મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ૬પમાં આઝાદી પર્વની ગુજરાતના સૌ નાગરિકોને અંતઃકરણથી શુભકામના પાઠવતા ગુજરાત દશેય દિશાઓમાં વિકાસની નીતનવી સિધ્‍ધિઓ મેળવે તે માટે સૌનો સાથ-સૌનો વિકાસનો સંકલ્‍પ સાકાર કરવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હતો. 

ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરનારા લોકો જૂઠાણા ફેલાવવાની સ્‍પર્ધામાં ઉતર્યા છે, પરંતુ ગુજરાતીઓએ રાષ્‍ટ્રના કલ્‍યાણ માટે કયારેય પાછી પાની નથી કરી અને ‘‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ''-એ મંત્ર લઇને, આઝાદી માટે પોતાના જીવન ખપાવી દીધાં એ સૌ વીરપુરૂષોને વંદન કરીને તેમના સપના સાકાર કરવાનું આહ્‍્‌વાન મુખ્‍યમંત્રીશ્રીએ આઝાદી દિવસના પ્રજાજોગ સંદેશમાં આપ્‍યું હતું. 

મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતમાં કૃષિવિકાસ, યુવા કૌશલ્‍ય વિકાસ અને નારીશકિતના આર્થિક પ્રવૃતિમાં સશકિતકરણ, ગરીબ કલ્‍યાણ મેળા અને આપણો તાલુકો વાઇબ્રન્‍ટ તાલુકો, જેવી વિશિષ્‍ઠ સાફલ્‍ય સિધ્‍ધિઓની ભૂમિકા આપી જણાવ્‍યું છે કે ગુજરાત એવું એક અપવાદરૂપ રાજ્‍ય છે જયાં ઔદ્યોગિક વિકાસ પણ સતત થયો છે અને સાથે સાથે ખેતી કરવા લાયક જમીનમાં પણ વધારો થયો છે. 

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનો 6પમાં આઝાદી પર્વ નિમિત્તે પ્રજાજોગ સંદેશ અક્ષરશઃ આ પ્રમાણે છેઃ- 

વહાલા નાગરિક ભાઇઓ અને બહેનો. આપને આઝાદી પર્વની ખુબ ખુબ શુભકામનાઓ. આઝાદીનું આ પર્વ આ દેશના અનેક વીરપુરુષો, મહાપુરુષોને યાદ કરવાનું પર્વ છે. શ્રદ્ધાંજલિ આપવાનું પર્વ છે અને એમણે દેશ માટે જે બલિદાન આપ્‍યા, પોતાની જવાની ખપાવી દીધી એવા સૌ મહાપુરુષોને યાદ કરીને એમણે જે સ્‍વપ્‍ન સેવ્‍યાં હતા એ સપના સાકાર થાય તેવા સંકલ્‍પ કરવાનું આ પર્વ છે. 

આપણા સૌની સહિયારી જવાબદારી છે કે, આપણે બધા સાથે મળીને મા ભારતીના કલ્‍યાણને માટે, આ દેશના ગરીબોના કલ્‍યાણને માટે, આ દેશના યુવાનોના સપના સાકાર કરવા માટે યથાશક્‍તિ, પુરેપૂરો પ્રયાસ કરીએ. ગુજરાતની આ ધરતી મહાત્‍મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્‍વવાળી ધરતી અનેક મહાપુરુષોના આશીર્વાદથી પુલકિત થયેલી ધરતી એની સવિશેષ જવાબદારી છે અને તેથી જ આપણો સંકલ્‍પ રહ્યો છે, ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ. ભારત માતાની સેવા કરવાની આનાથી બીજી કોઇ ઉત્તમ પદ્ધતિ ન હોઇ શકે. આપણને જે જવાબદારી સોંપી હોય, જે કામ સોંપ્‍યું હોય એને નિષ્‍ઠાપૂર્વક, પરિશ્રમપૂર્વક પરિપૂર્ણ કરીએ અને જનતા જનાર્દનના સ્‍વપ્‍ના સાકાર કરવા માટે કોઇ કચાશ ન રાખીએ. જેને માથે જે જવાબદારી હોય તે નિભાવવી રહે. 

