આપણાં સમાજમાં મૃત્યુને એક આઘાત આપનારી ગંભીર ઘટના ગણવામાં-ગણાવવામાં આવે છે. જેમના પરિવારમાં મૃત્યુનો પ્રસંગ આવે ત્યારે મોટાભાગના સભ્યો હતઃપ્રભ બની મૂઢ જેવા થઈ જતા હોય છે. અતિ લાગણીશીલતા અને સંવેદનાઓ વ્યક્તિને હૈયાફાટ રડાવે છે અને કરૂણ સીનેરીઓ ઉભો કરે છે.

પહેલાંના સમયમાં, મૃત્યુ બાદ, મરણ પોક મૂકવાનો રિવાજ હતો, જે ખાસ કરીને બાળકોને અત્યંત ભયભીત કરનારો હતો. હવેના સમયમાં મહદઅંશે આ રિવાજ બંધ થયો છે. સંભવ છે કે કોઈક છેવટના ગામડાઓમાં આ રિવાજ હજુ પણ અસ્તિત્વ ધરાવતો હોઈ શકે.

મરણના સમાચાર સાથે જ પરિવારના સભ્યો ઉપરાંત સગાં-વ્હાલા, મિત્રો વગેરે મૃત્યુ પામનારને ઘેર એકઠા થવા લાગે છે. અલબત્ત જૂના સમયમાં મરણવાળા ઘેર પહોંચતા પહેલાં, પોતાના આગમનની જાણ કરવા, આવનાર વ્યક્તિઓ દૂરથી જ મોટે મોટેથી રડવાનો અવાજ કાઢી આવતા હતા. આ રિવાજ પણ મોટે ભાગે જોવા મળતો નથી. આવા રિવાજો આજે અસ્તિત્વમાં નથી જે ખૂબ જ સારી વાત છે. રિવાજ તો એવો પણ હતો કે પરિવારની સ્ત્રીઓ ઘુમટા તાણી, કાળી સાડીઓ ઓઢી, મોટે મોટેથી મરશીયા ગાતી અને મોં વાળતી. આ માટે નિષ્ણાત સ્ત્રીઓની સેવાઓ પણ મળી રહેતી. જે પૈસા લઈ છાતી કુટવા, મરશીયા ગાવા આવતી- આજ વિષય ઉપર “રૂદાલી” નામનું સીનેમા વર્ષો પહેલાં આવેલું જેમાં ડીમ્પલ કાપડીયાએ ( જો હું નામ ના ભૂલતો હોઉં તો ) રૂદાલીનો મેઈન રોલ કરેલો. આજ આ રિવાજ લગભગ નાબુદ થઈ ચૂક્યો છે.

મૃતકને સ્મશાને પહોંચાડવા માટે શબને વાંસની નનામીમાં બાંધી, પગપાળા લઈ જવામાં આવતું તો કેટલીક જ્ઞાતિમાં ડાઘુઓને સ્નાન કરી ભીના વસ્ત્રો સાથે જ, નનામી ઉચકવી ફરજિયાત હતી. પરિણામે ઉચકનારાઓની સંખ્યા અલ્પ પ્રમાણમાં રહેતી, તેથી ઉચકનારાઓના હાથ અને પગ સોજી જતા. આ પ્રથામાં પણ હવે બદલાવ આવ્યો છે અને શબ વાહિની સ્વીકાર્ય બની રહી છે. અગાઉ મૃત દેહના અગ્નિ સંસ્કાર છાણાં-લાકડા દ્વારા જ કરવામાં આવતા અને તેથી લાંબા સમય સુધી સ્મશાનમાં રોકાઈ રહેવું પડતું. સમય પ્રમાણે આ પધ્ધતિમાં પરિવર્તન આવ્યું અને આજે મોટે ભાગે શહેરોમાં વિધ્યુત ભઠ્ઠીઓ આ કાર્ય માટે વપરાવા લાગી છે જે ને કારણે સમય ઉપરાંત લાકડાંનો પણ બચાવ થાય છે. તેમ છતાં હજુ કેટલાક રૂઢિવાદી વૃધ્ધો, પોતાના મૃતદેહને કાંધે ઉપાડી અંતિમક્રિયા માટે લઈ જવાનો અને લાકડાંથી જ અગ્નિદાહ દેવાનો સંતાનો પાસે આગ્રહ સેવતા રહે છે અને સંતાનો પણ વડિલોની આખરી ઈચ્છા પૂરી કરવા કોશિશ કરે છે.

