પસિંહ ઠાકોરે મોંઢાની અંદર પાન જમાવ્યું હતું અને હોઠની ઉપર મૂછો જમાવી હતી. ચહેરા ઉપર એક અજબ પ્રકારનો આત્મવિશ્વાસ રમી રહ્યો હતો અને આંખોમાં બેફિકરાઇ.


‘સાહેબ, આ મારી બૈરી છે. દોઢ-બે મહિનાથી થઇ નથી. જરા તપાસી લો ને! સારા સમાચાર તો નથી ને!’ રૂપસિંહે એવી અદામાં આજથી દસ વર્ષે પહેલાં આ વાકયો મને કહેલાં જે અદામાં કોઇ ગ્રાહક ગેરેજવાળાને એનું સ્કૂટર સોંપતી વખતે કહેતો હોય છે. 

મેં ‘ચેક અપ’ કરીને કહ્યું, ‘યસ, શી ઇઝ પ્રેગ્નન્ટ.’ જવાબમાં રૂપસિંહ બહાર ગયા. બાજુમાં આવેલી મીઠાઇની દુકાનમાંથી પેંડા લઇ આવ્યા, ‘લો, સાહેબ, મોંઢું મીઠું કરો!’


મેં પેંડાનો ટુકડો મોંમાં મૂકીને પાયાનો પ્રશ્ન પૂછી નાખ્યો, ‘રૂપસિંહ, એક વાતનો જવાબ આપશો? પેંડા જ શા માટે લઇ આવ્યા? જલેબી શા માટે નહીં?’ 

રૂપસિંહના ઉત્તરમાં મગરૂરી પણ હતી અને બેફિકરાઇ પણ, ‘જલેબી તો દીકરીવાળા ખવડાવે, સાહેબ! આ રૂપસિંહના વંશમાં તો દીકરો જ જન્મવાનો છે.’


‘આટલો બધો વિશ્વાસ?’ મેં પૂછ્યું. જવાબમાં રૂપસિંહનો જમણો હાથ મૂછ ઉપર ગયો, ‘સાહેબ, આ વિશ્વાસના મૂળમાં અપેક્ષા નથી, પણ અનુભવ છે. અમારા કુટુંબમાં છેલ્લી સાત-સાત પેઢીથી એક પણ દીકરી અવતરી નથી. બધા દીકરાઓ જ જન્મ્યા છે. મારી રતનની કૂખે પણ દીકરો જ જન્મશે. લખી રાખો!’ 

બંને ગયાં. હું વિચારમાં પડી ગયો. આવું કેમ બની શકે? મારી જાણમાં એવા કેટલાંક પરિવારો અવશ્ય છે જયાં સાત-સાત દીકરાઓ જન્મ્યા હોય. એક જ માનાં પેટે સાત દીકરીઓ અવતરી હોય એવા કિસ્સાઓ તો મેં અસંખ્ય જોયેલાં છે. હું એને માત્ર યોગાનુયોગ જ માનું છું. પણ આ તો એક જ દંપતીની ઘટના થઇ ગણાય. 

એક જ ખાનદાનની સાત અલગ પેઢીઓમાં એક જ ‘જેન્ડર’ના બાળકો જન્મતાં રહે એની પાછળ કોઇ તાર્કિક કે વૈજ્ઞાનિક કારણ હોય એવું સ્વીકારવા માટે હું તૈયાર જ ન હતો.


રતનબાનો ગર્ભ મોટો થતો હતો. મારી આતુરતાનું કદ પણ મોટું થતું હતું. એ સમયે ગર્ભસ્થ શિશુની જાતી પરીક્ષણ ઉપર કાનૂની પ્રતિબંધ હજુ લદાયો ન હતો. ચાર મહિના પૂરા થયા ત્યારે રતન મારી પાસે ‘ચેક અપ’ માટે આવી. સાથે રૂપસિંહ પણ હતા. અને એમના હાથમાં હતો સોનોગ્રાફીનો રિપોર્ટ. 

‘શું છે રિપોર્ટમાં?’ મેં કવરમાંથી કાગળ બહાર કાઢતાં પૂછ્યું.


રૂપસિંહે બે હાથ પહોળા કરીને અંગડાઇ લીધી. પાન ચાવતાં ચાવતાં લાલ રંગનું થૂંક બહાર ઊડાડયું. પછી મસ્તીપૂર્વક હસ્યા, ‘રિપોર્ટમાં તો કુંવર લખાયેલો છે. જો કે આપણે તો વગર સોનોગ્રાફીએ કહી જ આપેલું છે.’


