આ જગતને ચાહવાનું મન થયું,
લ્યો, મને માણસ થવાનું મન થયું.
એક કૂંપળ ફૂટતી જોયા પછી,
ભીંત તોડી નાંખવાનું મન થયું.
આ પવન તો ખેરવી ચાલ્યો ગયો,
પાન ડાળે મૂકવાનું મન થયું.
આ તરસ સૂરજની છે, કહેવાય ના,
અમને નદીઓ ઢાંકવાનું મન થયું.
કોણ જાણે કઇ રમત રમતાં હતાં ?
બેઉ જણને હારવાનું મન થયું.
જાળને જળ એક સરખાં લાગતાં,
માછલીને ઊડવાનું મન થયું.
શ્વાસ રૂંધે છે કદી ખુશ્બુ છતાં,
ફૂલ કોટે ખોસવાનું મન થયું.
મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરના થઈ જવાનું મન થયું.

- ગૌરાંગ ઠાકર

Categories: ,

Leave a Reply