મૃત્યુ બાદ ઉઠમણું/બેસણું કે સાદડી આજે પણ ચુસ્ત રીતે મોટાભાગના લોકો રાખતા હોય છે. તેની પાછળનો તર્ક તો એક જ દિવસે અને સમયે પરિવારના સગા-વહાલાઓ, સંબંધીઓ, સ્નેહીઓ અને મિત્રો શોક વ્યકત કરવા આવી શકે તે જ રહેતો હોય છે. પરંતુ મોટા શહેરોમાં આ રિવાજમાં બદલાવ લાવવો અત્યંત જરૂરી બન્યો છે, કારણ કે એક જ દિવસે અને એક જ સમયે, લાંબા અંતરેથી પહોંચવુ અત્યંત અગવડ્ભર્યું બની રહે છે. કેટલાકને અર્ધો દિવસ કામકાજ બંધ રાખવું પડે તો કેટલાકને અર્ધા અથવા આખા દિવસની રજા લેવી અનિવાર્ય બની રહે છે. તેથી આ રિવાજમાં સુધારાને અવકાશ છે. જે સ્નેહી જન મૃતકના વારસો પાસે શોક પ્રદર્શિત કરવા રૂબરુ આવવા ઈચ્છુક હોય તે તેના અનુકૂળ સમયે મૃત્યુના સપ્તાહ દરમિયાન આવી શકે તેવી પ્રથા શરૂ કરવી રહી. ફોન ઉપર શોક પ્રગટ કરનારને રૂબરુ મળ્યાનો દરજ્જો આપવો જોઈએ. બહારગામથી પરિવારના અંગત સભ્યો અર્થાત લોહીના સંબંધીઓ પુત્ર-પુત્રી વગેરે સીવાયનાને મૃતકના પરિવારે માત્ર શોક પ્રગટ કરવા રૂબરૂ નહિ આવવાની સ્પષ્ટ સુચના પાઠવી દેવાનો ચાલ શરૂ થવો જોઈએ કેટલાક પરિવારોએ આવી પ્રથા શરૂ કર્યાના સમાચાર મળતા રહે છે જે આવકારી સમાજે સર્વ સ્વીકૃત કરાવવાની દીશામાં પ્રયાસો કરવા જોઈએ.

એ વાત સત્ય છે કે મૃત્યુનો પ્રસંગ કોઈ પણ માટે ગંભીર હોય છે. આવા સમયે આપણાં મન અને હ્ર્દયની જાગૃતિ વિશેષ હોવી જોઈએ એ બનંને અવગણી એકાદ રૂઢીગત રિવાજનું પરિવર્તીત થઈ રહેલા સમય અને સંજોગોને લક્ષ્યમાં રાખ્યા વગર, પાલન કરતા રહેવું તે મનુષ્યના હ્ર્દયને અને એની બુધ્ધિને શોભાસ્પદ ન ગણાય. આપણે જે કાંઈ કરીએ તે વિચારપુર્વક અને વિવેક્પુર્વક પરિવર્તન પામતા સમાજને ધ્યાનમાં રાખી કરતા થઈએ.

