પવિત્ર તીર્થક્ષેત્ર અને વૈશ્વિક વિરાસત પાવાગઢ-ચાંપાનેરમાં ઉજવાશે ગુજરાતનો ૬રમો વન મહોત્સવ
આવો, “વાવે ગુજરાત”નું જનઅભિયાન ઉપાડીએઃ મુખ્યમંત્રીશ્રી પ્રેરક આહ્‍વાન કરશે

પ્રવકતા મંત્રીશ્રીઓએ પાવાગઢ-ચાંપાનેરના વિરાસત વન નિર્માણ અને વાવે ગુજરાત જનઆંદોલનની ભૂમિકા પ્રસ્તુત કરી

આંતરરાષ્ટ્રીય વન વર્ષ ર૦૧૧ની ઊજવણીમાં ગુજરાતની વિશિષ્ઠ પહેલ

સમગ્ર વનવાસી ક્ષેત્રમાં વૃક્ષારોપણની અનોખી ઉજવણીથી આનંદ-ઉત્સવનો માહોલ

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢની તળેટીમાં ચાંપાનેરની અણમોલ વૈશ્વિક વારસાની ધરતી ઉપર તા.૩૧મી જુલાઇ ર૦૧૧ રવિવારે વિરાસત વનના નિર્માણનો પ્રારંભ કરીને ગુજરાતમાં ૬રમા રાજ્ય વન મહોત્સવનું ઉદ્દધાટન કરશે એમ રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે વનમહોત્સવમાં જનભાગીદારીને પ્રેરિત કરવા અવિરત પ્રયાસ કરી રહેલા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ જ્યંતી ઉજવણીના વર્ષમાં જેમ વાંચે ગુજરાત અભિયાનથી સમગ્ર જનજનમાં પુસ્તક વાંચનનો મહિમા અત્યંત સફળતાપૂર્વક ઉજાગર કર્યો હતો એમ હવે સમગ્ર ગુજરાતભરમાં હરિયાળી વનરાજી ઉભી કરવા છ કરોડ ગુજરાતીઓની જનશકિતને, વૃક્ષારોપણ માટે વાવે ગુજરાતનો મંત્ર સાકાર થાય તેનું આહ્્‍વાન કરવાના છે.

સંયુકત રાષ્ટ્રસંધે ર૦૧૧ના વર્ષને "આંતરરાષ્ટ્રીય વન વર્ષ' તરીકે જાહેર કર્યું છે અને મુખ્યમંત્રીશ્રીએ તો વન મહોત્સવની ઉજવણીને ચીલાચાલુ સરકારી કાર્યક્રમના પરિસરમાંથી સંપૂર્ણ બહાર કાઢીને દર વર્ષે રાજ્યના જૂદા જૂદા મહિમાવંત સ્થળોને પસંદ કરીને, પ્રજાશકિતને સક્રિય જોડવા સાંસ્કૃતિક વનોના નિર્માણની સને ર૦૦૪થી વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિ પ્રેમની તદ્‍ન નવી જ પહેલ કરી છે એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે રાજ્યમાં ગાંધીનગર (ર૦૦૪)માં પૂનિત વન, અંબાજી(ર૦૦પ) માં માંગલ્ય વન, તારંગા તીર્થ (ર૦૦૬)માં તીર્થંકર વન, સોમનાથ(ર૦૦૭)માં હરિહર વન, ચોટીલા (ર૦૦૮)માં ભકિતવન, શામળાજી(ર૦૦૯)માં શ્યામલ વન, પાલીતાણા (ર૦૧૦)માં પાવક વનના સાંસ્કૃતિક વનોનું નિર્માણ જનભાગીદારીથી સફળતાપૂર્વક થયું છે અને હવે પાવાગઢમાં વિરાસત વનના નિર્માણ દ્વારા ""વાવે ગુજરાત''નું જનઅભિયાન સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી હાથ ધરાશે.

વાવે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પ્રેરિત જનઆંદોલનની ભૂમિકા આપતાં તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેંજના સંકટોથી ભયભીત બન્યું છે ત્યારે ગુજરાતમાં પ્રત્યેક નાગરિક વૃક્ષપ્રેમી બને, પ્રકૃતિના પ્રકોપમાંથી બચવાના સરળ રસ્તા તરીકે, વૃક્ષારોપણનો મહિમા આત્મસાત કરે અને સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણનો મહાયજ્ઞ આ ચોમાસામાં શરૂ કરે તો હરિયાળા ગુજરાતનું સપનું સાકાર થયા વગર રહેવાનું નથી.

