દેશ ( વિશેષ સંદર્ભ ગુજરાત ) માં જોવા મળનારું- 15 ( પંદર ) વર્ષ બાદનું એક દ્રશ્ય, ----( ૩ )

ભિખારી: “ભગવાન કે, નામ પે કુછ દે દે !”

એક વ્યકતિ: “લે, મારી એમબીએની ડીગ્રી લઈ જા !”

ભિખારી: અબે, જા ! જા ! તુજે ચાહિયે તો, એ મેરી સીએ કી ડીગ્રી લે જા !”

બાળક – મા-બાપ – શાળા – શિક્ષક – શિક્ષણ અને કારકિર્દી !!!

ઉપરોક્ત મજાક ભર્યા ટાઈટલ સાથે બે લેખો મૂકેલા છે. આજે તે સંદર્ભે આ આખરી અને અંતિમ લેખ મૂકી રહ્યો છું. આશા છે કે અગાઉના બે લેખો માફક આ લેખ પણ આપ સૌને પસંદ આવવા સાથે વિચાર અને મનન કરવા પણ પ્રેરશે !

આ લેખ શરૂ કરતા પહેલાં આજના સાંપ્રત સમયમાં યુવાન દંપતી કાં તો મા-બાપ થવાનું મોડું કરે છે અથવા ટાળે છે. આ માનસિકતા પાછળ બાળકને સાચવનાર-ઉછેરનાર જે સંયુકત પરિવારની સીસ્ટમ ખત્મ થઈ રહી છે તે મુખ્ય ગણી શકાય ! ઉપરાંત બાળકની પળોજણમાં પોતાની સ્વતંત્રતા હણાઈ જવાનો ડર પણ સતાવતો હોય છે. આમ થવું સ્વાભાવિક ગણાય કારણ કે હવે કુટુંબો વિભકત થતા જાય છે પરિણામે જો બાળક આવે તો બંને વ્યક્તિ કામ કરતી હોય બાળક આયાના ભરોસે કે બેબી સીંટીંગં દ્વારા ઉછેરેવાની ફરજ પડે છે. આવા સંજોગો પ્રવર્તમાન હોવા છતાં કેટલીક વાતો બાળકના ઉછેર અને વિકાસ માટે અત્રે રજૂ કરી છે જે કેટલી વ્યવહારુ કે પ્રસ્તુત છે તે આપ વાંચી વિચારી નક્કી કરશો !

સૌ પહેલાં જો આપ બાળકને પ્રેમ કરો છો તો તમે પોતાના વિચારો તેના ઉપર નહિ થોપો. બાળક ઈશ્વરી સ્વરૂપ છે તે સતત યાદ રાખો. બાળકની તુલના અન્ય બાળક સાથે ક્યારે ય ના કરો. બાળકો પ્રમાણિક હોય છે-ગુસ્સે થાય ત્યારે સાચે જ ગુસ્સો કરતા હોય છે અને એજ રીતે તેનું હાસ્ય પણ સુંદર અને સહજ હોય છે. બાળકને તમારી અદલ કોપી બનાવવા કોશિશ ના કરો. તેને પોતાની રીતે ખીલવા દો ! કેટલાક બાળકોને એકાંત પસંદ હોય છે તો તેમને એકાંત માણવા દો ! તેને શક્તિ આપો, સુરક્ષા આપી રક્ષા કરો, સ્વતંત્રતા આપો. બાળક નાજુક હોય છે અસહાય હોય છે આથી તેનો અનાદર ના કરો ! પ્રતિકાર કરવા અસમર્થ હોય છે તેથી તેની અવગણના નહિ કરો !

બાળક ઘર બહાર રમવા ઈચ્છે છે-વરસાદમાં ભીજાંવા-પાણી ભરેલા ખાબોચીયામાં છબ-છબીયા કરવા ગમે છે તે શરદી થઈ જશે તેવા બહાના હેઠળ મનાઈ નહિ ફરમાવશો. વૃક્ષ ઉપર ચડવા ઈચ્છે તો રોકશો નહિ, તેની સાહસ વૃતિને ઉત્તેજો. બાળકને દરેક વિષયોમાં રસ લેતો કરવા તેની જિજ્ઞાસા અને કુતૂહલ વૃતિ ઉત્તેજાય તેવા પ્રયાસો કરો અને જે વિષયમાં વધુ ઉત્સુકતા દર્શાવે તે વિષય તે વધારે શીખે તેવી તકો પૂરી પાડો.