આ ઉપરાંત મૃતક જો પૂરુષ હોય તો તેની પત્નીને અગાઉના સમયમાં પતિની ચેહ ઉપર જ સતી બનવા/જીવતા અગ્નિને સમર્પિત કરી દેવા ફરજ પાડવામાં આવતી. અલબત્ત આજે આ રિવાજ મહદ અંશે નેસ્તનાબુદ બન્યો છે તેમ છતાં ક્યારેક આવા બનાવો બનતા પણ રહે છે જે તદન બંધ થવા જોઈએ. આ ઉપરાંત સ્ત્રીના વાળ ઉતરાવી મૂંડન કરવામાં આવતું અને ૧૨ માસ સુધી ખૂણો અર્થાત વિધવા સ્ત્રીને એક જ રૂમમાં રહેવા ફરજ પાડવામાં આવતી તથા જમવામાં પણ હવિષ્યાન અર્થાત તેલ/મરચાં વિનાનું બાફેલ જમવું ફરજિયાત હતું સૌભાગ્યના કોઈ ચિન્હો કપાળમાં ચાંદલો-સેથી પુરવાનું કે મંગળ સુત્ર ધારણ કરવાની મનાઈ હતી. રંગીન કે ભપકા દાર વસ્ત્રો કે હાથમાં ચુડીઓ પહેરવાની પણ મનાઈ હતી. મોટે ભાગે સફેદ સાડી ધારણ કરવી પડતી. પરિવારમાં આવતા શુભ પ્રસંગોએ વિધવા સ્ત્રીને દૂર રાખવામાં આવતી તેમ છતાં જો કોઈ વિધવા સ્ત્રી સામે આવી જ જાય તો ભારે અપશુકન ગણવામાં આવતા. આવી કડક આચાર સંહિતા પળાવવામાં સમાજ અત્યંત કઠોર બની રહેતો અને જો ભૂલે ચુકે કોઈ વિધવા આનો ભંગ કરે તો અત્યંત કઠોર અને અમાનવીય રીતે સમાજ વર્તતો.

આજે કેટલાક શહેરો અને પરિવારોમાં આ રૂઢિ ગત રિવાજોને અનુસરવા વિધવાને ફરજ પાડવામાં આવતી નથી .તેમ છતાં આ સુધારો/પરિવર્તન હજુ પણ કેટલાક પરિવારો અને શહેરો/ગામડામાં જળવાઈ રહેલો જોવા મળે છે. જે મારા મત પ્રમાણે તો પુરૂષ પ્રધાન સમાજની સ્ત્રીઓ ઉપર કરવામાં આવતી બળજબરી ગણાય !

પત્નીના મૃત્યુથી વિધુર થયેલો પુરૂષ બીજા લગ્ન કરવા વિચારતો હોય તો પત્નીના અગ્નિદાહ માટે સ્મશાને જવું પ્રતિબંધિત હતું એટલૂં જ નહિ પણ પોતાના મકાન ઉપર સૌ જોઈ શકે તેમ સફેદ કપડું બાંધવામાં આવતું. પુરૂષને વિધુર થયા બાદ બીજા લગ્ન કરવા ઉપર કોઈ પ્રતિબંધ નહિ હતો. અલબત્ત આજે કેટલીક વિધવા સ્ત્રીઓ પણ બીજા લગ્ન કરતી થઈ છે અને જેને કેટલાક પરિવારો સ્વીકારતા પણ થયા છે જે એક સારું ચિન્હ ગણાય.

સમયાંતરે સમાજે ચાલી આવતી જુની-પુરાણી રૂઢિઓ ત્યાગી નવા પ્રગતિશીલ રિવાજો અપનાવવા જોઈએ અને તો જ દુનિયા ભરમાં પ્રવર્તતા પ્રવાહો સાથે સમાજ તાલ મીલાવી ચાલવા સમર્થ બની શકે.

