જેના નામમાં જ ‘જીત’ હતી એ પાર્ટનર અને પત્ની બનેલી પ્રેયસી સામે હારી ગયો..!!

અચાનક જ જાણે એના અંગોમાં ચેતન આવી ગયું... એની થીજી ગયેલી નસોમાંથી જાણે વીજળીનો તેજલિસોટો પસાર થઇ ગયો હોય એમ વર્ષોથી અક્કડ થઇ ગયેલા પગમાં જોરદાર આંચકો લાગ્યો... એણે વ્હીલચેરની દિશા બદલી અને ઝડપભેર પૈડું ફેરવતો એ ટીવી સુધી લગભગ ધસી જ ગયો. એણે ટીવીનું વોલ્યુમ વધાર્યું. બિઝનેસને લગતી ચેનલ પર એ જેમ-જેમ સમાચાર જોતો-સાંભળતો ગયો તેમ-તેમ તેના ચહેરા પરના ભાવ બદલાવા માંડ્યા... ટીવી પર એક જાણીતી કંપનીની મહિલા એમ.ડી.નો ઇન્ટર્વ્યૂ ચાલી રહ્યો હતો.

ગઇ કાલે, એ પોતે પણ એક અત્યંત સફળ બિઝનેસમેન હતો. અને, એ પણ માત્ર ૩૫-૩૭ વર્ષની ઉંમરે...! એમબીએ કરીને એણે જાતમહેનતથી એકઠી કરેલી થોડી મૂડી નાખી નાના પાયે શરૂ કરેલો બિઝનેસ જોત-જોતામાં ફૂલ્યો-ફાલ્યો અને માંડ ૩૦-૩૨ વર્ષની ઉંમરે તો એની ગણના શહેરના સૌથી સફળ યુવા બિઝનેસમેન તરીકે થવા માંડી હતી.

અભિજીત. એના નામમાં જ ‘‘જીત’’ હતી. એણે સ્ટાફ વધારવાની જરૂર ઊભી થઇ એટલે મોટી ઓફિસ લીધી. એ સાથે જ પોતાનો ભાર વહેંચી લે એવી ચપળ-ચબરાક અને ખાસ તો દેખાવડી સેક્રેટરીની એણે નિમણુંક કરી. અમિષા ઇન્ટર્વ્યૂ આપવા આવી ત્યારે પહેલી જ મુલાકાતમાં અભિજીતે એને પસંદ કરી લીધી. અલબત્ત એ જ્યારે ગ્રેજયુએશન કરતો ત્યારે અમિષા એની સાથે જ ભણતી હતી પણ વચ્ચેનાં કેટલાંક વર્ષ એમના વચ્ચે કોઇ સંપર્ક જ નહોતો. જુની મૈત્રી તાજી થઇ અને જીવનનો નવો અધ્યાય શરૂ થયો.
જોત-જોતામાં અમિષાએ અભિજીતની મોટા ભાગની જવાબદારીઓ ઉઠાવી લીધી. અભિજીત હવે બિઝનેસને વિકસાવવાની દિશામાં જ વધુ ધ્યાન આપતો અને જે બિઝનેસ ચાલી રહ્યો હતો એનું સંચાલન અમિષા જ કરતી.

જાણે ગ્રહો અભિજીતને ન્યાલ કરી નાખવા તલપાપડ હોય એમ એ જે પાસા ફેંકતો એમાં એની જીત થતી. એક વેલ-સેટ બિઝનેસ છે તો બીજો નવો બિઝનેસ કેમ ન કરવો ? એવો તુક્કો અભિજીતના મગજમાં આવ્યો અને એણે માર્કેટ ચકાસ્યું. નવા બિઝનેસ અંગેની સંપૂર્ણ માહિતી-અભ્યાસ કરી લઇ એણે નવા સાહસ માટે કમર કસી. પણ, આ વખતે આ નવા બિઝનેસમાં એની સાથે પાર્ટનર તરીકે જોડાયો એનો જીગરજાન મિત્ર અને એમબીએનો સહાધ્યાયી-અમર.

અભિજીત-અમરે ભાગીદારીમાં નવી કંપની શરૂ કરી. નવા બિઝનેસની જાહેરાત થઇ. આ સાહસના શુભારંભે અભિજીતના જીવનમાં એક નવો રોમાંચક વળાંક પણ આવ્યો હતો. કંપનીની લોન્ચિંગ પાર્ટીમાં અભિજીત અને ગઇ કાલ સુધી એની સેક્રેટરીની ભૂમિકા ભજવતી, પણ છેલ્લા કેટલાક વખતથી એની પ્રેયસી બની ચૂકેલી અમિષાના લગ્નની જાહેરાત થઇ.

નવા બિઝનેસમાં ગળાડૂબ થતાં પહેલાં લગ્ન અને હનિમૂનના રોમાંચક દિવસો જીવી લેવાના ગણિત સાથે અભિજીત-અમિષાનાં તુર્ત જ લગ્ન થયાં અને તેઓ હનિમૂન પર ઊપડી ગયા. પાછાં આવીને અભિજીતે અમર સાથે મળી નવા સાહસનું સુકાન સંભાળી લીધંુ. નસીબે આ વખતે પણ યારી આપી. જોત-જોતામાં નવા બિઝનેસે કાઠું કાઢયું. માંડ ચાલીસીએ પહોંચેલો અભિજીત સફળતાના શિખરે ઊભો હતો.

