“વ્હાલપની વાત”કાળઝાળ ગરમી  …. ઉનાળાની બળબળતી બપોર આશરે અઢી વાગ્યાનો સમય . હમણાંજ બસ આવવી જોઈએ હવે તો બે વર્ષ થયા મારી મોટી દીકરી ઋજુતાને બરોડા ડેન્ટલનું ભણવા ગયાને, નહિ તો બંને ભાઈબેન સાથેજ જાય અને સાથેજ આવે. … 
હવે હેતવ એકલો જાય છે.  હેતવ …મારો ૧૩ વર્ષનો દીકરો, હમણાં આવવોજ જોઈએ.    
 …  હમણાંજ એક ધક્કાથી બારણું ખુલશે ,
 “માં ….માં ક્યાં ગયી ?”  
હાથ સીધો પંખાનાં રેગ્યુલેટર પર એને ફુલ કરી અને બેગને ધબ્બ દઈને ટેબલ ઉપર નાખશે , શુઝ અને સોક્સ એક બાજુ , પછી સીધો અંદર એની રૂમમાં અને હાથમાં એસીનું રિમોટ લેતાજ  પલંગ પર પડશે ..અને પછી વાતો શરુ … આજે સ્કુલમાં આમ થયું અને તેમ કર્યું , અને પેલા સરે  આમ કહ્યું અને અમે આવું કર્યું અને આવી મજા આવી અને તેવી …. આ  તેનો રોજનો આવ્યા પછીની ૧૦ થી ૧૫ મિનીટનો ક્રમ. પછી હાથ પગ ધોવાના અને સ્કુલ યુનિફોર્મ બદલાવવાનો .
આજે બારણું જરા હળવા ધક્કે ખુલ્યું …
“માં ….માં ક્યાં ગયી ?” વાળો અવાજ મ્યુટ થઇ ગયો હતો . બહારનાં રૂમનો પંખો પણ ફુલ ના થયો ! શુઝ અને સોક્સ કાઢી , સીધો અંદર એની રૂમમાં  જઈ અને  સ્કૂલબેગ તેના સ્ટડી ટેબલ ઉપર મૂકી !!!!!!!!   
આજે જરા ડાહ્યો અને સાઈલંટ મોડ જોઈને જરા નવાઈ લાગી અને જરૂર કઈ વાત બની છે એવું લાગ્યું . થોડી વાર તો શાંતિથી હું પણ બેસી રહી …પછી હળવેથી વાત શરુ કરવાને ઈરાદે પૂછ્યું …  “બહુ તાપ લાગ્યો નહિ? ” ….  “આજે તો આખી સ્કુલ બસ ફુલ હતી ” ….  “બધાય સ્ટુડનટ્સ આવી ગયા લાગે છે .”  
“હમમ આજથી તો ફર્સ્ટ , સેકંડ ,અને થર્ડ  ફોર્થ સ્ટાનડર્ડ વાળાને પણ ચાલુ થઇ ગયું .”
“અહિ આગળના સર્કલ પાસેથી કોઈ બે જણાં નવા આવે છે .  મારી બાજુની સીટ માજ બેસે છે. ભાઈ-બેન છે … ભાઈ નાનો છે, ફર્સ્ટમાં ને બેન ફોર્થમાં છે,  તો છે ને માં…,  આજે  વળતી વખતે રસ્તામાં પેલો એનો ભાઈ છે ને એ સુઈ ગયો હતો , તો ઘર આવવાનો ટાઈમ થયો ને તો એની બેન એને ઉઠાડતી હતી …પણ એ ઉઠતોજ નોતો ! તો પછી છેને એની બેન એને ગલીપચી કરવા માંડી,  તો પેલો હસી પડ્યો ! … તો પેલી ક્હે  “હું તારીજ બેન છું સમજ્યોને !”  ……………………………………………………………………………………….

“તો માં ….. મને એ જોઈને મારી ઋજુતા બહુ યાદ આવી ગઈ !”    

પારૂ કૃષ્ણકાંત “પિયુની”    

Categories:

Leave a Reply