મૃતક પાછળ કરવામાં આવતી કર્મકાંડની વિધિઓ પણ નરી દંભી બની ચૂકી છે. તેમ છતાં પિતૃ તર્પણ કરવા પાછળ અનેક પરિવારોની શ્રધ્ધા કે અંધ-શ્રધ્ધા જોડાયેલી હોય છે તે બંધ કરવા યોગ્ય સમજ કેળવાય તો જ સમાજના રૂઢિ-પરંપરાવાદીઓની બહુમતિ સામે હિમતભેર આત્મ વિશ્વાસથી ભરપૂર ઉભા રહેવાની/સામનો કરવાની શક્તિ/તાકાત વ્યક્તિમાં પ્રગટે ! આ એક નાજુક બાબત છે કારણ કે, કોઈ મૃતક પાછ્ળ કર્મકાંડની વિધિ ના કરી હોય અને આવા મૃત્યુ પછી થોડા સમયમાં જ પરિવાર ઉપર કોઈ મુશ્કેલી/આફત આવી પડે તો, કર્મકાંડની વિધિ નહિ કર્યાને કારણે આફત આવી, તેવો વહેમ સમાજના કેટલાક તત્ત્વો માનસમાં ઘુસડી દેવા પ્રયાસો કરે છે; અને ત્યારે મજબૂત મનોબળ ધરાવતા પણ ક્યારે ક ડગી જઈ આવા વહેમમાં માનતા થઈ, પ્રાયશ્ચિત રૂપે કર્મકાંડ કરવા લાગે છે. આવેલી આફત પાછળના ખરા પરિબળોની ચકાસણી કરવાને બદલે કે, પોતા દ્વારા અથવા પરિવારના અન્ય કોઈ સભ્યની થયેલી ભૂલને કારણે આવી પડેલી આફત, ભૂલના એકરાર કરવાને બદલે, કર્મકાંડ નહિ કર્યાને દોષિત ગણાવી, અતૃપ્ત પિતૃઓને કારણે અથવા ખરાબ ગ્રહદશા ઉપર ઠોકી બેસાડવામાં આવતી રહે છે અને પોતાની જાતને ખૂબ જ ચાલાક અને ચતુર સમજનાર પણ આ રીતે પલાયનવાદનો ભોગ બને છે.

મૃત્યુબાદ શ્રાધ્ધ ક્રિયા નવમાં દિવસથી શરૂ થતી જોવામાં આવે છે. જો આ ક્રિયા ના કરવામાં આવે તો મૃતક અવગતે જાય છે તેવી અત્યંત રૂઢ થયેલી માન્યતા સમાજમાં વ્યાપક રીતે ફેલાયેલી હોઈ ભાગ્યે જ કોઈ આ ક્રિયા નહિ કરવાનું વિચારે છે. નવમાં દિવસથી ચાલુ થયેલી ક્રિયા તેરમા દિવસના રોજ મૃતક પાછળ સેજ અર્થાત મૃતક પોતાના જીવન દરમિયાન જે કોઈ ચીજ-વસ્તુઓનો વપરાશ કરતો હોય તે તમામ બ્રાહ્મણને અર્થાત આવી ક્રિયા કરાવનારને દાનમાં આપવામાં આવે છે.