પ્રવકતા મંત્રીશ્રીઓએ ૬રમા વન મહોત્સવની ઉજવણીની સફળતા માટેની પૂર્વતૈયારીઓની રૂપરેખા આપતાં જણાવ્યું કે મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને રાજ્ય મંત્રીશ્રી કિરીટસિંહજી રાણાના માર્ગદર્શનમાં વન અને પર્યાવરણ વિભાગે ૯.૮૦ કરોડ રોપાઓ તૈયાર કરેલા છે. આ વર્ષે ૪૩૦ કાયમી નર્સરીઓ અને ૪૧૪૦ વિકેન્દ્રીત નર્સરીઓ ઉપરાંત શહેરી વિસ્તારમાં રપ૦ તથા ગ્રામવિસ્તારમાં પ૦૦ નવા કામચલાઉ રોપા વિતરણ કેન્દ્રો શરૂ કર્યા છે. વન મહોત્સવ માત્ર એક દિવસની ઉજવણી નથી પરંતુ છ કરોડ ગુજરાતીઓ વૃક્ષપ્રેમી બનીને વૃક્ષઉછેરના યજ્ઞમાં સક્રિય યોગદાન આપે તેનો અવસર છે એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યના વન મંત્રીશ્રી મંગુભાઇ પટેલ ૬રમાં વનમહોત્સવમાં જનજનને જોડવા માટે મુખ્યમંત્રીશ્રીના વાવે ગુજરાત આહ્્‍વાનની ભૂમિકા માટે વાયુ સંદેશ આપવાના છે. આ વર્ષે ચોમાસા દરમિયાન ૧૩ર૦૦ હેકટર વિસ્તારમાં વૃક્ષારોપણનું આયોજન કર્યું છે અને રાજ્ય સરકારના તમામ વિભાગો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, પંચાયતીરાજ, સામાજિક-સંગઠનો, ખાનગી, ઔઘોગિક, શૈક્ષણિક, કૃષિ અને સહકારી ક્ષેત્રો મળીને સમાજના બધા જ વર્ગો વાવે ગુજરાત અભિયાન ઉપાડીને ગુજરાતમાં આ વર્ષે વૃક્ષારોપણનો નવો જ વિક્રમ સર્જે એવું પથદર્શક વાતાવરણ નિર્માણ કરવાનું છે.

પાવાગઢ-ચાંપાનેરમાં વિરાસત વનના નિર્માણ માટે જેપુરા ચાંપાનેર બાયપાસ નજીક ૬.પ હેકટરમાં ૯૬૬૦ જેટલા વૃક્ષો વિવિધ પ્રકારની ૩૦ થી અધિક વૃક્ષોની જાતોમાં ઉછેરાશે. પાવાગઢ મહાકાલી શકિતપીઠનું તીર્થક્ષેત્ર છે અને કરોડો ભાવિકોની આસ્થાનું યાત્રાધામ છે તેના આધ્યાત્મિક, ઐતિહાસિક, પુરાતત્વીય, પુસ્તકીય અને પરિસરીય પર્યાવરણના અદ્દભૂત સૌન્દર્યનું મહાત્મ્ય ઉજાગર કરવા વિરાસત વનમાં સવિશેષ પ્રબન્ધ કરવામાં આવ્યો છે.

પાવાગઢના વિરાસત વનમાં સાત અભિનવ પ્રકારના વનનું નિર્માણ કરાશે જેમાં આરાધ્ય વન વૃક્ષોનું આધ્યાત્મિક મહત્વ, આરોગ્ય વન-વૃક્ષોનું ઔષધિય મહત્વ, આજિવિકા વન ઃ આર્થિક સંપતિનું મહત્વ, આનંદ વન વૃક્ષરાજીનો મનોરંજન મહિમા, સાંસ્કૃતિક વન-વૃક્ષોનો સાંસ્કૃતિક મહિમા, નિસર્ગવન-પંચમહાભૂતોના પર્યાવરણનો મહિમા અને જૈવિક વન-પાવાગઢ વન ક્ષેત્રની જૈવિક વિવિધતાનો મહિમા ઉજાગર કરાશે.

પંચમહાલના આ વનવાસી ક્ષેત્રમાં વન મહોત્સવનો રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ તા.૩૧મી જૂલાઇ ર૦૧૧ના રવિવારે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થવાના છે તેનાથી સમગ્ર વનવાસી સમાજમાં અત્યંત ઉત્સાહનું વાતાવરણ ઉભૂં થયું છે. વન અને વનરાજીની ગોદમાં ઉછરતા આદિવાસી-વનવાસી સમાજ વૃક્ષનો અને પ્રકૃતિપ્રેમનો મહિમા સમજે છે અને પંચમહાલના પ્રભારી મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા પાવાગઢમાં વિરાસત વનના નિર્માણ થકી ૬રમા વનમહોત્સવની થીમ વાવે ગુજરાતનો મંત્ર ધર-ધરમાં ગૂજતો થાય એ દિશામાં જિલ્લા તંત્રને પણ કર્મયોગીની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.


From:-  નરેન્‍દ્રભાઇ મોદીના ન્યૂઝ બ્લોગ માંથી 

Categories:

Leave a Reply