માત્ર આજ્ઞાંકિત જ રહે તેવું ના ઈચ્છો-ક્યારે ક સ્વતંત્ર રીતે વિચારી કંઈક કરવા ધારે તો કરવા દો, દરેક વખતે “ના” નહિ પાડો. બાળક ઓછામાં ઓછી માતૃભાષા ઉપરાંત અન્ય બે ભાષા શીખે તે રીતે પ્રોત્સાહન આપતા રહો.

બાળક કંઈપણ છૂપાવ્યા વગર માતા-પિતાનો ડર રાખ્યા સિવાય ઈમાનદારી પૂર્વક સચ્ચાઈ અને નિષ્ઠાથી પોતાનું હ્ર્દય ખોલે તેવું વાતાવરણ સર્જવું જોઈએ, જેથી “જનરેશન ગેપ”ની સમસ્યા વચ્ચે ના આવે !

એક મહત્ત્વની વાત ક્યારે ય નહિ ભૂલશો કે બાળક/વિદ્યાર્થી વાલી કે શિક્ષકનું સન્માન કરતા ત્યારે જ શીખશે કે જ્યારે વાલી અને શિક્ષક તેનું સન્માન કરતા હોય ! વાલી અને શિક્ષકે પણ પોતાનું જ્ઞાન અને નવું જાણવાની જિજ્ઞાસા-કુતૂહલ જાળવી રાખવું પડશે. નવું નવું જાણવાની-શીખવાની તત્પરતા દાખવવાથી બાળક-વિદ્યાર્થી સાથે ઝ્ડપથી પરિવર્તિત થતા સમય સાથે તાલ તો જ મીલાવી શકાશે અને જુનવાણી હોવાના મ્હેણાં નહિ સાંભળવા પડે !

હવે વાત કરીએ બાળકના શિક્ષણ માટે પસંદ કરવાની શાળા વિષે- આજની શિક્ષણ સંસ્થાઓ ભવ્યાતિભવ્ય ઈમારતો બનાવી લોકોને પ્રભાવિત કરવા લાગી છે અને લોકો પણ શિક્ષણના સ્તરની ઊંડી તપાસ કર્યા સિવાય ઘેલા બની પ્રવેશ મેળવવા લાઈનો લગાવી રહ્યા છે.

જ્યારે શાળા એવી પસંદ કરવી જોઈએ કે જ્યાં શિક્ષણ એવું અપાતું હોય કે દેશ અને સમાજ માટે ઉમદા ઈન્સાનો પેદા કરે ! શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. શીખવે તે શિક્ષણ અને કેળવે તે કેળવણી ! સારી શાળા એને કહેવાય જે વાલીઓની ફરિયાદ સાંભળે-પોતે ફરિયાદ ના કરે ! સારી શાળા એટલે ભવ્ય મકાનો નહિ જ ! સારી શાળા એટલે આકર્ષક બ્રોશર છપાવી, ઈન્ટરનેશનલ સ્કૂલ વગેરે વિશેષણો લગાડી-મરજી મુજબ ઊંચી ફી પડાવે છે તેવી શાળા નહિ જ નહિ !

સારી શાળા એટલે શિક્ષકોને પૂરો પગાર આપતી હોય, મોટી રકમ ઉપર સહી કરાવી ખેરાત કરતી હોય તેમ ઓછી રકમ ચૂકવી ગમે તેવા શિક્ષકોની ભરતી કરી અથવા પાર્ટ ટાઈમ શિક્ષકોથી શિક્ષણ આપતી હોય તે શાળાઓને સારી શાળાઓ ના કહેવાય ! સારી શાળા અને શિક્ષક એ કહેવાય જે વિદ્યાર્થીની ક્ષમતા-વલણ પારખી શકે અને કઈ લાઈન લેવી તે વિષે ચોક્કસ માર્ગ દર્શન-વિદ્યાર્થી ઉપરાંત વાલીઓને પણ આપી શકે !