ગુજરાતની જનતાએ રાષ્‍ટ્રના કલ્‍યાણને માટે ક્‍યાંય પાછીપાની કરી નથી. રાષ્‍ટ્રના વિકાસની યાત્રામાં ગુજરાતે ખુબ મોટું યોગદાન આપ્‍યું છે. આજે હિન્‍દુસ્‍તાનનો કોઇ જિલ્લો એવો નહીં હોય કે જેના નાગરિકો ગુજરાતમાં સુખચેનથી પોતાની જિન્‍દગી ન જીવતા હોય, પોતાના સ્‍વપ્‍ના સાકાર ન કરતા હોય. અમારે માટે ગર્વની બાબત છે કે હિન્‍દુસ્‍તાનના ખૂણે ખૂણેથી લોકો ગુજરાત આવ્‍યા છે. ગુજરાતની ધરતી પર એમના પોતાના પરસેવાથી, એમણે પોતાના પરિવારને સુખી કરવાનો પ્રયાસ કર્યો છે. 

આ દેશ કૃષિ પ્રધાન દેશ છે અને છતાંયે આ દેશમાં ખેડૂતોને આત્‍મહત્‍યા કરવાની નોબત આવે એનાથી વધારે કમનસીબી કોઇ ન હોઇ શકે અને તેથી જ ગુજરાતે ખેતી વિકાસને પ્રાધાન્‍ય આપ્‍યું. દેશનો કૃષિ વિકાસ દર 2 ટકા 3 ટકાની આસપાસ અટવાતો હોય ત્‍યારે, ગુજરાતે આખો દશકો 10 ટકા કરતાં વધારે કૃષિ દર મેળવીને ગુજરાતના ગામડાંને, ગુજરાતના ખેડૂતને સમૃદ્ધ કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે. સામાન્‍ય રીતે ઔદ્યોગિક વિકાસ જ્‍યારે થતો હોય ત્‍યારે ખેતીની જમીનમાં ઘટાડો થાય અને આ સ્‍વાભાવિક બાબત છે. પરંતુ આખા દેશ માટે ગુજરાત એક અપવાદ છે કે અહિંયાં ઔદ્યોગિક વિકાસ પણ થયો છે. સાથે - સાથે ખેતી કરવાલાયક જમીનમાં પણ વૃદ્ધિ થઇ છે. આ નાની સુની સિદ્ધિ નથી. ગુજરાતનો ખેડૂત, ગુજરાતનું ગામડું સમૃદ્ધ થાય એને માટે આપણે પ્રયાસ આદર્યો છે. સમગ્ર દેશમાં એની ચર્ચા છે, દૂનિયામાં ચર્ચા છે અને મારે ગર્વ સાથે કહેવું છે. હમણાં જ તાજેતરમાં ભારતની સુપ્રિમ કોર્ટ, ગુજરાતની જમીન બાબતની જે નીતિઓ છે એના ભરપેટ વખાણ કર્યા. જે લોકો ગુજરાતમાં છાશવારે પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે એવા લોકોને સુપ્રિમ કોર્ટે જ બરાબરની લપડાક મારી છે. એના પરિણામે આપણો સાચી દિશામાં કામ કરવાનો ઉત્‍સાહ વધ્‍યો છે. એક જમાનો હતો કે ગુજરાતના ખેડૂતની જમીન એકરના ભાવે વેચાતી હતી ત્રણ હજાર, પાંચ હજાર, સાત હજારથી વધારે એની જમીનનું કોઇ મૂલ્‍ય ન હતું. આજે ગુજરાતના ખેડૂતની જમીન વાર અને ફૂટના ભાવે અને ખેડૂત જે માંગે તે ભાવે વેચાય એવી વિકાસની સ્‍થિતિ પહોંચી છે. 3 હજાર રૂપિયે પણ જે જમીન નહોતી લેવાતી એના આજે 3 લાખ, પ લાખ, 7 લાખ રૂપિયા બોલાય છે. ખેડૂતની જમીનનું આ મૂલ્‍ય શેના કારણે વધ્‍યું ? જો ઔદ્યોગિક વિકાસ ન થયો હોત, માળખાકીય સુવિધાનો વિકાસ ન થયો હોત તો, ખેડૂતની જમીન પાણીના ભાવે વેચાઇ ગઇ હોત. ખેડૂતને દિકરી પરણાવવી હોય તો વિઘુ-બે વિઘુ જમીન વેચવી પડતી હતી. એ દિવસો ગયા. આજે ખેડૂત પોતે ટર્મસ અને કન્‍ડીશન નક્કી કરે છે અને એનું કારણ સરકારની ગામડા તરફી નીતિઓ, ગરીબ તરફી નીતિઓ, લાંબાગાળના કલ્‍યાણ માટેની નીતિઓ છે જેના કારણે આ શક્‍ય બન્‍યું છે. 

ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરનારાં લોકો જુઠ્ઠાણાં ફેલાવવાની અંદર જાણે સ્‍પર્ધામાં ઉતર્યા છે ત્‍યારે મારે આઝાદી પર્વના પવિત્ર દિવસે મહાપુરૂષોને સ્‍મરણ કરીને કહેવું છે કે, આજ ગુજરાતની ધરતી જ્‍યાં એક દશકામાં દૂધ ઉત્‍પાદનમાં 60 ટકા કરતાં વધારે વધારો થયો છે. આપ વિચાર કરો, જો ગુજરાતના પશુધનને સાચવવાની વ્‍યવસ્‍થા ન થઇ હોત તો આ ડેરીઓ ક્‍યાંથી ફુલીફાલી હોત? દુનિયાના દેશોમાં દૂધ આપણે એક્ષપોર્ટ ક્‍યાંથી કરી શક્‍યા હોત? આ દિવા જેવું સત્‍ય આપણને ઘર આંગણે દેખાય છે. સવાર-સાંજ દૂધના કેન લઇને દોડતી ગાડીઓ જોઇએ ત્‍યારે આપણને ધ્‍યાનમાં આવે છે કે, જૂઠ્ઠાણા ફેલાવનારા કેટલા જૂઠ્ઠા છે. કૃષિ ક્ષેત્રે દૂધ ઉત્‍પાદન હોય, કૃષિ ક્ષેત્રે પાક ઉત્‍પાદન હોય, કૃષિ ક્ષેત્રે પાકની મૂલ્‍ય વૃદ્ધિ હોય, આ બધા જ કામમાં ગુજરાતે આગવી ઓળખ ઉભી કરીછે. 

