01, સપ્ટેમ્બર,2011, ગુરૂવાર, “ ગણેશ ચર્તુથી “ --- >“ વડિલ અભિવાદન દિન ! “

દેશભરનાં મોટા ભાગના યુવાઓંના સક્રિય સાથ-સહયોગ અને અકલ્પનીય અને અદભુત મક્ક્મતા, નિર્ધાર અને સંકલ્પ દ્વારા અન્નાજીના “ ભ્રષ્ટાચાર “ વિરૂધ્ધ જન લોક્પાલની માંગણીને બુલંદી સફળતા અપાવી, કાયદો બનાવવા મજબૂર કરી જે સમગ્ર યુવાઓં માટે ગૌરવ પ્રદ હોવા ઉaપરાંત, આમ આદમીના સહિયારા સાથ, સમર્થન અને સહકાર ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે ! આપ સૌ યુવાઓંને અને દેશની સમગ્ર જનતાને મારાં પણ હાર્દિક અભિનંદન સાથે લાખ લાખ ધન્યવાદ !

આજના આ ઉભા થયેલા દેશભરમાં એક વિશિષ્ટ માહોલને ધ્યાનમાં રાખી કેટલીક વાતો યુવાઓં સાથે શેર કરવાના ઈરાદાથી આ પોસ્ટ લખી રહ્યો છું.

બહુજ નજીકના દિવસોમાં “ ગણેશ “- “ ગણપતિ “ નો તહેવાર આવી રહ્યો છે. આ પહેલાં આપણે “જન્માષ્ટમી “ અર્થાત “ગોવિંદા આલારે “ ઉજવી ચૂકયા છીએ. ત્યારે આ તબક્કે મને દેશભરના યુવાઓંને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે, આપણે સૌ પશ્ચિમની સંસ્કૃતિથી પ્રભાવિત થતા રહીએ છીએ અને અનેક” ડે “ તેમની સાથે ઉજવવા ઝુકી પડીએ છીએ. આ “ ડે “ અર્થાત “મધર્સ ડે”, “ ફાધર્સ ડે”, “ગ્રાંડ-પા/મધર્સ ડે “, “ ફ્રેંડશીપ ડે “ વગેરે નું અનુકરણ કરતા રહીએ છીએ. આપણે સામાન્ય રીતે “ અનુકરણપ્રિય પ્રજા “ તરીકે ઓળખાઈએ છીએ ત્યારે આપણું પોતાનું આગવું વિશિષ્ટ વ્યક્તિત્ત્વ-પ્રતિભા ઉપસાવવા કેમ ઈચ્છા જાગૃત નહિ થતી હોય ? શું આપણે કંઈક અનોખું, સર્વેથી અલગ તરી આવે તેવું કંઈ પણ કરવા સક્ષમ નથી ? આપણે વિશ્વને આપણાં કોઈક એવા તહેવારની ભેટ ના આપી શકીએ કે જે સમગ્ર પરિવારને એક ગાંઠે બાંધતો હોય અને પશ્ચિમના દેશોને પણ આનું અનુકરણ કરવા દોરે/પ્રેરે ?

આપણે વર્ષો વર્ષ અનેક ઉત્સવો પરંપરાગત રીતે ઉજવતા આવ્યા છીએ ત્યારે કોઈ એક ધાર્મિક તહેવારને ધાર્મિક તહેવાર સાથે જ સામાજિક તહેવાર શા માટે ના બનાવી શકાય ? આવો ! યુવાઑં ! આપણે સાથે મળી આત્મમંથન કરીએ અને “ ગણેશ “ અર્થાત “ ગણપતિ “નો તહેવાર ઉજવવાની પાછ્ળ રહેલા તર્કને સમજવા પ્રયાસ કરીએ. આપણે ગણેશને વિવિધ નામ જેવા કે “ સિધ્ધિ વિનાયક “, “વિઘ્ન હર્તા “ દેવ તરીકે પણ ઓળખીએ છીએ.

