ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ 

‘જરૂર આવીશ’ કહો છો સાચું, મને તો શંકા નથી જરાયે, 

પરંતુ એ તો અટલ નિયમ છે, સમય ન પાછો જનાર આવે. - શયદા 

જિંદગીના અંત પહેલાં માત્ર એક જ વ્યક્તિને મળવાનું હોય તો તમે કોને મળવાનું પસંદ કરશો? અને એ મુલાકાત જો અંતિમ હોય તો તમે શું વાત કરશો? આવો વિચાર આપણે ક્યારેય કરતા નથી, કારણ કે આપણે કોઈ મુલાકાતને અંતિમ માનતા નથી. એટલે જ ઘણી વખત આપણે કેટલીક વાતો અધૂરી છોડી દેતાં હોઈએ છીએ. આવી અધૂરી વાત ઘણી વખત કાયમ અધૂરી જ રહી જાય છે. 

વર્ષો પછી અચાનક કોઈ મળી જાય ત્યારે આપણે એવું બોલીએ છીએ કે દુનિયા કેટલી નાની છે? હા, દુનિયા કદાચ નાની હશે, પણ જિંદગી કેવડી છે એ કોઈને ખબર નથી. આજે તમે જેને મળવાના છો એને પાછા ક્યારે મળશો એની કોઈ ખાતરી છે? રોજ મળતી વ્યક્તિ પણ અચાનક વર્ષો સુધી ગુમ થઈ જાય છે. આજે તમારી પાસે જે વ્યક્તિ છે એ ક્યાં સુધી તમારી નજીક છે? પ્રેમ, દોસ્તી અને સંબંધ ક્યારે કરવટ લે એ કહેવું અઘરું છે. સમય ઘણી વખત સંબંધ સાથે રમત કરી જાય છે અને આવી રમતમાં આપણે મોટાભાગે સમય સામે હારી જતાં હોઈએ છીએ. 

દરેક વખતે માણસ નારાજ થઈને જ દૂર નથી જતો. સમય એવા સંજોગ ઊભા કરે છે કે આપણી પ્રિય વ્યક્તિ આપણાથી દૂર ચાલી જાય. એની રાહમાં પછી વર્ષો વીતી જાય છે. એ આવશે અને જિંદગી પાછી સજીવન થઈ જશે એવી આશામાં માણસ જીવે છે. વિરહ જેટલો તીવ્ર હોય છે એટલું જ મિલન ઉત્કટ હોય છે. કોઈને હગ કરીએ ત્યારે એવું લાગે જાણે બધું જ મળી ગયું. જિંદગીમાં એક ક્ષણ એવી પણ આવતી હોય છે જ્યારે માણસ એવું ફીલ કરે કે બસ હવે જિંદગીનો અંત આવી જાય તોપણ અફસોસ નથી. આ ઘડી કદાચ જિંદગીની શ્રેષ્ઠ ક્ષણ હોય છે. 

જિંદગી છેતરામણી છે એ સાચું, જિંદગીનો અંત ઓચિંતો જ આવી જાય છે એ પણ સાચું, છતાં એક વાત એ પણ સાચી છે કે આપણે ઇચ્છીએ ત્યારે જિંદગીનો અંત આવતો નથી. તમે વિચાર કરો કે આ ક્ષણ મારી જિંદગીની અંતિમ ક્ષણ હોય તો પણ જિંદગી અટકી જવાની નથી. ધબકતા રહેવું એ જિંદગીનો સ્વભાવ છે. ઘણી વખત માણસ ધીમો પડી જાય છે, જિંદગી નહીં. આપણે કેટલા જીવંત છીએ એ આપણે કોઈને કેવી રીતે મળીએ છીએ તેના પરથી મપાય છે. ઘણી વખત આપણે કોઈને મળીએ ત્યારે એવું કેમ લાગે છે કે એને પહેલી વખત મળ્યા હતા ત્યારે જે મજા આવી હતી એવી મજા આ વખતે ન આવી. તેનું કારણ ઘણી વખત એ હોય છે કે અગાઉ તેનામાં જે જીવંત હતું તે અત્યારે મરી ગયું છે. દરેક માણસની અંદર એક માણસ જીવતો હોય છે, જે ક્યારેક મરી જાય છે, ક્યારેક ડરી જાય છે, ક્યારેક તરસી જાય છે અને ક્યારેક છલકી જાય છે. એટલે જ આપણે બીજી વખત કોઈને મળીએ ત્યારે એ અગાઉ કરતાં જુદી વ્યક્તિ લાગતી હોય છે. કોઈ આપણને મળે ત્યારે આપણે આવું ઘણું વિચારતા હોઈએ છીએ, પણ આપણે કોઈને મળીએ ત્યારે આપણા વિશે કંઈ વિચારીએ છીએ ખરાં? કોઈ તમને મળવા આવે ત્યારે તમે એને કેવી રીતે મળો છો? તમે જીવંત અને ધબકતાં હોવ છો ખરાં? હા, દરેક વખતે મૂડ, સ્થિતિ, સંજોગ અને ઉત્કટતા એકસરખી જ હોય એવું શક્ય નથી. છતાં મળતી વખતે તમે કેવા મૂડમાં મળો છો એ વિશે સભાન હોવ છો ખરાં? યાદ રાખો, તમારી છેલ્લી મુલાકાત અને છેલ્લી વાત જ અંતે તમારી છેલ્લી છાપ અને છેલ્લી ઇમેજ ઘડતી હોય છે. અગાઉ તમે કેટલાં સારા કે કેટલા ખરાબ હતા તેના કરતાં આજે કેવા છો તેના પરથી જ તમે કેટલા સજીવ છો કે કેટલા નિર્જીવ છો, કેટલા સારા છો કે કેટલા ખરાબ છો એ નક્કી થતું હોય છે. 