ઉપરાંત મૃતકની પાછળ કારજ તરીકે ઓળખાતું, સગા-વહાલા અને સ્નેહી-સબંધીઓનું જમણ કેટલાક પરિવારોમાં રૂઢીગત 13મા દિવસે કરવામાં આવે છે તો કેટલાક મૃતકનું સુતક 13 દિવસ સુધી પાળતા હોય આવું કારજ મૃત્યુના 16 મા દિવસે અર્થાત સુતક ઉતરી ગયા બાદ કરવામાં આવે છે. આવું કારજ કરવામાં અગાઉના સમયમાં પ્રતિષ્ઠા જાળવવા કરજ કરીને પણ ફરજિયાત કરવાનું રહેતું. જો કોઈ મજબુરીને કારણે ઈન્કાર કરે તો જ્ઞાતિમાંથી બહિષ્કાર કરી તે પરિવારને જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવતો અને તમામ વ્યવહાર કાપી નાખવામાં આવતા. કાળક્ર્મે આવી રૂઢિગત પ્રણાલિકામાં શિથીલતા આવી છે અને હવે જ્ઞાતિ બહાર કરવા જેવા આકરા પગલાં લેવામાં આવતા બંધ થયા છે તેમ છતાં કરજ કરીને પણ કારજ કરાવવાનું હજુ કેટલીક જ્ઞાતિમાં અસ્તિત્વ ધરાવે છે.
આ ઉપરાંત અંદાજે છેલ્લા 10-12 વર્ષ થયા મૃતકને શ્રધ્ધાંજલી આપવાની એક નવી પ્રણાલિકા શરૂ થઈ છે. અને તે અખબારોમાં પ્રસિધ્ધ કરવામાં, માત્ર પરિવારજનો દ્વારા જ નહિ, પરંતુ સ્નેહીઓ-સંબંધીઓ પણ પોતાના નામે, મૃતકને શ્રધ્ધાજંલી વ્યકત કરતી જાહેર ખબરો છપાવ્યા કરે છે. આ જાહેર ખબરો પ્રસિધ્ધ કરાવનારઓ જાણતા જ હોય છે, કે મૃતક આ જાહેર ખબર વાંચવાનો/ની નથી પરંતુ તેના/તેણીના પરિવારની સદભાવના/ગુડવીલ મેળવવાના અને તે થકી ભવિષ્યમાં કોઈ અંગત સ્વાર્થ સાધવાની ગણતરી સાથે આવા ગતકડાં કરવા શરૂ કરવામાં આવ્યા છે, અને અખબારો પણ લોકોની આ નબળાઈ/સ્વાર્થી વૃતિ ઓળખી આવી જાહેર ખબરો રાહત દરે પ્રસિધ્ધ કરવા પ્રલોભન આપતા રહે છે. પરિણામે અખબારોના ઓછામાં ઓછા બે પાના આવી જાહેરાતોથી ભરપુર રહે છે.


ઉપરોક્ત દર્શાવેલ કોઈ પણ માન્યતામાં હું માનતો ના હોઈ અમે મારી માતા કે મારી પત્નીના મૃત્યુ પાછળ આવી કોઈ વિધિ કરી નથી. આ તબક્કે મને કહેવાદો કે મારાં માતુશ્રી 14 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા અને મારી જીવનસંગીનીના મૃત્યુને 11 વર્ષ થયા. આ બંનેના મૃત્યુ પાછળ આજ સુધી કોઈ કર્મકાંડની વિધિ કરી નથી તેમ છતાં મને કે અમારાં પરિવારને કોઈ આફત આવી નથી. આ બંનેની યાદમાં અમારાથી શક્ય બને તેટલી, સમયાંતરે જરૂરિયાત વાળા યોગ્ય પાત્રોને સહાય રૂપ થવાની સતત કોશિશ કરતા રહીએ છીએ.

