========================================================================


હાય પૈસો હાય પૈસો કરતા એ પૈસાની કમાલ છે
જીવનભર દોડતા રહ્યા એતો પૈસાની ધમાલ છે......હાય પૈસો.

અહીંથી લુંટ્યું ત્યાંથી લુંટ્યું ને ભેગું કર્યું છે ધન
ચારે દિશાએથી લુંટ્યું જળ જમીન અને ગગન
દેશની મિલકત લુંટાવી જાણે કે બાપનો માલ છે.......હાય પૈસો.

સાહિત્યની સેવા કરવા નીકળ્યા છે કૈક જન જન
સેવા કરતા કરતા મેવા મળ્યા મીઠું મળ્યું ધન
સેવાની તો એસી તેસી ફક્ત પૈસાનો સવાલ છે......હાય પૈસો.

લક્ષ્મી સાથે પધારે નારાયણ તો રહે સનાતન
ક્યાંક મંદીરમાં લક્ષ્મી એકલા કયાંક જ ભગવન
જુઓ આજે મંદિરો ને મહંતો કેવા માલામાલ છે.....હાય પૈસો

હાટડીયો ખોલી છે શિક્ષણ કેરી ભરીને મન મન
ફીનો ના પાર પુસ્તક વેપાર ને લેવાય ડોનેશન
શિક્ષણના નામે મીડું વાળી શિક્ષણના બેહાલ છે......હાય પૈસો

મા બાપને વંશવેલો વ્હાલો દીકરાને કહેતા સન
બાળપણે પ્રેમથી રમાડી ને ખવડાવી મોધેરું અન્ન
 વૃદ્ધાશ્રમે વળાવીને માબાપના કેવા કર્યા હાલ છે.......હાય પૈસો

"સ્વપ્ન" કહે આજે સાંભળજો ઓ મારા સજ્જન
પૈસાના લોભ લાલચમાં ના લાગે રૂડું પ્રભુ ભજન
ખુદને વિચારી જુઓ કેવા થયા સિકન્દરના હાલ છે......હાય પૈસો

સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

Categories: ,

Leave a Reply