મારી સાદી અને સરળ સમજ પ્રમાણે “ ગણેશ “ કે “ગણપતિ” એટલે “ગણ” એટલે “ટોળૂં” અને પતિ એટલે “ વડો”. ગણનો વિસ્તૃત/વિશાળ અર્થ કરતા “ પરિવારથી શરૂ કરી વિશ્વ “ કરી શકાય અને જેનું જે તે ઉપર પ્રભુત્વ હોય તે “ પતિ” /વડો તેમ સમજવું રહ્યું. અને જેનો પતિ/વડો મજબૂત, સમર્થ અને શક્તિશાળી સાથે, બુધ્ધિવાન, ચતુર અને ઉદાર પણ હોય, તે જ નાયક બની શકે અને રિધ્ધિ-સિધ્ધિ પ્રાપ્ત કરી શકે પછી તે કુટુંબ, ગામ, શહેર કે રાજ્ય કે દેશ હોઈ શકે છે.

હવે જો ગણેશ કે ગણપતિના સૂક્ષ્મ/સંકુચિત અર્થમાં સ્વીકારી આ દિવસે ગણેશની સાથે જ પરિવારના વડિલનું અભિવાદન ઘેર ઘેર, તમામે તમામ પરિવારમાં યોજાય તેવો સંદેશો વિશ્વમાં શા માટે ના આપી શકાય ?

આ તહેવારને ધાર્મિક અને સામાજિક ના બનાવી શકાય ? એટલું જ નહિ, આપણાં દેશમાં સમગ્ર સમાજ ધર્મ-કોમ, જ્ઞાતિ વગેરેનો ભેદભાવ ભૂલી ઘેર ઘેર ઉપરાંત પોતાના લતા કે વિસ્તારમાં પણ આ તહેવાર યોજાતો રહે, તે રીતે પ્રયોજી શકાય !

આવું સુચન કરનારો હું એક નાનો-નગણ્ય સામાન્ય કક્ષાની વ્યક્તિ હોવાની સભાનતા સાથે આપ સૌ સમક્ષ નમ્ર સુચન કરી રહ્યો છું, તેથી રખે ને આવું સુચન, કોઈ સંપ્રદાયના વડા, સાધુ, સંત, ગુરૂ કે કથાકારનું ના હોય, ફગાવી નહિ દેતા, ગંભીરતાથી વિચારવા મારી હાર્દિક અપીલ છે.

એક વાત યુવાઓં યાદ રહે કે પશ્ચિમના દેશોમાં ઉજવાતા તમામ “ ડે “ માત્ર ઔપચારિક/ઉપલકિયા બની રહે છે. જેમાં મોટા ભાગના લોકો કાર્ડ ( કોઈકના લખેલા શબ્દો સાથે પ્રિંટ થયેલા) કે પુષ્પ ગુચ્છ અને તે પણ કુરીયર દ્વારા પોતાના માતા –પિતા કે દાદા-દાદી વગેરે વડિલોને પાઠવી ઈતીશ્રી મનાવવામાં આવે છે. ભાગ્યે જ એવા લોકો હશે કે જે ખરેખરા અંતરના ઉંડાણમાંથી પ્રગટતા અહોભાવ દ્વારા, રૂબરૂ મળી, લાગણીનું આદાન-પ્રદાન કે પ્રદર્શિત કરતા જોવા મળે છે.

જ્યારે આપણાં ભારતીય સમાજમાં આજે પણ મોટાં ભાગના પરિવારોમાં એક-બીજા પ્રત્યે અંતરના ઉંડાણ ભર્યા ઉષ્માભરી લાગણીના સંબંધો જળવાઈ રહ્યા છે, તે વધુ સુદ્રઢ કરવા અને તેને નવું પરિમાણ આપવા, આવો ! આપણે સૌ સાથે મળી, એક સમગ્ર ભારતીય સમાજને એક આહ્વાન ભર્યો સંદેશ પાઠવીએ કે , આવનારી ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક તહેવાર પૂરતી મર્યાદિત નહિ રહેતા સામાજિક તહેવાર પણ બની રહે ! “ વડીલ અભિવાદન દિન “ તરીકે ઓળખવાનો અને ઓળખાવવાના શ્રીગણેશ કરીએ !