યાદ રાખો ! કારકિર્દી પસંદગી મુંઝ્વણ ભરી હોય છે ત્યારે મા-બાપ, શિક્ષકો, કહેવાતા શિક્ષણ સલાહકારો વગેરે ઉપરાંત વ્યવસાયિક ધોરણે શાળા-કોલેજો ચલાવનારા-ધંધાર્થીઓ પણ અનેક પ્રલોભનો, બાળકની ક્ષમતા કે વલણને

પ્રાથમિકતા નહિ આપતા કઈ લાઈનમાં વધારે કમાણી છે તે વિષે જ ભાર પૂર્વક જણાવી- ગાડરીયા પ્રવાહમાં સામેલ કરવા મથતા હોય છે. જેવી કે તબીબી, ઈજનેરી,બીબીએ, એમબીએ, ફાર્મસી, કોમ્પ્યુટર ટેકનોલોજી વગેરે !

કેટલાક મા-બાપો તો બાળકના જન્મ સાથે જ પોતાની અંગત આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ લાદવાનું પ્રારંભ કરી દે છે. પરિણામે બાળકનું વલણ કે ક્ષમતાના હોય તો પણ કારકીર્દી પસંદ કરતી વખતે મા-બાપની આકાંક્ષાને ધ્યાનમાં રાખવામાં આવતા બાળક હતાશ નિરાશ થઈ નિષ્ફળતાને વરતું હોય છે અને જે આખરે મા-બાપ સાથે તનાવ ભર્યા સંબંધોમાં પરિણમે છે.

આધુનિક સમયમાં અનેક લાઈનો ઉપલબ્ધ છે. માત્ર તબીબી- ઈજનેરી- બીબીએ કે એમબીએ –ફાર્મસી કે કોમપ્યુટર ટેકનોલોજી સિવાય પણ જેવી કે આઈ એ એસ- આઈ પી એસ-આઈ એફ એસ-માં માત્ર સ્નાતકની ડીગ્રી મેળવી પરીક્ષા આપી શકાય છે. આ સિવાય એડવોકેટ, ટેક્ષ-કન્સલટંટ, ફાઈન-આર્ટસ, ફેશન ડીઝાઈનીંગ, ભાષા-શાસ્ત્ર, વિદેશીભાષાના અનુવાદની કલા, માનસ શાસ્ત્ર, આંકડા શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, પર્યાવરણ અર્થાત એનવીરોન્મેન્ટ, આર્કિયોલોજી, પુરાત્ત્ત્વ વિદ્યા, સાગર સમુદ્ર શાસ્ત્ર અર્થાત મરીન સાંયસ, સ્પેસ ટેકનોલોજી, પેટ્રોલિયમ, જર્નાલિઝમ, એનિમેશન, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી વગેરે જે વળતર તો આપે જ છે પણ સાથે મોભો પણ આપે છે.

બીજી એક વાત આપણાં દેશમાં કોઈપણ કામ હલકું નહિ હોવાની માનસિકતા કેળવવાને પ્રાથમિકતા આપવાની અત્યંત આવશ્યકતા છે. કમનસીબે આપણાં દેશમાં કેટલાક કામો જેવા કે ડ્રાઈવીગ, પ્લમબીંગ, ઈલેક્ટ્રીશયન, સુથારી, લુહારી, કડિયાકામ, કલરકામ, પીઓપીનું વિશિષ્ટ કામ, કુંભાર કામ, લોંડ્રી, સોનીકામ, ઓટો એંજીનીયર કે ઓટો ગેરેજ, હેર-કટીંગ, બ્યુટી-પાર્લર, સંગીત, અભિનય, હોટેલ મેનેજમેંટ, રસોઈ કામ અર્થાત કેટરીંગ, શુભ પ્રસંગોએ સુશોભન-ડેકોરેશન, ખેતીકામ, ઘરકામ, સફાઈ કામ વગેરે હલકા ગણી જો બાળક આવા કોઈ કામ હાથ ઉપર લે તો, કે કારકિર્દી બનાવવાનું વિચારે તો, મા-બાપને સમાજમાં પ્રતિષ્ઠા-પ્રતિભા જોખમાતી લાગે છે જે બિલકુલ ગલત છે આ માનસિકતા બદલવાની અત્યંત જરૂર છે.