‘તો પછી આ સોનોગ્રાફી શા માટે કરાવી?’ 

‘તમારા માટે, સાહેબ! તમને શંકા ન રહેવી જોઇએ કે રૂપસિંહ ખાલી અમથો બડાશ મારતો હતો. જોયું ને સાહેબ! હવે તો ખાતરી થઇ ગઇ ને! આ તો બાપુનું બીજ કે’વાય! એમાં દીકરી માટે સ્થાન જ ન હોય.’ રૂપસિંહ એમની રતનકુંવર અને કુંવર બંનેને લઇને ચાલ્યા ગયા. હું અંદરખાને તો ખૂબ ધૂંધવાઇ ઊઠયો, પણ હકીકત મારા તર્કના સામેના પાટલે બિરાજમાન હતી, ના છુટકે હું ગમ ખાઇ ગયો. 

પૂરા મહિને સુવાવડ થઇ. રતનબાએ દીકરો જણ્યો. રૂપસિંહને આ સમાચાર આપવા માટે જયારે હું લેબર રૂમમાંથી બહાર આવ્યો, ત્યારે એમનો હાથ મૂછ ઉપર હતો અને એમનું હાસ્ય આખા દેહ ઉપર પ્રસરી ગયું હતું.


એ પછી ત્રણ વર્ષ બાદ રતનબા ફરીથી દેખાયાં. સાથે રૂપસિંહને બદલે એમની નાની બહેન એટલે કે દર્દીની નણંદબા હતી. મેં ચેક અપ કરીને સમાચાર પીરસ્યા, ‘રતનબા, વધામણી છે! તમે ફરીથી મા બનવાનાં છો. આ વખતે જો દીકરી આવે તો તમારો પરિવાર સમતોલ બની જાય. એક દીકરો, એક દીકરી. અમે બે, અમારાં બે.’ 

રતનબા હસી પડયાં. એમની નણંદે તરત જ સેલફોનના આંકડાઓ ઉપર આંગળાઓની કરામત શરૂ કરી દીધી. સામેથી કોઇએ કોલ રીસીવ કર્યો. છોકરી બોલી પડી, ‘ભાઇ ડોકટર સાહેબને ફોન આપું છું. લો, વાત કરો!’


હવે ફોનમાં રૂપસિંહ હતા અને એમનો આત્મવિશ્વાસ હતો, ‘ડોકટર સાહેબ! અત્યારથી જ અભિનંદન, આપી દો! બીજી વાર પણ દીકરો જ જન્મવાનો છે. આ તો બાપુનું બીજ…’ 

‘રૂપસિંહભાઇ, ઇશ્વરે પ્રત્યેક પુરુષમાં ‘એકસ’ અને ‘વાય’ શુક્રાણુઓ મૂકેલા જ હોય છે. આવનારું બાળક પુત્ર હશે કે પુત્રી એ આપણે નક્કી નથી કરી શકતા, કુદરત નક્કી કરે છે.’


‘એમાં આપણે કયાં ના પાડીએ છીએ! હું તો માત્ર એટલું જ કહું છું કે કુદરતે આ વખતે પણ પુત્ર જન્મ માટેનો જ શુક્રાણુ પસંદ કર્યો છે. તમને વિશ્વાસ ન પડતો હોય તો આપણે આ વખતે પણ સોનોગ્રાફી કરાવી લઇએ.’ 

મેં ન હા પાડી, ન વિરોધ કર્યો. પણ બીજે દિવસે રૂપસિંહ સોનોગ્રાફીના રિપોર્ટ સાથે મારી સામે ઊભા હતા, ‘લો, સાહેબ! મારી રતનકુંવરની કૂખમાં બીજો કુંવર પાંગરી રહ્યો છે.’ ખરેખર પૂરા મહિને જયારે પ્રસૂતિ થઇ ત્યારે બાબો જ જન્મ્યો. ‘સોનોગ્રાફીનો રિપોર્ટ સાચો પડયો એના કરતાં પણ વધારે સાચો રૂપસિંહનો વર્તારો પડયો હતો. 

આ ઘટનાને પણ ચાર વર્ષ થઇ ગયા. હમણાં બે-ત્રણ વર્ષ પહેલાં ફરી પાછા રૂપસિંહ અને રતન ઝબકયાં. મેં તપાસ કરીને કહ્યું, ‘સારા સમાચર તો જાણે કે છે જ, પણ… આ વખતે કંઇક ગરબડ જેવું લાગે છે.’


‘ગરબડનો સવાલ જ નથી, સાહેબ, આ વખતે પણ દીકરો જ હશે. આ તો બાપુનું બીજ!’