અને ઓહ ! મારા યુવા દોસ્તો, ! આ દિવસે ઘેર ઘેર ગણેશની સાથે જ પોત પોતાના વડિલનું અભિવાદન કરી પોતાનું અસ્તિત્વ, વડિલો વગર સંભવીત નહિ હોવાના સત્યનો સ્વીકાર કરી, તેમના તરફની કૃતજ્ઞતા વ્યકત કરે ! ઉપરાંત આ દિવસ વર્ષો વર્ષ દેશ ભરના તમામ પરિવારોમાં વડિલ અભિવાદન દિન તરીકે ગણેશ સાથે જ મનાવવાની એક નવી પ્રણાલિકા/પરંપરાના મશાલચી બની રહીએ !
યાદ રહે સંયુકત પરિવારોને વિભાજીત કરનારા અનેક પરિબળો સમાજમાં જોવા મળતા હોય છે, તેમ છતાં મત-ભેદ મિટાવી મનનું અને લાગણીનું પુનઃસંધાન કરી આ વડિલ અભિવાદન દિનની નિષ્ઠા પૂર્વક ઉજવણી રચી શકાય તો સંબંધો જોડવાનું ભગીરથ કાર્ય સિધ્ધ થઈ શકશે તેવી મને શ્રધ્ધા છે.

મને વિશ્વાસ છે કે, આપણું આ કદમ વિશ્વભરના દેશ-વિદેશના યુવાઑંમાં વડિલો પ્રત્યેના સંબંધો વધુ ગાઢ અને નિકટના બનાવી માત્ર ઔપચારિક બની ગયા/રહ્યા છે તેને ફરીથી ઉષ્મા ભરી લાગણીના તંતુથી બાંધવા અને દિલો દિલના સંબંધોનું પુનઃસ્થાપન માટેનો સંદેશો બની રહેશે !
આ તહેવાર એક એક ઘેર ગણેશ સાથે જ કઈ રીતે ઉજવી શકાય તે વિષે કેટલાક સુચનો:-

@@@ પરિવારના વડિલને ગણેશની મૂર્તિની બાજુમાં બેસાડી તીલક કરી દીપ પ્રગટાવી સંયુકત આરતી ઉતારી શકાય ! તેમની અભિરૂચી જાણી ભેટ પણ આપી શકાય જેવી કે આધ્યાત્મિક/ધાર્મિક પુસ્તક, વોકીંગ સ્ટીક વગેરે.

@@@ કેટલાક પરિવારોમાં વડિલો-કે માતા-પિતા અલગ વસવાટ કરતા હોય તો આ દિવસે એ જ શહેર કે ગામમાં હોય તો ઘેર નિમંત્રી વંદન કરી કોઈ ઉપર દર્શાવેલ છે તેવી અથવા તેમની અભિરૂચી જાણી તે પ્રમાણે ભેટ કે પુષ્પ ધરી અભિવાદન કરાય !

@@@ વડિલો- કે માતા-પિતા બહાર ગામ રહેતા હોય તો ફોન દ્વારા ‌( અનૂકુળ હોય તો રૂબરૂ જઈ શકાય, તેમને પણ નિમંત્રી શકાય ) ફોટાને તીલક કરી પુષ્પ અર્પી શકાય !

@@@ કેટલાક પરિવારમાં માતા કે પિતા બેમાંથી એક જ હયાત હોય ત્યારે જે હયાત હોય તેની સાથે વિદાય થયેલાની છબી રાખી પુષ્પ અર્પી બંનેનું અભિવાદન કરી શકાય !