પણ, નિયતિએ કંઇક નવું જ વિચાર્યું હતું. એક દિવસ મોડી રાત્રે અમદાવાદ ખાતેથી એક બિઝનેસ મિટિંગ પતાવી પરત આવી રહેલા અભિજીતની ગાડીને એક્સપ્રેસ હાઇ-વે પર જીવલેણ અકસ્માત થયો. ડ્રાઇવરનું ઘટનાસ્થળે મૃત્યુ થયું અને ગંભીર રીતે ઘવાયેલા અભિજીતને બચાવી લેવાના તમામ પ્રયત્નો ચાલુ થયા. અભિજીત બચી તો ગયો પરંતુ કરોડરજજુમાં થયેલી ગંભીર ઇજાને કારણે એનું અડધંુ અંગ અચેતન થઇ ગયું.

વર્ષો સુધી પથારીવશ રહ્યા બાદ વ્હીલચેરમાં બેસી માંડ-માંડ બંગલામાં જ ફરી શકતા અભિજીતને જોઇ બધાને થતું કે જાણે ગઇકાલ સુધી આકાશમાં મુક્તપણે ઊડતું પંખી આજે પિંજરામાં કેદ થઇ ગયું છે.

અભિજીતની આ બીમારીનો ગેરલાભ અમરે લીધો. જરૂરી સહીઓના બહાને એણે સંયુક્ત બિઝનેસમાંનો અભિજીતનો ભાગ હડપ કરી લીધો અને આખા બિઝનેસનો એકલો માલિક થઇ બેઠો. અભિજીતને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ખૂબ મોડું થઇ ગયું હતું. એણે અમિષાને કાયદાકીય લડત આપવા ‘આપણો’ ભાગ પરત લેવા કાનૂની કાર્યવાહી કરવા સમજાવી પણ કોણ જાણે કેમ અમિષાએ એ દિશામાં કંઇ જ ન કર્યું ! અલબત્ત, અભિજીતની આ બીમારીના થોડા સમય બાદ અમિષાનું એના તરફનું વલણ-વર્તન પણ બદલાયુ હતું એવું અભિજીતને મોડે-મોડે સમજાયુ.

છેલ્લા લગભગ બે વર્ષથી અભિજીત આ વિશાળ બંગલામાં અપંગાવસ્થામાં દિવસભર લગભગ એકલો જ ગંુગળાયા કરે છે. અમિષાને અભિજીતે જ સેટ કરી આપેલો બિઝનેસ ચલાવવામાંથી ફુરસદ નથી મળતી. બિઝનેસ ટુર, મિટિંગના નામે અમિષા અનેકવાર દિવસો સુધી બહારગામ હોય ત્યારે અભિજીત વ્હીલચેરમાં ઘરના વરંડા સુધી આંટો મારી પોતાનો કંટાળો દૂર કરવાનો પ્રયત્ન કરે.

એ સવારે ઊઠે ત્યારે અમિષા ચિઢ્ઢી મૂકીને નીકળી ગઇ હોય. આજે બાઇ નથી આવવાની, રસોઇ થશે નહીં. બજારમાંથી ફોન કરી મગાવી લેજે. ચિઢ્ઢીની સાથે રૂ.૧૦૦/-ની કે રૂ.૫૦૦/-ની એકાદ નોટ પિન મારીને મૂકાઇ હોય !

હા, અભિજીત આર્થિક રીતે પણ સંપૂર્ણપણે અમિષા પર નિર્ભર થઇ ગયો હતો. ઊગીને માંડ દોઢ દાયકા જેટલા ટૂંકા ગાળામાં મધ્યાહ્ને ઝગમગતા સૂર્ય જેવો અભિજીત સમય સાથેની દોડમાં ઠોકર ખાઇને પછડાયો અને આજે ઝંખવાઇને જીવી રહ્યો છે.

બે દિવસથી અમિષા ઘરમાં નથી. એણે બિઝનેસ-મિટિંગ માટે મુંબઇ જાઉ છું એમ કહ્યું હતું. પણ, અત્યારે બંગલામાં એકલા-એકલા કંટાળી રહેલા અભિજીતે ટાઇમપાસ કરવા ટીવી ચાલુ કર્યું અને બિઝનેસ ચેનલ પર એક કંપનીની મહિલા એમ.ડીનો ઇન્ટર્વ્યૂ ચાલતો હતો. એ મહિલા અમિષા હતી અને એ કંપની કે જે અમરે હડપ કરી લીધી હતી !

જેની સામે કાનૂની લડત આપવા અભિજીતે અમિષાને સમજાવ્યા છતાં અમિષા નિષ્ક્રિય રહી એ કંપનીનો ચેરમેન અમર હતો અને એમ.ડી હતી અમિષા! અને અભિજીત છેલ્લાં બે વર્ષથી આ વાત જાણતો નહોતો ! પોતાને એક ઓળખ અને આબરુ અપાવનાર અભિજીતને એના ઋણનો બદલો ચૂકવતી હોય એમ અમિષા એને પોતાના બંગલામાં પોષે છે પણ એનો બિઝનેસ અને સંસાર તો ચાલે છે - અમર સાથે! 

આ સત્યઘટનાનાં ત્રણે પાત્રો અત્યંત જાણીતાં અને પ્રતિષ્ઠિત કુટુંબનાં હોવાથી નામો બદલ્યાં છે. 

Source: Anil Devpurkar, Vadodara 


ટહુકો : તો જેલોકો ના લગ્ન બાકી હોઈ તો તે લોકો ચેત જો ક્યાંક !!!!!!!!!!!!!!!!!!

Categories:

Leave a Reply