આ ઉપરાંત લાંબા સમય પહેલાં “સંદેશ”ની પૂર્તિ “સંસ્કાર”માં “ચંદરવો” હેઠળ વર્ષા અડાલજાએ એક પ્રસંગ ટાંક્યો હતો તે યાદ આવે છે. જેમાં એક દંપતિ કે. જેના 3 બાળકોમાંથી એક દિકરો અમેરીકા રહે છે. બીજો દેશમાં જ પણ દૂરના શહેરમાં વસતો હોય છે અને. પૂત્રી પણ દૂરના શહેરમાં સાસરે છે. અચાનક પતિના મૃત્યુ થતા ત્રણે બાળકો મા પાસે આવે છે. અંતિમ ક્રિયાઓ પતાવ્યા બાદ મા અને બાળકો વચ્ચે સંવાદ થાય છે જેમાં અમેરીકા રહેતો પૂત્ર માને ભાર પૂર્વક કહે છે કે. હવે તેણીએ એક્લા રહેવાનું નથી અને તેની સાથે અમેરીકા જવાનું છે. બીજો પૂત્ર કહે છે કે. અમેરીકા જવું ના ગમે તો મારી સાથે આવવાની તૈયારી રાખવાની છે આ વાતને પૂત્રી અનુમોદન આપી માને બે સ્થળમાંથી પસંદ કરવા આગ્રહ કરે છે. મા મૂગામૂંગા આ વાતો સાંભળે છે અને અચાનક ફોન ઉઠાવી એક નંબર ડાયલ કરે છે અને આ સમયે હાજર પરિવારના સભ્યોની ગણત્રી કરી 8 પ્લેટ આઈસ્ક્રીમ મોકલવા રેસ્ટોરંટ વાળાને ઓર્ડર આપે છે. જે સાંભળી ત્રણે બાળકો ચોંકી ઉઠી માને પૂછે છે કે, મા તું શું કરી રહી છે ? હજુ અમારા પપ્પાના મૃત્યુને એક સપ્તાહ પણ થયું નથી અને તું હોટેલમાંથી આઈસ્કીમ મંગાવે છે, લોકો જોશે તો કેટ્લું ખરાબ દેખાશે !? માં નો જવાબ બરાબર સાંભળજો/વાંચજો મા એ કહ્યું, તમારા પિતાશ્રીના મૃત્યુને કારણે, આજે આપણો સમગ્ર પરિવાર એકી સાથે હાજર છે, આ પહેલાં અનેક કોશિશો કરવા છતાં, વર્ષો થયા આ રીતે આપણો પરિવાર એકી સાથે મળી શક્યો નથી. એક હાજર હોય તો બીજો પ્રતિકૂળ સંજોગોને કારણે ના આવી શક્યો હોય બંને ભાઈઓ હાજર હોય પણ બહેન ના આવી શકી હોય તેવું અનેક વાર બન્યું છે જ્યારે આજે આકસ્મિક રીતે સૌ એકી સાથે હાજર છે ત્યારે આપણે સૌ સાથે બેસી તેઓને યાદ કરી આઈસ્ક્રીમ જમીએ તે તમારા પિતાશ્રીને આથી વિશેષ સાચી અંજલી કોઈ ના હોઈ શકે ! હવે રહી બીજી વાત, મેં તમારા સૌની મારા પ્રત્યેની લાગણી ભરી વાતો સાંભળી હવે મારી વાત તમે સૌ સાંભળી લો કે, હું આ ઘર છોડી કયાંય જવાની નથી. અહિ જ રહીશ અને અમારા બંનેની અદમ્ય ઈચ્છા તો હિમાલય વગેરે અનેક સ્થળોએ સાથે ફરવા/રખડવાની હતી પણ તે હવે શક્ય નહિ રહેતા હું એકલી આ તમામ સ્થળોના પ્રવાસે નીકળી પડીશ અને સુક્ષ્મ સ્વરૂપે તમારા પપ્પા મારી સાથે જ રહેશે ! અને આમ અમારા બંનેની ઈચ્છા પૂરી કરીશ. આ સાંભળી બાળકો નિરાશ થયા પરંતુ માની પ્રકૃતિ જાણતા હોય માની વાત ચુપચાપ સ્વીકારી લીધી. બીજે દિવસે જ મા પોતા માટે પ્રવાસની તૈયારી કરવા લાગી અને બજારમાં જઈ જીન્સ, ટોપ્સ વગેરે વસ્ત્રો ખરીદી દરજીને પણ આપવા ગઈ ત્યારે દરજીએ પણ આશ્ચ્રર્ય અને આઘાત અનુભવ્યા ! આ રીતે મૃત્યુને જીવનની એક અનિવાર્ય અવસ્થા ગણી સહજ રીતે સ્વીકારવું જોઈએ.