આવનારા દિવસોમાં ઉપરોકત કામ કરનારાઓની સખ્ત અછ્ત ઉભી થવાની ભરપૂર સંભાવનાઓ રહેલી છે અને જે ચીજ-વસ્તુઓનો પુરવઠો ઓછો હોય તેના ભાવો આપો આપ ઊંચા જતા હોય છે જે અર્થકારણનો સીધો અને સરળ સિધ્ધાંત છે. માટે કોઈ પણ કામને હલકું ગણતા કે મોભાદાર નહિ હોવાનું લેબલ મારતા પુખ્ત રીતે વિચારવાની સમયની માંગ છે. મારા મતે તો આવનારા દિવસોમાં ઉપરોક્ત દર્શાવેલ કામમાંના કોઈ પણ કામ કરનાર તબીબ-ઈજનેર કે બીબીએ-એમબીએ-એમસીએ કે ટેક્નોક્રેટ કરતા પણ વધારે કમાતા બને તો નવાઈ નહિ !

આજે પણ આવા કારીગરોની અછત વર્તાઈ જ રહી છે ત્યારે જો આ પ્રકારના કારીગરોની વધારે તંગી ઉભી થશે તો વધારે વળતરની તેમજ તેમની શરતો સાથે કામ કરવા તૈયાર થશે તેવી ભરપૂર શકયતા રહેલી છે.

વધુમાં આવા છૂટક રોજમદારીથી કારીગરો ઘર ઘાટી કે ઘર કામ કરવા આવનાર મહિલાઓ/પુરૂષો માટે કેટલીક ભલામણો તેમની નોકરીની સલામતિ અને અન્ય લાભો આપવા માટે યુનો જેવી સંસ્થા પણ દરેક દેશની સરકારને આદેશ આપવા સક્રિય રીતે વિચારી રહી છે. એક અહેવાલ મુજબ આંતર રાષ્ટ્રિય શ્રમ સંગઠનની વિશ્વ સ્તરીય બેઠક મળી હતી. જેમાં ઘરેલુ કામ કરનારાઓને કામદારનો દરજજો આપી તેમની આર્થિક, સામાજિક, અને આરોગ્ય વિષયક સમસ્યાઓ માટે ચિંતા કરી દરેક દેશે આ માટે કાયદો ઘડવા સહમતિ આપી છે અને તેમાં ભારતનો.પણ સમાવેશ થાય છે. અર્થાત આવનારા દિવસોમાં ઘરેલુ કામ કરનારાઓને પણ સમાજે મોભો આપવાની ફરજ પડશે. આવા સંજોગોમાં જે વાસ્તવિક પરિસ્થિતિ પ્રવર્તે છે તે પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને અમેરિકામાં કે જેની જીવન શૈલીની આપણાં લોકો ઉપર જબર જસ્ત અસર વર્તાય છે ત્યાં કોઈ કામને હલકું ગણવામાં આવતું નથી તે બરાબર કામના સંદર્ભમાં સમજી શકાશે ! તમામ પ્રકારના કામને અને કામ કરનારને પ્રતિષ્ઠા અને મોભો મળતો જ હોય છે અને નવાઈની વાત તો એ છે કે આવા કામ કરનાર વધારે કમાણી કરી ઊંચુ જીવન ધોરણ ધરાવે છે.

આ ઉપરાંત આપણાં દેશમાં મા-બાપો અને બાળકોની મૂળભુત માનસિકતા સ્વતંત્ર કારકિર્દી પસંદ કરવા કરતાં નોકરીની શોધ પ્રાથમિકતા ધરાવે છે તે પણ ધ્યાનમાં લેવી મારા મતે ખૂબ જ જરૂરી બને છે.

અંતમા મારા મત મુજબ બાળકને ચાલાકીનું શિક્ષણ નહિ પણ પોતાના સ્વને પ્રગટાવે તેવું શિક્ષણ મળવું જોઈએ !

Posted By :- Arvind Bhai On Gujarati

Categories:

Leave a Reply