કોઈને મળીએ પછી આપણને ફરી ફરીને તેને મળવાનું મન થાય છે. એની સાથે મજા આવી, એને પાછું મળવું છે, એવી ઇચ્છા થાય છે. તમે કોઈને મળો ત્યારે તેને તમને મળવાની ફરી ઇચ્છા થાય એ રીતે મળો છો? તમે જો એને છેલ્લી વખત મળતાં હોય તો કેવી રીતે મળો? દરેક મુલાકાત વખતે એવી જ રીતે મળો જાણે છેલ્લી વખત મળતા હોવ, કદાચ પાછા મળીએ તો પણ યાદ રહે કે આ માણસ જિંદગીથી તરબતર છે. 

જિંદગીનું તાત્પર્ય એ છે કે કંઈ અધૂરું ન છોડવું. કોઈ અલ્પવિરામ નહીં, બધા જ પૂર્ણવિરામ. કંઈ જ બાકી નહીં રાખવાનું. પ્રેમ વ્યક્ત કરવો છે તો કહી દો, કોઈનાં વખાણ કરવાં છે તો બોલી દો, કોઈને સાચું કહી દેવું છે તો મનમાં ધરબી ન રાખો, કોઈની માફી માગવી છે તો રાહ ન જુઓ, કોઈનો આભાર માનવો છે તો માની લો, કોઈનું ઋણ ચૂકવવું છે તો ચૂકવી દો, જિંદગીની આ ક્ષણ ભલે છેલ્લી ન હોય પણ છેલ્લી હોય એ રીતે જીવો... પછી જિંદગીની છેલ્લી ક્ષણે કોઈ અફસોસ કે કોઈ અધૂરપ નહીં હોય. 

એક ભાઈ હતા. વર્ષો પછી તેનો મિત્ર તેને મળવા આવતો હતો. મિત્રને કહેવાની અમુક વાતો બાકી હતી. ફ્લાઈટમાં બેસતી વખતે મિત્રે ફોન કર્યો કે બસ થોડા જ કલાકમાં તારી પાસે હોઈશ. મિત્રએ કહ્યું કે મારે તને થોડી વાતો કરવી છે, તેમાં એક-બે વાત ખાસ અને અત્યંત અંગત છે. બરાબર એ જ સમયે ફ્લાઈટમાં મોબાઈલ સ્વિચ ઓફ કરવાનું એનાઉન્સમેન્ટ થયું. મિત્રએ કહ્યું કે ચાલ હવે મોબાઈલ બંધ કરું છું, વધુ રૂબરૂમાં. એ પ્લેન ઊડયું, પછી હવામાં જ ક્રેશ થઈ ગયું. અધૂરી રહી ગયેલી વાત અધૂરી જ રહી ગઈ. અલબત્ત, દરેક વખતે આવું ન થાય, છતાં ગમે ત્યારે આવું થઈ પણ શકે છે. 

તમે છેલ્લે જે વાત કરી હોય છે એ તમારી છેલ્લી ઇમ્પ્રેશન છોડી જાય છે. અંગ્રેજીમાં કહેવત છે કે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તેની સાથે એક વાત એ પણ જોડવા જેવી છે કે લાસ્ટ ઇમ્પ્રેશન ઇઝ ફાઈનલ ઇમ્પ્રેશન. લોકોને તમે છેલ્લે શું વાત કરી કે કેવું વર્તન કર્યું એ જ યાદ રહેવાનું છે. ભવિષ્યમાં એ જ વ્યક્તિ જ્યારે મળે ત્યારે જૂની ઇમ્પ્રેશન સાથે મળવાની છે. આપણે આપણી દરેક મુલાકાત ક્રમશઃ છોડીએ છીએ. 

દરેક માણસ એવું જ ઇચ્છતો હોય છે કે, તેને પોતાના લોકો પ્રેમથી યાદ કરે. જ્યારે કોઈને મળો ત્યારે તમે છલોછલ અને ધબકતાં હોવા જોઈએ. તમને મળીને કોઈને મજા આવવી જોઈએ. આપણી જિંદગીમાં દરેક વ્યક્તિ કદાચ કામની ન હોય, પણ એક વ્યક્તિ અને એક માણસ તરીકે મહત્ત્વની તો હોય જ છે. તમારો હસતો ચહેરો કોઈને તાકાત આપી જતો હોય છે. કોઈને આપણો ભાર ન લાગે એવી રીતે મળવાની મજા જ ઔર છે. કોઈ તમને મળ્યું હોય ત્યારે તમને એમ થયું છે કે મજાનો માણસ છે, જો તમને એવું થયું હોય તો તમે પણ એ વ્યક્તિની જેમ બીજાને મળો. બાય ધ વે, કોને મળવાની તમને મજા આવી હતી? એ વિચાર સાથે થોડું એ પણ વિચારજો કે તમને મળવાની કોને મજા આવે છે? 

છેલ્લો સીન 

હાજરીમાં જે તમારાથી ડરે છે એ ગેરહાજરીમાં તમને ધિક્કારે છે. - કૂલર

Categories:

Leave a Reply