@@@ બંને માતા કે પિતા હયાત ના હોય તો જે વ્યક્તિને વડિલ તરીકે માન મોભો આપતા હોઈએ તેમને આપણે ઘેર નિમંત્રી અથવા તેમને ઘેર રૂબરૂ મુલાકાત લઈ કોઈ ભેટ કે પુષ્પ અર્પી અભિવાદન પ્રયોજી શકાય ! તેઓને ભોજન માટે પણ નિમંત્રી શકાય !

કેટલાક સ્થળૉએ પોતાના રહેણાકના લતામાં કે વિસ્તારમાં ગણેશ સ્થાપી લતા/વિસ્તાર વાસીઓ સંયુકત રીતે પણ ગણેશ ઉજવી રહ્યા હોય, તેવા કિસ્સામાં જે તે લતા/વિસ્તારમાં વસતા સૌથી મોટી ઊંમરના વયસ્ક વડિલોનું ગણેશ સ્થાપના માટે પધરાવાય ત્યારે તેની સાથે અથવા અન્ય અનુકૂલ દિવસે તે જ મંડપમાં ગણેશની બાજુમાં બેસાડી પુષ્પ ગુચ્છ અર્પી અભિવાદન યોજી શકાય. આવા વયસ્ક વડિલોનું વર્ષો વર્ષ અભિવાદન કરવા માટે કોઈ નિશ્ચિત ઉંમર વિચારી શકાય જેથી એ ઉંમરે પહોંચતા દરેક વડિલોનું વર્ષો વર્ષ અભિવાદન કરવું શકય બને ! ( વિકલ્પે આવા વિસ્તારના લોકો સાથે મળી કોઈ સર્વ ગ્રાહી નિયમો પણ બનાવી શકે ! )

આ પ્રસંગે વડિલ અને ગણેશજીની સન્મુખ પરિવારના/લતા વાસીઓના પાન-ગુટકા-તમાકુ-ધુમ્રપાન વગેરે વ્યસનો ધરાવતા અને ગમે તે સ્થળે કે ચાલુ વાહને થુકી/પીચકારી મારનારાઓને ગંદકી સબંધી જાણકારી આપી આપણો વિસ્તાર સાફ-સ્વચ્છ બનાવી શહેર ભરમાં એક આદર્શ અને નમુનેદાર વિસ્તાર કાં ના બનાવીએ ? આપણાં સ્વજનોને વ્યસન મૂકવા પ્રેરી શકાય. આ ઉપરાંત ગંદકી કરનારા, પોતાનું આંગણું સાફ કરી જાહેર માર્ગો ઉપર કચરો/એઠ્વાળ ફેંકનારા/ પાણી ઢોળી રાહદારીઓને ચાલવામાં અસુવિધા ઉભી કરનારાઓને પણ સમજાવી શકાય !

જાહેર સ્થળોમાં આ ઉત્સવ મનાવતી વખતે જાહેર માર્ગ ઉપર મંડપ વગેરેનું આયોજન અને રચના એવી સુંદર રીતે કરીએ કે જેથી વાહનો અને રાહદારીઓ વગેરેની સહેલાઈ અને સરળતાથી અવર જવર ચાલુ રહી શકે ! ઉપરાંત માઈકનો વધુ પડતો ઉપયોગ ટાળી સમગ્ર વિસ્તાર માંદા અને વયસ્ક વડિલોને તથા બાળકોના અભ્યાસને ખલેલ ના પહોંચે તેની પણ દરકાર કરવી રહી !