‘એની હું કયાં ના પાડું છું, પણ આ વખતે બીજની સંખ્યા એક કરતાં વધારે હોય એવું લાગે છે. કદાચ ગર્ભાશયમાં એક સાથે બે ગર્ભ વિકસતા હોય એવું બની શકે.’ 

‘તો બે દીકરાઓ હશે. ખાતરી કરવી હોય તો સોનોગ્રાફી…’


‘ના, ગર્ભની જાતિ જાણવા માટે સોનોગ્રાફી કરવા ઉપર સરકારી પ્રતિબંધ છે. પણ ટ્વીન્સ કે એના કરતાં વધુ ગર્ભસંખ્યા માટે તપાસ કરાવવી પડશે.’ મેં ચિઠ્ઠી લખી આપી. અમદાવાદના સૌથી હોશિયાર સોનોલોજિસ્ટ રિપોર્ટ લખી આપ્યો, ‘ઇટ ઇઝ એ ટ્રીપ્લેટ પ્રેગ્નન્સી! એક નહીં, બે નહીં, પણ ત્રણ-ત્રણ ગર્ભ એક સાથે ઊછરી રહ્યા છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ.’ 

મારી ચિંતાઓ વધી પડી અને રૂપસિંહનો ગર્વાનંદ ત્રેવડાઇ ગયો. ત્રણ-ત્રણ પુત્રો જન્મશે એની આશામાં એણે ફકત નાચવાનું જ બાકી રાખ્યું. મેં ઘણી બધી કાળજી રાખી, ખૂબ સારી દવાઓ આપી, રતને આરામ પણ કર્યો, ત્યારે માંડ ગર્ભાવસ્થા આઠ મહિનાની સહેજ ઉપર સુધી પહોંચી શકી. ત્રણ બાળકો હોવાથી સુવાવડ પ્રિમેચ્યોર થશે એવી મારી અપેક્ષા પહેલેથી જ હતી. થયું પણ એમ જ. 

એક બપોરે રતનકુંવરે ત્રણ બાળકોને જન્મ આપ્યો. એમાં એક દીકરો હતો અને બે દીકરીઓ હતી. જયારે મેં આ સમાચાર જાહેર કર્યા, ત્યારે રૂપસિંહનો મોં ઉપર સહેજ ઝાંખપ ફરી વળી. મારું બોલવાનું હજુ ચાલુ જ હતું, ‘રૂપસિંહ, ત્રણેય બાળકો નબળાં છે. 

સમય કરતાં વહેલા જન્મ્યાં છે. વજન પણ ઓછું છે. એક દીકરી એક કિલોગ્રામ અને આઠસો ગ્રામની છે. બીજી દીકરી દોઢ કિલોની અને દીકરો પણ દોઢ કિલો વજનનો આવ્યો છે. ત્રણેયને કાચની પેટીમાં મૂકવા પડશે. મોટા ભાગે તો બધાં જ બચી જશે.’ 

પણ ‘તીનોં બચ ગયે’ એ માત્ર ફિલ્મમાં સાંભળવા મળતો સંવાદ હોય છે, વાસ્તવિક જિંદગીમાં ફકત દીકરાઓ જ બચે છે, દીકરીઓ નહીં. રૂપસિંહે એકલા છોકરાને ઇન્કયુબેટરમાં મૂકવાની વ્યવસ્થા કરી, દીકરીઓ ત્રણ દિવસમાં ઊડી ગઇ.


‘જોયું ને સાહેબ!’ રતનને રજા આપવાનો દિવસ હતો, ત્યારે રૂપસિંહ મૂછો આમળતો મને મળવા આવ્યો, ‘કુદરતે દીકરીઓ આપી તોયે ટકી નહીં ને! મારા નસીબમાં તો કુંવર જ રહ્યો ને!’ 

‘બસ, રૂપસિંહ, બસ! આ કિસ્મત નથી, પણ કપટ છે. હવે મને બધું સ્પષ્ટ દેખાય છે. પહેલી બે પ્રેગ્નન્સી વખતે પણ જો બેબીનો રિપોર્ટ આવ્યો હોત તો તમે ગર્ભપાત કરાવી નાખ્યો હોત! તમારા વડવાઓએ કદાચ દીકરીઓને દૂધપીતી કરી હશે. તમારી સાત પેઢી નહીં પણ આવનારી એકોતેર પેઢીઓમાં એક પણ દીકરી નહીં જન્મે! અને જો જન્મશે તો જીવશે નહીં!’


(શીર્ષક પંકિત: હિતેન આનંદપરા) 


ડો શરદ ઠાકર


Categories:

Leave a Reply