ફરી એકવાર સસલા અને કાચબાની રેસ

આપણે બચપણમા આ વાર્તા ઘણીવાર સાંભળી છે. કાચબા અને સસલાએ રેસ લગાવી. સસલાને વધારે પડતો આત્મવિશ્વાસ હતો કે એ કાચબા કરતા ખૂબ વધારે ઝડપી હોવાથી રસ્તામા થોડીવાર આરામ કરી લેશે તો પણ રેસ એ જ જીતસે. એટલે સસલો અર્ધે રસ્તે ઊંઘી ગયો. એની ઊંઘ જરા લાંબી ચાલી, એટલીવારમા ધીમો કાચબો મુકામ પર પહોંચી ગયો અને રેસ જીતી ગયો.
(સમજઃ ધીમો પણ મક્કમ રેસ જીતે છે.)

આ વાત કાચબાઓ અને સસલાઓમાં વંશપરંપરાથી ચાલી આવતી. થોડી પેઢીઓ પછી એક સસલાએ ફરી એક કાચબાને પડકાર્યો. કાચબાએ હા પાડી. રેસ શરૂ થઈ. સસલાને પોતાના પૂર્વજની વાત ખબર હતી, એટલે એ સૂતો નહિં અને કાચબાથી ઘણી વહેલી રેસ પુરી કરી.
(સમજઃ સશક્ત અને મક્કમ જ રેસ જીતે છે, જો એનામા વધારે પડતો આત્મવિશ્વાસ ન હોય.)

થોડી બીજી પેઢીઓ પછી એક કાચબાને લાગ્યું કે આ સસલાની જીતે અમારી પહેલાની પ્રતિષ્ઠાને ઝાંખી પાડી દીધી, ગમે તેમ કરીને આ પ્રતિષ્ઠા પાછી મેળવવી જોઈએ. એણે એક ચાલાક રસ્તો શોધી કાઢ્યો. એણે સસલાને રેસ માટે પડકાર આપ્યો, અને કહ્યું હવે આપણે નવા માર્ગે રેસ દોડીશું. એણે ક્યાંથી ક્યાં સુધી દોડવાનું છે તે સ્થળના નામો સસલાને જણાવ્યા. ફરી સસલાનો વધારે પડતો આત્મવિશ્વાસ ઉપર આવી ગયું, અને એણે કહ્યું, ગમે તે રૂટ હોય, પણ હું તારાથી ઘણો વધારે ઝડપી હોવાથી ત્યાં પહેલો પહોંચીસ. રેસ શરૂ થઈ, થોડા માઈલ દોડ્યા પછી સસલાએ જોયું કે વચ્ચે એક નદી છે, અને જ્યાં જવાનું છે, એ નદીને સામે કિનારે છે. શું કરવું એ વિચારમા સસલાના દિવસો નીકળી ગયા, ત્યાં કાચબો આવી પહોંચ્યો. સહેલાઈથી પાણીમા ઉતરી, તરીને સામે કિનારે પહોંચી ગયો.
(સમજઃ કોઇ પણ ચેલેંજ સ્વીકારતા પહેલા એનો પૂરો અભ્યાસ કરવો જોઈએ.)

સમય બદલાયો. કાચબાઓએ અને સસલાઓએ મળી નક્કી કર્યું, હવે આ હુંસાતુસી બંધ કરવી જોઈએ. હવે એક એવી રેસનું આયોજન કરીએ કે જેમા બને કોમો જીતે. ગઈ રેસના રૂટને જ ફરી પસંદ કરવામા આવ્યો. રેસ શરૂ થઈ, સસલાએ કાચબાને પોતાની પીઠ પર સવાર થઈ જવા કહ્યું, અને બન્ને નદી સુધી
પહોંચ્યા. પછી કાચબાએ સસલાને પોતાની પીઠ પર સવારી કરાવી, નદી પાર કરાવી. બન્ને એક સાથે
નક્કી થયેલા સ્થળે પહોંચ્યા.
(સમજઃ (૧) શોધવાથી કોઈપણ વિવાદનો ઉકેલ મળે છે. (૨) જેની પાસે જે વધારે હોય તે બીજાને મદદ કરવામા વાપરવાથી બધાને ફાયદો થાય છે.)

-પી. કે. દાવડા

Categories:

Leave a Reply