ગુજરાતનું યુવાધન એ હિન્‍દુસ્‍તાનની આવતીકાલ માટેની શક્‍તિ છે. ભારતના વિકાસની અંદર સૌથી મોટું કોઇ પરિબળ હોય તો તે ભારતની યુવાશક્‍તિ છે. દુનિયાનો સૌથી યુવાન દેશ આપણો છે અને આ યુવાની, એને જો અવસર મળે, એના કૌશલ્‍યની ચિંતા થાય, એના હુન્‍નરની ચિંતા થાય અને એ આયોજન, યોજનાઓ એવી હોય કે જેમાં યુવાશક્‍તિનો ભરપૂર ઉપયોગ થાય તો, આ દેશ સોળે કળાએ ખીલી શકે એવી સ્‍થિતિ છે અને તેથી જ ગુજરાતે યુવાશક્‍તિ પર ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે. હવે સમય બદલાયો છે. યુવાનો પણ આપણે ધારીએ તેના કરતાં જલ્‍દી પરિપકવ થતા હોય છે. જવાબદારીઓનો અહેસાસ કરાવતા હોય છે. એમને વર્ષો સુધી શાળા-કોલેજોના પગથીયાં ચડીને પ્રમાણપત્રો એકઠાં કરવાના હવે શોખ રહ્યા નથી. એને તો પોતાના બાહુબલની અંદર શક્‍તિ જોઇએ છે, સામર્થ્‍ય જોઇએ છે, એને તરવરાટ છે, એને ઇશ્વરે જે શક્‍તિ આપી છે એનો તાત્‍કાલિક ઉપયોગ કરવો છે. પરિવારને કામમાં આવવું છે અને તેથી જ તે ટેકનીકલ શિક્ષણ તરફ વળ્‍યા છે. કૌશલ્‍યવર્ધન તરફ વળ્‍યા છે. પોતાની શક્‍તિના કૌશલ્‍ય દ્વારા વિકાસની અંદર ભાગીદાર બનવા માટે ઉત્‍સાહિત થઇને દોડની અંદર સામેલ થયા છે. આ યુવાનોને ધ્‍યાનમાં રાખીને ગુજરાતે જે યોજનાઓ બનાવી એનું પરિણામ કેવું આવ્‍યું? હિન્‍દુસ્‍તાનમાં ગુજરાતની વસતિ કેટલી ? છ ટકા, માત્ર છ ટકા, છતાંયે રોજગારી આપવામાં ગુજરાત 55 ટકા, 56 ટકા, 60 ટકા સુધી પહોંચે છે. આખો દેશ એક તરફ અને એક તરફ ગુજરાત. ગુજરાતની અંદર સમગ્ર દેશમાં જે રોજગારી અપાય છે એમાંથી 56 ટકા માત્ર ગુજરાતમાં અપાઇ છે એવું ભારત સરકારે જાહેર કર્યું છે. 44 ટકામાં આખુ હિન્‍દુસ્‍તાન. આપ વિચાર તો કરો, જો ગુજરાતમાં વિકાસ થયો ન હોત તો યુવાધનનું ભાગ્‍ય પણ ન ખૂલ્‍યું હોત. 

જ્‍યારે વિદ્યાર્થીઓની અંદર ટેકનીકલ શિક્ષણની રૂચિ ઊભી થઇ છે ત્‍યારે આ સરકારે મહત્‍વાકાંક્ષી નિર્ણયો કર્યા છે. આપણે એવો નિર્ણય કર્યો છે કે, આઠમાં ધોરણ પછી જે લોકો આઇ.ટી.આઇ.માં જાય છે એ બે વર્ષનો કોર્ષ કરે તો તેને ધોરણ-10માંના સમકક્ષ ગણવામાં આવશે. ધોરણ-10મા પછી જે લોકો આઇ.ટી.આઇ.માં જાય છે તે બે વર્ષનો ડિપ્‍લોમાં કરે તો એને ધોરણ-12મા ધોરણની સમકક્ષ ગણવામાં આવશે. જેથી ભવિષ્‍યમાં ધોરણ-10માની આગળ એને ભણવું હોય, 12માંની આગળ એને ભણવું હોય, ટેકનીકલની ઉચ્‍ચ ડીગ્રી પ્રાપ્‍ત કરવી હોય એના માટે દ્વાર ખુલી ગયા છે. ગુજરાતમાં યુવાશક્‍તિના કૌશલ્‍યને માટે વિશાળ આવશ્‍યતા ઊભી થઇ છે. એના માટે યોગ્‍ય વ્‍યવસ્‍થાઓ કરી છે. ચીનની સાથે સ્‍પર્ધા કરવાની સાથે આપણે કૌશલ્‍યવર્ધન તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કર્યુ છે. હિન્‍દુસ્‍તાનના કોઇ એક રાજ્‍યમાં વધુને વધુ કૌશલ્‍યના હુન્‍નર શીખવાડવાના પ્રયાસ થતા હોય તો આજે ગુજરાતની ધરતી પર થઇ રહ્યા છે. કારણ મને મારા યુવાધનની શક્‍તિમાં ભરોસો છે, યુવાનો મારો તમારામાં ભરોસો છે. યુવાનો, મને વિશ્વાસ છે, આપણી ઇશ્વરીય શક્‍તિ અને સરકાર દ્વારા થયેલું આયોજન બન્ને જો ભેગા મળે તો હિન્‍દુસ્‍તાની અંદર ગુજરાત નવી શક્‍તિ બનીને ઉભરે અને ગુજરાત આખા વિશ્વની આખામાં એક નવી શક્‍તિ અને સામર્થ્‍ય બનીને ઉભૂં રહી જાય તેવી મને પુરી શ્રદ્ધા છે. 

