મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વડોદરામાં ટ્રાફિક વિષયક જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવતા ટ્રાફિક માટેની સંવેદના દરેક નાગરિકોમાં થવી જોઇએ અને ટ્રાફિક નિયમન માનવીની જિંદગીની સુરક્ષા માટે છે, એમ જણાવ્‍યું હતું.

ટ્રાફિકની વધતી જતી સમસ્‍યાના ઉકેલ માટેની જનભાગીદારીની આ પહેલને અભિનંદન આપતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે ટ્રાફિકના નિયમોનું પાલન અનેકની જિંદગી બચાવશે.

વડોદરા સિટી પોલીસના પ્રેરક પ્રયાસોથી કાર્યરત થયેલા ટ્રાફિક અવેરનેસ સેલ દ્વારા પાયાના સ્‍તરે ટ્રાફિક શિસ્‍ત માટેનું પ્રશિક્ષણ બાળકો અને વિદ્યાર્થીઓને મળે તે દિશામાં શાળાઓમાં નાનપણથી ટ્રાફિક માટેના નિયમોના પાલનના સંસ્‍કાર જાગૃત થાય તેવા પુસ્‍તકનું નિર્માણ થયું છે, તેનું વિમોચન આજે મુખ્‍યમંત્રીશ્રીએ કર્યું હતું. અને આ નવતર પ્રયાસને માટે અંતઃકરણથી અભિનંદન આપ્‍યા હતા.

ટ્રાફિકના પાલન માટે લોકશિક્ષણ માટેના સહિયારા પુરુષાર્થની અનિવાર્યતા ઉપર ભાર મૂકતા મુખ્‍યમંત્રીશ્રીએ વિદ્યાર્થી કાળથી જ ટ્રાફિકસેન્‍સ અને શિસ્‍તના સંસ્‍કાર આત્‍મસાત્‌ થવા જોઇએ એમ જણાવ્‍યું હતું. આ અભિયાન નિરંતર પ્રયાસ માંગી લે છે. એમ પણ તેમણે ઉમેર્યું છે.

જેઓ ટ્રાફિકનું ઉલ્લંઘન કરે છે તેની સંતાનો ઉપર કેવી વિપરિત અસર પડતી હશે તે વિચારવાની જરૂર છે, એમશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું હતું.


ટ્રાફિકનું ઉલ્લંઘન એ કોઇ સાહસનું કૃત્‍ય નથી એમ જણાવતા મુખ્‍યમંત્રીશ્રીએ ટ્રાફિકની સમસ્‍યાના ઉકેલ માટે સંસ્‍કારનો સારી ટેવનો સહજ પ્રભાવ પ્રત્‍યેકમાં ઊભો થવો જોઇએ, તેના અનેક પ્રેરક દૃષ્‍ટાંતો આપ્‍યા હતા.
આધુનિક સુવિધાવાળા માર્ગો અને સુખાકારીના ટ્રાફિક નિયમો જિંદગીના સુખને બદલે સંકટોનું પારણું ન બને તેની તકેદારી રાખવી જરૂરી છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

માર્ગ અકસ્‍માતોમાં માનવજિંદગી બચાવવા માટે 108 ઇમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ સેવા લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે. એમ પણ તેમણે જણાવ્‍યું હતું અને અકસ્‍માતના પ્રથમ એક કલાકમાં તત્‍કાળ સેવા મળે તો ઘણી જિંદગી બચી શકે, તે 108 તત્‍કાળ આરોગ્‍ય સેવાએ શ્રેષ્‍ઠત્તમ છે, જે પુરવાર થયું છે. અને દરેક જિલ્લા મથકે હોસ્‍પિટલોમાં ટ્રોમા સેન્‍ટર કાર્યરત થઇ રહયા છે તેવું તેમણે ઉમેર્યું હતું.

વડોદરા પોલીસ કમિશનર અને ટ્રાફિક અવેરનેસ સેલના અધ્‍યક્ષ શ્રી સતીષ શર્માએ જણાવ્‍યું કે, ટ્રાફિક અવેરનેસ સેલના પુસ્‍તકોનો ઉદૃેશ બાળપણથી જ બાળકોમાં ટ્રાફિક સેન્‍સ કેળવાય તે છે. માર્ગ અકસ્‍માતોનું પ્રમાણ ભારત ઘણું વધારે છે. દર કલાકે ભારતમાં 14 અકસ્‍માતો થાય છે. જયારે ઇંગ્‍લેન્‍ડ અને જાપાનામાં નાગરિકોમાં શિસ્‍તના કારણે અકસ્‍માતોનું પ્રમાણ ઓછું છે. આપણે ત્‍યાં પણ વાહનવ્‍યવહારમાં શિસ્‍તની ભાવના કેળવાય તે હેતુસર ટી.એ.સી. એ મહત્‍વના કદમ ઉઠાવ્‍યા છે.


પૂર્વ પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્‍થાનાએ જણાવ્‍યું કે આવા નવતર કાર્યક્રમોમાં મુખ્‍યમંત્રીશ્રીની ઉપસ્‍થિતિ તમામ નાગરિકોને ભારે પ્રેરણાદાયી બની રહેશે. ટ્રાફિક એન્‍જિનિયરિંગ, ટ્રાફિક એન્‍ફોર્સમેન્‍ટ અને ટ્રાફિક એજયુકેશન એ વાહનવ્‍યવહાર જાગૃતિ માટે મહત્‍વના પરિબળો છે.

ટી.એ.સી.ના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી શ્રી નિલેશ શુકલાએ જણાવ્‍યું કે, વડોદરાના 247 શિક્ષકોને ટ્રાફિક અવેરનેસ માટે તાલીમ આપવામાં આવી છે, જેથી દર સપ્તાહે પોતપોતાની શાળામાં તેઓ એક પીરિયડ લઇને વિદ્યાર્થીઓને શિક્ષિત કરી શકે.

ટ્રાફિક અવેરનેસની આ પુસ્‍તિકાઓને ઇ-બુકના રૂપમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પ્રસંગે રાજય પ્રવાસન મંત્રીશ્રી જીતેન્‍દ્ર સુખડિયા, સંસદીય સચિવશ્રી યોગેશ પટેલ,

સાંસદ શ્રી બાળકૃષ્‍ણ શુકલ, ધારાસભ્‍યશ્રી ભૂપેન્‍દ્ર લાખાવાળા, મેયર ડૉ.જયોતિબેન પંડયા, કલેકટરશ્રી વિનોદ રાવ, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી અશ્વિનીકુમાર, એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર શ્રી યોગેશ સીંઘ ઉપસ્‍થિત રહયા હતા.

Categories:

Leave a Reply