મિત્રના મોત બાદ ૨૦૦૮ બેચના પીએસઆઇ બનેલા યુવકો આજે પણ મિત્રના ઘરનું ગુજરાન ચલાવે છે
કરાઈમાંથી ટ્રેનિંગ મેળવી પોલીસ સબ ઇન્સપેક્ટર ભૂપેન્દ્ર સરવૈયા અને રમેશ જાદવ વાત કરતાં થોડા ખચકાતા હતા. થોડું ફોર્સ કર્યું એટલે બોલ્યા, ‘અમે કોઈ ઉપકાર નથી કરી રહ્યા, પરંતુ આવું કરી અમે મનુની માતાને અહેસાસ કરાવીએ છીએ કે માડી ભલે તારો એક દીકરો પીએસઆઇ થયો, પરંતુ આજે તારા ૧૭૧ દીકરાઓ ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સપેક્ટર છે.’


કોણ છે મનુ અને કોણ છે તેની વિધવા માતા તે વાત આગળ વધારતાં અન્ય એક પીએસઆઇ રતુ ચૌધરીએ કહ્યું કે, ‘અમારી સાથે કરાઈમાં પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકેની ટ્રેનિંગ લઈ રહેલો મનુ ગરાસિયા જ્યારે પીએસઆઇ તરીકે સિલેકટ થયો ત્યારે લોકોના ઘરનાં કામ કરી તેને ભણાવનાર મનુની વિધવા માતા દલીબહેનની આંખમાં હર્ષનાં આંસુ અટકતાં નહોતાં. થોડા દિવસ બાદ ઉત્તરાયણ પહેલાં ઘરેથી બાઇક પર પરત કરાઈ આવી રહેલા મનુનું અકસ્માતમાં કરુણ મોત થયું ત્યારે પણ વિધવા માતાની આંખમાંથી વહેતાં આંસુ અટકતાં હતાં. ફરક એટલો હતો કે વખતે આંસુ શોકનાં હતાં.’


રતુ ચૌધરીએ કહ્યું કે, ‘મનુના મોત બાદ અમારી બેચના ૧૭૧ ટ્રેઇની પીએસઆઇ યુવકોએ પોકેટમનીમાંથી બચાવેલા પૈસાનો ફાળો એકત્રિત કર્યો, અધિકારી ફઝલ ગાર્ડ અને આર.ટી. રહેવરે પણ થોડી આર્થિક મદદ કરતાં એકત્ર થયેલા R લાખમાંથી મનુની માતાને ગામમાં એક મકાન લઈ આપ્યું અને બાકીના પૈસા બેન્કમાં મૂકી દીધા છે


આજે અમે બધા પીએસઆઇ બની ગયા છીએ, ત્યારે આજે પણ મનુના તમામ મિત્રો પોતાની આવકમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડીસમાન થોડા રૂપિયા મનુની માતાના નામે ખોલાવેલા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવીએ છીએ.’ મનુની કહાની આગળ ચલાવતાં તેના મિત્રોએ જણાવ્યું હતું કે, મૂળ પંચમહાલના કરંબા ગામના વતની વાલજીભાઈ ગરાસિયા કામધંધાની શોધમાં આણંદ પાસેના જીટોડિયા ગામમાં આવીને સ્થાયી થયા હતા, જ્યાં વાલજીભાઈના મોત બાદ માતા દલીબહેને ઘરની જવાબદારી ઉપાડી લીધી. મજુરીકામ તથા લોકોનાં ઘરકામ કરી દલીબહેને મનુને ભણાવ્યો.


પહેલેથી મનુની ઇચ્છા પીએસઆઇ બનવાની હતી, પરંતુ પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં તે સિલેકટ થઈ જતાં આણંદમાં તે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરીએ લાગી ગયો હતો. દરમિયાન પીએસઆઇના ઇન્ટરવ્યૂમાં મનુ સિલેકટ થઈ જતાં તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે મનુ ઉત્તરાયણ પહેલાં ઘરેથી કરાઈ આવતાં અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયો હતો. તે સમયે તો મનુના સાથીદારોએ તેની માતા દલીબહેન અને બહેન શાંતાબહેનને આર્થિક મદદ કરીને પોતાનું ઘર બનાવી આપ્યું હતું.

ભગવાન મનુના મિત્રોનું ભલું કરે : દલીબહેન

મનુનું નામ પડતાં દલીબહેનની આંખ ભરાઈ આવી અને તેમણે અશ્રુભીની આંખે જણાવ્યું કે ભગવાન મનુના મિત્રોનું ભલું કરે. મારા દીકરાના મોત બાદ તેઓ મારા દીકરા બનીને અમારું ઘર ચલાવવા માટે થોડી ઘણી મદદ કરી રહ્યા છે. નહિતર કમાવાવાળો દીકરો તો ભગવાને લઈ લીધો, હવે તો મારાથી પણ કામ થતું નથી અને મનુના મોત બાદ સરકારે પણ કંઈ મદદ નહોતી કરી.


બેચની યાદીના મેગેઝિનમાં મનુનો ફોટો અને તેની માતાનો બેન્ક એકાઉન્ટ નંબર હાલમાં પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા સી.આર. રાણા તથા નિલેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, જ્યારે અમારી ટ્રેનિંગ પૂરી થઈ ત્યારે બેચની યાદગીરી માટે છપાવેલા મેગેઝિનમાં મનુને અમે પીએસઆઇ પાસ ગણીને તેના ફોટા સાથેની શ્રદ્ધાંજલિ છાપી હતી, સાથે સાથે તેની માતાને એસબીઆઇ બેન્કમાં ખોલી આપેલા એકાઉન્ટનો નંબર પણ છાપ્યો હતો, જેથી મેગેઝિન તમામ પોતાની પાસે રાખે અને તેમાં તેમને બેન્ક એકાઉન્ટ નંબર જોવા મળે, જે તેમને એક મિત્રના પરિવારને આપેલું વચન યાદ અપાવે.


Post From :- Dailybhaskar.com

Categories:

Leave a Reply