આપણી નિષ્ઠા અને પ્રબળ ઈચ્છા શક્તિ આ ધાર્મિક તહેવારને “ સામાજિક તહેવાર/ઉત્સવ તરીકે દેશ ઉપરાંત વિદેશોમાં પણ ઉજવવા/માણવા માટે વિદેશીઓને પણ આકર્ષી શકે તેવી ભરપૂર શકયતાઓ મને જણાય છે. આવો, મિત્રો ! આપણે સૌ સંકલ્પ બધ્ધ થઈએ, અને આ તહેવારને સામાજિક જાગૃતિ અને તૂટતા જતા સંયુક્ત પરિવારોને બચાવી લેવા એક મશાલચી/ચીનગારી બની રહીએ અને આવનારા દિવસોમાં પ્રેમ-લાગણી અને ઉર્મી ભર્યા ભીના ભીના સંબંધો મજબુત બનતા/બનાવતા રહીએ -ઢીલા પડેલા સંબંધોમાં ફરીને અંતરની લાગણી પ્રગટાવી, મજબુત બનાવી, અરસ પરસ અને એક બીજા સાથે સુખ-દુઃખમાં સહભાગી બનવા ઉષ્મા ભર્યા સંબંધોનું સર્જન કરવા મચી પડીએ !

અંતમાં, આવો મિત્રો ! પશ્ચિમના દેશોને આપણે એક એવા સામાજિક તહેવારની ભેટ આપીએ કે ત્યાં પણ પરિવારની હુંફ-લાગણી અને પરસ્પરની ઉષ્મા સાચા અર્થમાં સમજાય અને આપણો તહેવાર ઉજવવાનું અનુકરણ કરવાની તેઓને પણ લાલચ થાય ! અસ્તુ !

અંતમાં મને કહેતા ખુશી અને આનંદ થાય છે કે અમારાં વિસ્તારના ગૌશાળા-પંચવટી, જામનગરે “ ગણેશ “ યોજનારા આયોજકોએ મારું સુચન વડિલોનું અભિવાદન “ ગણેશ”ની સ્થાપના સમયે જ કરવા સ્વીકાર્યું છે અને આ માટે અમારા વિસ્તારમાં 75 વર્ષ અને ઉપરના તમામ વયસ્ક વડિલોને જાતિ-ધર્મ-કોમ કે જ્ઞાતિના ભેદભાવ વગર સમાવેશ કરી જાહેરમાં માન-સન્માન અને આદર દ્વારા સર્વે તરફ કૃતજ્ઞતા પ્રદર્શિત કરવામાં આવશે ! ઉપરાંત 10 અને 12 ધોરણમાં અભ્યાસ કરતા તમામ બાળકોને તેમની કારકીર્દીને જ્વલંત સફળતા મળે, વડિલોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બને તે માટે શુભેચ્છાઓ પાઠવી શ્રી ગણેશને સમક્ષ પ્રાર્થના કરવામાં આવશે ! વિશેષમાં આ તહેવારના દિવસો દરમિયાન એક રક્ત-દાન શિબિર પણ યોજવામાં આવશે.


મને કહેતાં ગૌરવ થાય છે કે અમારો આ વિસ્તાર “ ગણેશ” ના પર્વને સામાજિક દરજ્જો આપી વડિલોનું અભિવાદન કરનારો માત્ર જામનગર શહેરમાં જ નહિ પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં પ્રથમ બની એક નવા સામાજિક પર્વ ઉજવી પહેલ કરનારો અને અપૂર્વ સંદેશો આપનાર બની રહેશે ! ગણેશનું પર્વ સામાજિક બને તેવી પહેલ કરનારા અમારા વિસ્તારના આયોજકો માટે હું ગૌરવની લાગણી અનુભવતા સાથે સમગ્ર લતા વાસીઓને ધન્યવાદ આપું છું !


આપ વાચક મિત્રોને આ પર્વને સામાજિક પર્વનો દરજ્જો આપવા આપ સર્વેના પરિવાર-સમાજ-રહેણાક વિસ્તાર/લતામાં ઉજવી જોડાવાનું ગમશે તેમ ધારું છું. સંભવ છે કે આ વર્ષે શક્ય ના બને તો આવતા વર્ષથી આપ સર્વેપણ જોડાશો તેવી મને શ્રધ્ધા છે.
આવો ! આપણે સૌ સાથે મળી આ પર્વની વિશ્વ સમાજને ભેટ ધરી નવી ઉંચાઈએ સર કરીએ !

Posted By : Arvidbhai on gujarati

Categories:

Leave a Reply