આપણે નાનપણમા ટોપીવાળા ફેરિયાની વાત સાંભળી છે. છતાં જેણે ન સાંભળી હોય તેમના લાભાર્થે ફરી કહું છું.
એક ટોપી વેચનાર ફેરિયો ટોપીઓ વેચવા એક ગામથી બીજા ગામ જતો હેતો. બપોર થતાં ભાથું ખાવા એ એક ઝાડ નીચે રોકાયો. ખાઈને થોડો આરામ કરવા એ સૂઈ ગયો. થોડીવારે જાગીને જૂવે છે તો એના થેલામાંથી ઘણીબધી ટોપીઓ ગુમ થયેલી દેખાઈ. એણે આડું અવડું જોયું પણ કોઈ દેખાયું નહીં. પછી ઉપર જોયું તો વાંદરાઓનું એક ટોળું એની ટોપીઓથી ઝાડની ડાળીઓ ઉપર રમતું હતું. ટોપીવાળો વિચારમા પડી ગયો કે હવે વાંદરાઓ પાસેથી ટોપીઓ કેવી રીતે પાછી મેળવવી. આખરે તેને એક ઉપાય સુઝ્યો. એણે થેલામાંથી એક ટોપી કાઢી પોતે પહેરી લીધી. તરત વાંદરાઓએ તેની નકલ કરી ટોપીઓ પોત પોતાને માથે પહેરી લીધી. થોડીવાર પછી ટોપીવાળાએ પોતાના માથાપરથી ટોપી ઉતારીને જમીન પર ફેંકી. બધા વાંદરાઓએ એની નકલ કરી ટોપીઓ જમીન પર ફેંકી. ટોપીવાળાએ ઝડપથી પોતાની ટોપીઓ ભેગી કરી લીધી અને પોતાને રસ્તે પડ્યો.

આ વાત લગભગ બધાયે સાંભળી હશે. હવે ત્યારથી સો વર્ષ બાદ બનેલી વાત કહું છું.

ટોપીવાળાની કદાચ ચોથી પેઢીનો છોકરો એ જ રીતે ટોપીઓ વેચવા એક ગામથી બીજે ગામ જતો હતો. તે પણ રસ્તામા ભાથું ખાવા ઝડનીચે રોકાયો. એને પણ ઊંઘ આવી ગઈ. એની ટોપીઓ લઈને પણ વાંદરા ઝાડ ઉપર ચડી ગયા. એણે પણ જાગીને જોયું તો ટોપીઓથી રમતા વાંદરા એને ઝાડ પર દેખાયા. ટોપીવાળાએ એના પરદાદાની વાત સાંભળેલી, એટલે એણે એક ટોપી પોતાના માથા પર મૂકી. બધા વાંદરાઓએ એની નકલ કરી. પછી ટોપીવાળાએ પોતાની ટોપી નીચે જમીનપર નાખી. એક પણ વાંદરાએ ટોપી નીચે ફેંકી નહીં. એક આગેવાન વાંદરો બોલ્યો તેં તારા પરદાદાની વાત સાંભળી છે તેમ અમે પણ અમારા પરદાદા કેવા મૂરખ બનેલા તે સાંભળ્યું છે.

(આજની પેઢી એના પરદાદાઓથી ઘણી વધારે હોશિયાર છે –પી. કે. દાવડા)

Categories:

Leave a Reply