અંતમા મને કહેતા આનંદ થાય છે કે, આદરણીય કાકા કાલેલકર પણ મારા જેવો જ અભિગમ આવી શ્રાધ્ધની ક્રિયા વિષે ધરાવતા હતા. તેમના શબ્દોમા કહું તો “ શ્રાધ્ધનો રૂઢ પ્રકાર મને માન્ય નથી. કાગડાની ચાંચનો પિંડ ઉપર પ્રહાર કરાવવો વગેરે વાતો મને હવે બાલિશ લાગે છે. શાસ્ત્રધર્મ સાથે એને કશો જ સંબંધ નથી. અનાર્યોની કેટલીક પ્રથા આર્યોએ સ્વીકારી અને લોકસમુદાયની ધાર્મિક માન્યતાઓને સનાતન ધર્મમાં સ્થાન મળ્યું તે કાળે આ બધું યથાયોગ્ય હશે, પણ આજે હવે આપણી ધાર્મિક પ્રથાઓનું શુધ્ધિ કરણ કરવું આવશ્યક છે. નિયમિતપણે ધર્મનું અધ્યયન કરવું, ધર્મને જાગ્રત રાખનારા લોકોને મદદ કરવી, પૂર્વજોની સદાચારની પરંપરા ચાલુ રાખવી, માણસને આશ્રયે રહેતાં પશુ-પક્ષીનાં જીવન નિર્ભય અને સુખી બનાવવા પ્રયત્નશીલ રહેવું વગેરે બાબતોને હું પિતૃઓનું શ્રાધ્ધ માનું છું.”

“બ્રહ્મકપાલ પર જઈને શ્રાધ્ધ કરવું એમ હું નવી પેઢીને નહીં કહું. જૂની નિષ્ઠા જાળવી રાખનારા માણસોને હું કહીશ કે તમે જો બદ્રીકેદાર જઈને બ્રહ્મકપાલ પર શ્રાધ્ધ કર્યું હોય તો હવે સ્વર્ગવાસી પિતૃઓના નામથી મંત્રોક્ત કે રૂઢ શ્રાધ્ધ કરશો નહિ. પૂર્વજોને માટેના આદર કાયમ રાખવા માટે અથવા તેમનું સ્મરણ ચાલુ રહે તેટલા માટે તમારે જો કંઈક કરાવવું હોય તો હરિજન વગેરે પછાત જાતિઓના કલ્યાણનું એકાદ સત્કૃત્ય કરો,અને દાન ધર્મ કરો.”“ મેં મારા અંતેવાસીઓને કહી મૂક્યું છે કે મારી પાછળ મારું શ્રાધ્ધ કરવાનો નકામો શ્રમ કોઈએ લેવો નહિ. મને તેની જરૂર લાગતી નથી. મારી પાછળ મારી સ્મૃતિ કાયમ રહે તેવી પણ મારી ઈચ્છા નથી. મારે હાથે એકાદ સત્કૃત્ય થયું હોય તો તે સત્કૃત્ય અને તેનું શુભ પરિણામ ભલે કાયમ રહે. પરંતુ તેમની સાથેનો મારો સંબંધ તૂટી જવો જોઈએ, નાશ પામવો જોઈએ.”“પોતાનું વ્યક્તિત્વ સમાજની સ્મૃતિમાં કાયમ રહે તેવા પ્રકારની લોકોચ્છા કે પુત્રેચ્છા હોવી તે મોક્ષના આદર્શને

બાધક છે.” કાકા સાહેબ કાલેલકરે તેમના પુસ્તક “પરમ સખા મૃત્યુ” માં 1959માં જણાવેલ છે.

આજરીતે મેં પણ અમારા બાળકોને સ્પષ્ટ સુચનાઓ આપી રાખી છે કે, મારાં મૃત્યુબાદ મારુંમૃત શરીર મેડીકલ કોલેજના વિધાર્થીઓને
અભ્યાસ માટે દેહ દાન તરીકે સોંપી આપવું,તે માટે એક ફોર્મ ભરવાની પ્રાથમિક વિધિ પણ મેં 2004માં પૂરી કરી દીધેલીછે. ઉપરાંત મૃતક
પાછળ રાખવામાં આવતું ઉઠમણૂં/બેસણું પણ રાખવા સ્પષ્ટ ના કહી છે.શ્રાધ્ધ વગેરે ક્રિયાઓ પણ નહિ કરવાની સ્પષ્ટ સુચનાઓ મૌખિક
તેમજ વસિયતનામામાં  લેખિત સ્વરૂપે કરેલી છે.

Arvind


Categories:

Leave a Reply