આપણે આપણી શક્‍તિના ભરોસે આગળ વધવું છે. ગુજરાતની અંદર વિકાસની યાત્રામાં 50 ટકા નારીશક્‍તિ જો ભાગીદાર બને તો આ વિકાસની યાત્રા કેટલી ઝડપી બને, કેટલી વ્‍યાપક બને અને કેટલી ફળદાયી બને એનો મને પ્રત્‍યક્ષ અનુભવ છે. 

ગુજરાતની નારી શક્‍તિના કૌશલ્‍યને મારે વિકાસમાં જોડવું છે, એને નિર્ણયમાં મારે ભાગીદાર બનાવવી છે. એને મારે આર્થિક પ્રવૃત્તિનો અધિકાર આપવો છે. તેથી જ ગરીબ બહેનોના નાના-નાના સખીમંડળોની જાળ આખા ગુજરાતમાં પાથરી છે. મિશન મંગલમ્‌ એક એવું મીશન હાથમાં લીધું છે કે, જેને કારણે ગુજરાતની ગરીબમાં ગરીબ બહેન જેને ક્‍યારેય વ્‍યાજે પૈસા લેવા ન પડે અને ક્‍યારેક ઓશિયાળા ન થવું પડે, દીકરો માંદો હોય, દીકરીને ભણાવવી હોય, દીકરીના લગ્‍ન કરાવવા હોય, બાળકોની ચિંતા કરવી હોય, તેના હાથમાં પૈસા હાથવગા હોવા જોઇએ. ઓશિયાળી જીંદગી ન જોઇએ અને પરિવારના લોકોને પણ ઓશિયાળી જીંદગી જીવવી ન પડે તેવી ગૌરવપૂર્વક સ્‍થિતિ માટે મારી માતાઓ અને બહેનો માટે આ મિશન મંગલમ્‌ હાથ ધર્યું છે. 

ગુજરાતમાં લાખો સખી મંડળો બન્‍યા છે. બેંકો સાથેના જોડાણ કર્યા છે. રૂપિયા હજાર કરોડ કરતાં વધારે માતબર રકમ આજે આ બહેનોના હાથમાં આવી છે. આ રકમ પાંચ હજાર કરોડ રૂપિયા સુધી લઇ જવાની નેમ છે. 

આપ વિચાર તો કરો, ગરીબ બહેનોના નાના નાના સખીમંડળો પાસે મળીને હજાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફરતી થાય તો, ગુજરાતના ગ્રામીણ જીવનમાં ગરીબના કુટુંબની આર્થિક પ્રવૃત્તિ અંદર કેટલો મોટો વેગ આવશે, કેટલી વૈજ્ઞાનિક ઢબે પ્રગતિ થશે! મને તો પુરો વિશ્વાસ છે કે, ગુજરાતની વિકાસ યાત્રાને ખૂબ મોટી તાકાત આપવાનું કામ આવનારા દશકામાં માતાઓ-બહેનો કરવાની છે અને તેનો પાયો આ સરકારે રચી દીધો છે. આ મજબૂત પાયા પર વિકાસની નવી ઇમારત આપણે ઊભી કરવાના છીએ. 

