણ કઠોર વાસ્તવિકતાનો ચિતાર આપતો લાગણીસભર પત્ર વર્તમાન સમયમાં વૃદ્ધોની પરિસ્થિતિ વિશે ઘણું કહી જાય છે. એ પત્ર આ મુજબ છે: ‘મારા વહાલા દીકરા, હું વૃદ્ધ થયો છું ત્યારે આશા રાખું છું કે તું મને સાચી રીતે સમજશે અને મારા પ્રત્યે ધીરજ રાખશે. હવે મારી નજર કમજોર થવા લાગી છે તેથી જો ક્યારેક મારાથી પ્લેટ તૂટી જાય કે હું સૂપ પીતો હોઉં ત્યારે મારાથી ટેબલ પર સૂપ ઢોળાઇ જાય તો તું મારા પર ગુસ્સે થઇને બરાડા પાડજે નહીં. વૃદ્ધ લોકો બહુ જ સંવેદનશીલ બની જાય છે. તેથી જો કોઇ એમની સામે બરાડા પાડે તો એમનું મન બહુ અસહ્ય આત્મગ્લાનિથી ભરાઇ જાય છે.’

‘હું આશા રાખું છું કે હવે હું બહુ ઓછું સાંભળી શકતો હોવાથી તું શું બોલે છે તે હું સાંભળી શકું નહીં તો તું મને બહેરો કહીને ઉતારી પાડશે નહીં. જો હું બરાબર સાંભળી શક્યો ન હોઉં તો તું તારી વાત મને સંભળાય તેમ ફરી ફરીને કહેજે અથવા તે લખીને મને વંચાવજે. મારા દીકરા, હું બહુ જ દિલગીર છું, હું વૃદ્ધ થઇ રહ્યો છું. જ્યારે મારાં ઘૂંટણ સાવ નબળાં પડી જાય અને હું ઊઠી શકું નહીં ત્યારે તું મારા તરફ ધીરજ રાખીને મને ઊઠવા-બેસવામાં મદદ કરજે. તને યાદ છે, જ્યારે તું બહુ નાનો હતો અને તને ચાલતાં આવડતું નહોતું ત્યારે હું તારી સાથે જ રહેતો અને તને ચાલતાં શીખવાડ્યું હતું?’

‘જો હું મારી એકની એક વાત ભાંગેલી રેકર્ડની જેમ વારંવાર બોલ્યા કરું તો પ્લીઝ તું મને સહન કરી લેજે. હું જે બોલું તે તું શાંતિથી સાંભળી લેજે. એકની એક વાત સાંભળીને તું મારી મજાક ઉડાવજે નહીં કે કંટાળજે નહીં. યાદ છે તને જ્યારે તું નાનો હતો અને ફુગ્ગા માટે કજિયા કરતો અને તને જોઇતો હોય તે ફુગ્ગો મળે નહીં ત્યાં સુધી તું તારી એકની એક વાતનું રટણ કર્યા કરતો? પ્લીઝ, મારા શરીરમાંથી આવતી વાસ માટે પણ તું મને ક્ષમા કરજે. 

વૃદ્ધોમાંથી આવે તેવી વાસ મારામાંથી પણ આવે છે. તે માટે તું મને વારંવાર નહાવા જવાની ફરજ પાડજે નહીં. મારું શરીર નબળું પડી ગયું છે અને વૃદ્ધ લોકોને ઠંડી લાગવાથી શરદી જલદી થઇ જાય છે. પ્લીઝ, તને મારા પર ચીતરી ચઢે નહીં તે જોજે. યાદ છે તને, જ્યારે તું નાનો હતો ત્યારે તારે નાહવું ન હોય અને અમે તારી પાછળ દોડતાં રહેતાં?’

‘જો હું ધૂની બની ગયો હોઉં તો પણ તું મને ધીરજપૂર્વક સહન કરી લેજે, કારણ કે ધૂની બની જવું વૃદ્ધો માટે સ્વાભાવિક વાત હોય છે... અને જો તારી પાસે થોડોક પણ ફાજલ સમય હોય તો તું મારી પાસે આવી મારી સાથે વાતો કરજે, ભલે થોડી મિનિટો માટે. હું આખો દિવસ સાવ એકલો હોઉં છું અને વાતો કરી શકું એવી કોઇ વ્યક્તિ મારી પાસે હોતી નથી. 

હું જાણું છું તું તારા કામમાં બહુ જ વ્યસ્ત રહે છે. તેથી થોડોક પણ સમય કાઢવો તારા માટે મુશ્કેલ છે. તને મારી વાતમાં જરા જેટલો પણ રસ પડતો ન હોય તો પણ તું મારી વાત સાંભળવા માટે થોડોક સમય તો કાઢજે જ. યાદ છે તને, જ્યારે તું નાનો હતો ત્યારે તું મને તારાં ટેડી બેર વિશે જે વાતો કહેતો તે હું રસપૂર્વક સાંભળતો?’

‘જ્યારે હું માંદો પડું અને પથારીવશ થઇ જાઉં ત્યારે હું આશા રાખું છું કે, તું ધીરજપૂર્વક મારા અંતિમ સમયે મારી પૂરતી કાળજી લેશે. હું દિલગીર છું કદાચ એવી લાચાર સ્થિતિમાં ક્યારેક મારાથી પથારી ખરાબ થઇ જશે. તું મારી એવી ગંદકી ચલાવી લેજે. આમ પણ હવે હું વધારે સમય કાઢવાનો નથી. હું આશા રાખું છું કે મારી અંતિમ ક્ષણો નજીક આવશે ત્યારે તું મારી પાસે જ હશે. મારો હાથ પકડીને મૃત્યુનો સામનો કરવામાં તું મને મદદ કરશે.’

બીજા એક વૃદ્ધ વિધુરનો એકનો એક દીકરો વર્ષોથી વિદેશમાં રહે છે. એને સમય મળે ત્યારે બે-ત્રણ વર્ષે પિતાને મળવા આવી જાય છે. પિતાએ એકવાર દીકરાને કહ્યું હતું: ‘તું આ રીતે વચ્ચેવચ્ચે મને મળવા આવી જાય છે તે સારું છે, પરંતુ એનાથી મને ખાસ ફરક પડતો નથી. મને ખબર છે તારી પણ જિંદગી છે અને તું મારા માટે વધારે સમય ફાળવી શકે તેમ નથી. છતાં હું એટલું તો ઇચ્છીશ કે હું મૃત્યુ પામતો હોઉં ત્યારે તું મારી પાસે હોય. હું એકલો મરવા માગતો નથી.’

Categories:

Leave a Reply