ગરીબ કલ્‍યાણ મેળા દ્વારા ગુજરાતે ગરીબીની કેટલી ચિંતા કરી, સામે જઇને સરકારની યોજનાના લાભ એમના ઘર સુધી પહોંચાડયો. હજારો કરોડો રૂપિયાના લાભો આપ્‍યા. પહેલીવાર ગરીબીની રેખા નીચે જીવનારા 0 થી 16 આંકના જે ભાઇઓ - બહેનો હતા એમને જમીનના પ્‍લોટ આપવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્‍યું. હિન્‍દુસ્‍તાનની અંદર ક્‍યાંય આ કામ થયું નથી. જે લોકો ઉદ્યોગ ગૃહોના નામે ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માંગે છે એમને મારે ડંકાની ચોંટ પર કહેવું છે કે, હિન્‍દુસ્‍તાનમાં આ એક સરકાર જ એવી છે કે, જેણે 0 થી 16 અંકો નીચે જીવનારા ગરીબો, જેઓ ઘર માટે, જમીનના ટુકડા લેવા માટે હકદાર છે તેવા સૌને ઘરથાળની જમીન આપવાનું કામ આ સરકારે પરિપૂર્ણ કર્યું છે. 60-60 વર્ષોથી જે કામ નહોતા થયા તે કામો પરિપૂર્ણ કરી દીધા છે. 

મને સંતોષ છે અને મને ગર્વ છે. મારી સરકાર ગરીબોના કલ્‍યાણ માટે પ્રતિબદ્ધ છે. ભારત સરકારે ગરીબોના કલ્‍યાણ માટે 20 મુદ્દાની યોજના કાર્યરત કરી છે. એનું દર ત્રણ માસે મૂલ્‍યાંકન થાય છે અને મારે સંતોષ સાથે કહેવું છે કે, ગરીબોના કલ્‍યાણ માટેની યોજનાઓમાં સર્વોત્તમ કામ કરનારી સિદ્ધિ સતત કોઇએ પ્રાપ્‍ત કરી હોય તો તેમાં ગુજરાતનું નામ પ્રથમ આવે છે. 

ગુજરાતમાં ગરીબોને ઓશિયાળા નથી રાખવા, ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા માટે કામ આપવું છે, હિંમત આપવી છે, યોજનાઓ આપવી છે એનો હાથ પકડીને એને બહાર લાવવા છે અને એના માટેનું અમે આયોજન કર્યું છે અને તેથી જ ગુજરાતે વિકાસનો જે મંત્ર લીધો છે તે મંત્રનો અર્થ શું છે? અમે કહીએ છીએ, સૌનો સાથ....સૌનો વિકાસ તેથી આઝાદીના આટલા વર્ષ પછી વહીવટી માળખામાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઇ. તો પ્રાંત કચેરીઓ ડબલ કરી નાંખી. જેથી કરીને સામાન્‍ય માનવીને પોતાના ઘર આંગણે વધુ સુવિધા મળે. તાલુકા સરકાર, આપણો તાલુકો, વાયબ્રન્‍ટ તાલુકો, એક એવું અભિયાન ઉપાડયું છે. સાચા અર્થમાં સત્તાનું વિકેન્‍દ્રીકરણ કેવી રીતે થાય, નાનામાં નાનો માનવી પણ સત્તાની અંદર ભાગીદાર કેવી રીતે બને, આયોજનની અંદર નાનામાં નાના આદમીની વાત કેવી રીતે સંભળાય એનું એક અદ્‌ભૂત કામ ગુજરાતે ઉપાડયું છે. 

આપણો તાલુકો, વાયબ્રન્‍ટ તાલુકો-આ પ્રોજેકટ આવનારા દિવસોમાં સફળતા પ્રાપ્‍ત કરશે તેવી મારી પુરી શ્રદ્ધા છે. એના કામને વેગ આપવા માટે, હમણાં ચલો તાલુકેનું અભિયાન ચાલી રહ્યું છે. આખી રાજ્‍ય સરકાર તાલુકે, તાલુકે જઇને, સરપંચો સાથે બેસીને વિકાસનું આયોજન કરી રહી છે. હિન્‍દુસ્‍તાનમાં વિકેન્‍દ્રીકરણની વાતો વર્ષોથી થતી આવી છે. પણ વિકેન્‍દ્રીકરણ કરવા માટેનો રસ્‍તો કોઇને સુઝતો ન હતો. આપણો તાલુકો, વાયબ્રન્‍ટ તાલુકો, ચલો તાલુકે અને ગરીબ કલ્‍યાણ મેળા આ એવા નવતર પ્રયોગો છે કે જેના કારણે તાલુકા તાલુકા વચ્‍ચે વિકાસની સ્‍પર્ધા થવાની છે. એક તાલુકો બીજા તાલુકા કરતા આગળ નીકળે, એક તાલુકો ઇચ્‍છે કે મારી તાલુકાની પ્રજાને આ રીતે સુખી કરવી છે. બીજો તાલુકો વિચાર કરશે કે મારે તેના કરતાં પણ વધારે સુખી કરવાની છે. એક તાલુકો વિચાર કરે કે મારે મારા ગામડાંઓને આટલી સુવિધા આપવી છે તો બીજો તાલુકો વિચાર કરશે કે ના, એના કરતાં મારે વધારે આપવી છે. તાલુકે તાલુકે આવી તંદુરસ્‍ત સ્‍પર્ધા ઊભી કરવી છે. અત્‍યાર સુધી રાજ્‍યની રચના અને ગતિવિધિ જિલ્લાઓ આધારિત હતી. હવે મારે તાલુકાઓ આધારિત કરવી છે. 25-26 જિલ્લાઓના ઉપર ઉભેલું રાજ્‍ય હવે 225 તાલુકાઓના પિલર પર ઉભું રહેશે. આપ વિચાર કરો, 225 તાલુકાઓના આધાર સ્‍થંભી આ તાકાત કેટલી મોટી હશે? મારી શ્રદ્ધા છે-તાલુકાની ટીમમાં, મારી શ્રદ્ધા છે.-તાલુકાના નેતૃત્‍વની અંદર, મારો ભરોસો છે-તાલુકાની સામર્થ્‍યવાન શક્‍તિ ઉપર, આ ભરોસાના આધારે ગુજરાતને નવી ઉચાઈઓ પર લઇ જવાનું અભિયાન ઉપાડયું છે. અને આપ જોં જોં, જોત જોતામાં ગુજરાત દશેય દિશાઓમાં વિકાસની નવી સિદ્ધિઓ પ્રાપ્‍ત કરવા માટે આગળ ધપશે. 

આઝાદીના આ 65માં પર્વે મહાપુરૂષોનું સ્‍મરણ કરી રહ્યા છીએ ત્‍યારે સંકલ્‍પ પણ કરવો જોઇએ. હવે આપણે અટકવું નથી. આપણે આ વિકાસયાત્રાને વધુને વધુ વેગ આપતા જ રહેવું છે. પ્રત્‍યેક ક્ષેત્રમાં વિકાસ કરવો છે. શિક્ષણ હોય, આરોગ્‍ય હોય, રમતગમત હોય, યુવાનો હોય, માતાઓ, બહેનો હોય, ખેડૂત હોય, શહેરી-ગરીબો હોય, ગામડું હોય, શહેર હોય, દરેક આદિવાસી ભાઇ હોય, કે મારો સાગરખેડુ ભાઇ હોય, મારે સૌનો વિકાસ કરવો છે. આ વિકાસની યાત્રામાં આવો, આપણે સાથે મળીને આગળ વધીએ. 

એક જ મંત્ર. સૌનો સાથ, સૌનો વિકાસ. એક વાર ગુજરાત વધુ વિકાસ કરશે તો દેશ વિકાસ પામશે. અને ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ એ જ મંત્ર. 

આ પાવન પર્વે આવો, દેશના સ્‍વાતંત્ર્ય વીરોને પ્રણામ કરીએ. દેશ માટે જીવન આપનારાઓનું પણ મહત્‍વ છે. દેશ માટે જીવી જનારાઓનું પણ મહત્‍વ છે. આપણા માટે સૌ આદરણીય અને - શ્રધ્‍ધેય છે જેમણે પણ બીજાના કલ્‍યાણ માટે કંઇ પણ કર્યું છે એવા સૌને, હું નમન કરૂ઼ છું. સૌ આઝાદીના વીરોને નમન કરૂ઼ં છું. 

જય જય ગરવી ગુજરાત... 

ભારત માતા કી જય... 

ભારત માતા કી જય... 

વન્‍દે માતરમ્‌ 

વન્‍દે માતરમ્‌


Categories:

Leave a Reply